શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : ગુરુવાર, 11 ઑગસ્ટ 2016 (14:10 IST)

નર્મદા ડેમ ઓવરફ્લો થતાં જિલ્લાના 32 ગામોમાં એલર્ટ(જુઓ ફોટા)

નર્મદા ડેમમાં પાણીની આવક થતાં તે ફરીવાર ઓવરફ્લો થયો છે અને નર્મદા જિલ્લાના 32 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે  ઓમકારેશ્વર ડેમ તથા ઇન્દિરા સાગર ડેમથી છોડાયેલા પાણીને લઈને નર્મદા ડેમ 125.88 મીટરની જળ સપાટીએ પહોંચ્યો છે.   બીજી તરફ એક અઠવાડિયા સુધીની વરસાદની આગાહીને લઈને નર્મદા જિલ્લાના 32 ગામોને એલર્ટ કરાયા છે. એટલું જ નહીં, 9 ગામોના 4 હજાર લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ મુકાયા છે. નર્મદા જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. સરદાર સરોવર ડેમ પર હાઈ સિક્યુરિટી ઝોનને લઈને 600 એસ.આર.પી. જવાનો સાથે 200 પોલીસ વિભાગના જવાનો ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયા છે. અત્યારે ડેમમાં 2,32991 ક્યુસેક પાણીની આવક તથા 3,20613 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. જેથી 11 ટર્બાઇનથી વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. કુલ 1450 મેગાવોટ વીજળીનું ઉત્પાદન પ્રતિ દિન થઇ રહ્યું છે. 6 કરોડની વીજળી દરરોજ ઉત્પાદિત થઇ રહી છે.

કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાતાં 43 ગામોમાં એલર્ટ
પંચમહાલમાં છેલ્લા 25 કલાકમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો હતો. બીજી તરફ કડાણા ડેમમાંથી રાત્રે દોઢ લાખ ક્યુસેક પાણી છોડાતાં મહીસાગર નદીની સપાટી વધી હતી. જેથી મહીસાગર નદી કાંઠાના સાવલી, ડેસર, પાદરા અને વડોદરા જિલ્લાના 43 ગામોને એલર્ટ કરાયા છે. વડોદરા કલેક્ટર લોચનસિંહ સેહરાએ અધિકારીઓને કડક સૂચના આપી નદી કિનારે લોકો જાય નહીં તે વિશે તાકીદ કરી હતી. સાથે મામલતદાર, ટી.ડી.ઓ, તલાટી સહિતના તંત્રને કામે લગાડ્યા હતા. 

સાબરમતી નદી કાંઠાના ૪૦ ગામોને એલર્ટ કરાયાં
 સાબરમતી નદીમાં પાણી આવવાની શક્યતાના પગલે ગાંધીનગર જિલ્લાના નદીકાંઠાના ચાલીસ જેટલા ગામોને સતર્ક કરી દેવાયાં છે. જિલ્લા કલેકટર દ્વારા મામલતદારોને આ સંદર્ભે ઘટતી કાર્યવાહી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જો કે ધરોઈમાંથી હજુ સુધી પાણી છોડવામાં નહીં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.રાજ્યમાં આ વર્ષે મોડે મોડેથી પણ મેઘરાજાએ એન્ટ્રી મારી છે પરંતુ છેલ્લા પાંચ દિવસથી સમગ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર ધીમી ધારે મેઘરાજાની પધરામણીએ ખેડૂતો સહિત લોકો ખુશ થઈ ગયા છે. ત્યારે છેલ્લા ર૪ કલાકથી તો મેઘરાજા મનમૂકીને વરસી પડતાં પાણી પાણીનો માહોલ સર્જાયો છે.  આવી સ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના નદી કાંઠાના ૪૦ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકાના ભાટ, કોટેશ્વર, નભોઈ, સુઘડ, કોબા, રાંદેસણ, રાયસણ, શાહપુર, પાલજ, લેકાવાડા, ધરમપુર, દોલારાણા વાસણા, ચેખલારણી, સાદરા, માધવગઢ, પીંપળજ, પીંડારડા, ચિલોડા, લીંબડીયા, કરાઈ, ફીરોજપુર, વલાદ, દશેલા અને આલમપુર ગામનો સમાવેશ થાય છે.