શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , શનિવાર, 27 જૂન 2015 (16:35 IST)

અકસ્માત મહિલા કારચાલક ફરાર

શહેરમાં બેફામ રીતે કાર ચલાવી લોકોને અડફેટે લઈ તેમની જિંદગી છીનવવાના કિસ્સાઓ અટકવાનું નામ લેતા નથી. ગત સાંજે નહેરુનગરની મોના સોસાયટીમાં એક મહિલા કારચાલકે આડેધડ કાર રિવર્સ લેતાં બહાર રમતા બે વર્ષીય બાળકને કાર નીચે કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ મહિલા કારચાલક ફરાર થઈ ગઈ હતી. એલિસબ્રિજ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરી કરી છે. 

બનાવની વિગત એવી છે કે આંબાવાડી વિસ્તારમાં બેંક ઓફ બરોડાના ખાંચામાં આવેલી સુરસનજીની ચાલીમાં લીલાબહેન ઠાકોર (ઉ.વ.૬૦) રહે છે. ગત સાંજે સાડા પાંચની આસપાસ લીલાબહેન તેમના ભાણિયા જયેશ સંજયભાઈ ઠાકોર (ઉ.વ.૨)ને લઈ મોના સોસાયટી પાસે આવેલા કોર્નર પર બેઠા હતા. દરમિયાનમાં જયેશ તેના માસી પાસે બેઠો હતો ત્યારે સોસાયટીમાંથી એક મહિલા કારચાલકે પૂરપાટ ઝડપે પોતાની કારને રીવર્સ લીધી હતી. જેમાં જયેશ કારના આગળના વ્હીલમાં આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ મહિલા કારચાલક ફરાર થઈ ગઈ હતી. 

ઘટના બનતાં સોસાયટીના લોકો બહાર દોડી આવ્યા હતા અને મૃતક જયેશના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને ભારે આક્રંદ સાથે વાતાવરણ ગમગીન બની ગયું હતું. બનાવની જાણ એલિસબ્રિજ પોલીસને કરાતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને લાશને પી.એમ. અર્થે મોકલી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ કારચાલક કોઈ મહિલા હતી અને હાલમાં તેની સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે તેમજ સીસીટીવી ફૂટેજ પણ મેળવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. 
શહેરમાં હિટ એન્ડ રનના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. દસ દિવસ અગાઉ પણ સાબરમતી વિસ્તારમાં પૂરપાટ ઝડપે જઈ રહેલા એક કારચાલકે એક યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વારંવાર આ રીતે શહેરમાં રોજના બે હિટ એન્ડ રનના બનાવો બની રહ્યા છે. છતાંય પોલીસ આવા બનાવોને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. પોલીસ આવા હિટ એન્ડ રનના બનાવોમાં સીસીટીવી ફૂટેજ વગર પાંગળી સાબિત થાય છે. મોડી રાત્રે કારચાલકો બેફામ રીતે કાર ચલાવતા હોય છે ત્યારે નાઈટ પેટ્રોલિંગ કરતી પોલીસ પણ આવા કારચાલકોને રોકી તેમની સામે કોઈ જ કાર્યવાહી કરતી નથી.
બે મહિનામાં છ બનાવ

- ગુજરીબજાર પાસે ઈન્ડિકા કારચાલકે ફૂટપાથ પર સૂતેલાને અડફેટે લેતા બે વ્યક્તિના મોત
- સેટેલાઈટ ઈસ્કોન ગાંઠિયા નજીક અજાણ્યા કારચાલકે યુવકને અડફેટે લેતા મોત
- શાહઆલમમાં બિલ્ડર પુત્રએ બેફામ કાર ચલાવી ફૂટપાથ પર સૂતેલા લોકોને અડફેટે લેતાં ત્રણના મોત
- શિવરંજની ચાર રસ્તા નજીક ફૂટપાથ નજીક સૂઈ રહેલા મજૂર પરિવારને કારચાલકે અટફેટે લેતાં બેના મોત
- એસ.જી. હાઈવે ઉમિયા કેમ્પ નજીક કારચાલકે એક વૃદ્ધાને અડફેટે લેતાં મોત
- સાબરમતી ટોલનાકા પાસે કારચાલકો યુવકને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત