રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 ડિસેમ્બર 2016 (15:44 IST)

પૂર્વ સાંસદના પત્ની 80 વર્ષની વયે પરચુરણ ચીજવસ્તુઓની દુકાન ચલાવે છે

પૂર્વ સાંસદના પત્ની ગંગાબા ૩૦ વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા ગામમાં કરીયાણા અને પરચૂરણ ચીજવસ્તુઓની નાની દુકાન ચલાવે છે. ગંગાબાએ પોતાના જીવનના ૮૦ વર્ષ થયા હોવા છતાં તેઓ થાકયા નથી.દરરોજ દુકાન ખોલીને બેસવુંએ તેમનો રોજનો ક્રમ છે. તેમના પતિ સવશીભાઇ ૧૩ મી લોકસભાના સાંસદ બન્યા ત્યારે પણ પોતાની દુકાન બંધ કરી ન હતી.જીવન જરુરીયાતની વસ્તુઓ વેચીને નાનકડી દુકાનમાંથી થતી આવક આજે પણ પરીવારની આવકનો એક હિસ્સો બને છે.   ગંગાબા કહે છે મે મારા જીવનમાં કયારેય કોઇનું અણહકકનું ખાધું નથી અને ખાવું પણ નથી.

એક સમય એવો પણ હતો કે બાકસના ખોખામાં ચાની ભૂકીઓ લાવીને મહેમાનોને ચા પીવડાવતા હતા. ગંગાબા કહે છે ૩૫ વર્ષ પહેલા પતિ સવશીભાઇ ગામની સ્કૂલમાં ચિત્ર શિક્ષક હતા ત્યારે ખાસ આવક ન હતી. આથી ઘરમાં પૂરક આવક મળી રહે તે માટે ધજાળા ગામમાં નાની દુકાન શરુ કરી હતી. આજે ગંગાબા પાસે પતિના પેન્શનની સ્થિર આવક હોવા છતાં બેઠા કરતા બજાર ભલી એમ માનીને દુકાને બેસે છે.તેઓ એમ પણ કહે છે કે દૂકાન ખોલીએ તો બે ઘરાક આવે ઘરે બેઠા કોઇ પૈસા દેવા આવે નહી.મહેનત કરવાથી શરીર અને મન બેય સારા રહે છે. આજે ૨૨૦૦ ની વસ્તી ધરાવતા નાના ગામમાં દરરોજ ૩૦૦ થી ૪૦૦ રુપિયાની આવક થાય છે.આટલી મળતી આવકમાંથી પણ તેમને સંતોષ છે.જો કે નોટબંધીની શરુઆતમાં ગંગાબાની દુકાનએ પણ છુટાના લીધે ગ્રાહકો ઘટી ગયા હતા.જીવનમાં અનેક લીલી સૂકી જોનારા ગંગાબા એક સમયે છાત્રાલયમાં રહેતા વિધાર્થીઓની રસોઇ પણ બનાવતા હતા. વર્ષો પહેલા ગંગાબા એકના એક જવાનજોધ પુત્રનું અકસ્માતમાં મુત્યું થયું હતું.ગંગાબા તેમના પુત્રને આજે પણ ભૂલી શકતા નથી. તેઓ કહે છે જીવનમાં કોઇનું અણહકકનું લીધું નથી તેમ છતાં મારા જુવાનજોધ પુત્રને ઉપરવાળાએ ઝુંટવી લીધો એનો રદિયો વળતો નથી. આ દુકાન અંગે વાત કરતા ૮૬ વર્ષના પૂર્વ સંસદસભ્ય સવશીભાઇ મકવાણા કહે છે  ગંગાબાને દુકાન ચલાવવામાં સારો સમય પસાર થાય છે.જયારે હું જાહેરજીવનમાં સક્રિય હતો ત્યારે પણ તેઓ દુકાન ચલાવતા હતા.મને પૂર્વ સાંસદ તરીકેનું પેન્શન મહિને ૨૦ હજાર રુપિયા મળે છે.ગંગાબાની આ દુકાન ચલાવવાની પ્રવૃતિમાં કયારેય માથું મારતો નથી.મને આજે પણ તે હક્કથી ટોકી અને રોકી શકે છે. ગંગાબા જે પણ પૈસા મળે તે દિકરીઓ,દિકરીઓના દિકરા અને સગા સંબંધીઓના છોકરાઓને હાથમાં આપવામાં ખર્ચ કરે છે.દિકરાનો દિકરો પણ ઘર ચલાવવામાં મદદ કરે છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધીના જાહેર જીવનમાં પ્રજાનો પૈસો વેડફાય નહી તેનું હંમેશા ધ્યાન રાખ્યું છે. આજના સાંસદોનો લોકો સાથેનો સંપર્ક ઓછો થઇ ગયો છે.તેમની ગાડીઓ હાઇવેથી ઉતરીને ગામડાના રસ્તા તરફ જતી નથી.નોટબંધી અંગે તેમણે જણાવ્યું કે આનાથી દેશને ખાસ ફાયદો થાય તેવું પોતે માનતા નથી