શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 28 નવેમ્બર 2013 (16:03 IST)

અમદાવાદને ભૂકંપનો આંચકો પહોંચે તે પહેલાં ૩૦ સેકન્ડમાં એલાર્મ ધણધણી ઉઠશે

ગુજરાત સમાચાર

P.R
ગુજરાતના કેટલાક શહેરોમાં દર મહિને ૪થી ૫ ૩ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકા આવે છે

૨૦૦૧ના ભૂકંપમાં અમદાવાદના નાગરિકોને જાનમાલની હાનિ ભોગવવી પડી હતી. પરંતુ ગુજરાતના ભૂકંપ સંશોધન કેન્દ્ર દ્વારા એક એવી સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે કે જે અમદાવાદમાં ભૂકંપની ધુ્રજારી - આંચકો પહોંચે તે પહેલાં ૩૦ સેકન્ડમાં હાઇરાઇઝ બિલ્ડીંગ, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન સહિત મહત્ત્વના સ્થળોએ લગાવાયેલા એલાર્મની ઘંટડી ગાજી ઉઠશે અને લોકો અડધી મિનિટમાં સલામત સ્થળે પહોંચી શકશે. આ કેન્દ્ર અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, નવસારી વગેરે શહેરમાં પણ આ સૂચિત અર્લી વોર્નિંગ સિસ્ટમ ગોઠવશે આ અદ્યતન સિસ્ટમના કારણે હજારો લોકોના જીવ બચી જશે.

૨૦૦૧ના કચ્છના વિનાશકારી ભૂકંપના પગલે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર ભૂકંપ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રના વડા અને ભૂકંપ નિષ્ણાત ડો. બી. કે. રસ્તોગીએ એક ખાસ વાતચીતમાં આ સિસ્ટમ અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભૂકંપનું એપી સેન્ટર કચ્છમાં છે કચ્છમાં જમીનના પેટાળમાં એવા સાધનો મૂકવામાં આવ્યા છે કે જે પેટાળમાં થતી હિલચાલની ત્વરિત માહિતી આપે છે. હાલમાં ૧૦થી ૧૫ સાધનો છે પણ અર્લી વોર્નિંગ સિસ્ટમ ૫૦ સાધનો મૂકવામાં આવશે.

તેમણે સમજાવ્યું હતું કે, ભૂકંપ આવતા પહેલાં પેટાળમાં પ્લેટમાં હિલચાલ થાય એટલે ખસી જાય કે એકબીજા સાથે અથડાય ત્યારે વિનાશની ઊર્જા એકત્ર થવામાં ૨૦ સેકન્ડનો સમય લાગે છે અમે એક એવું સોફ્ટવેર વિદેશથી લાવી રહ્યા છીએ કે જે ૨૦ સેકન્ડમાંથી શરુઆતના ૫ સેકન્ડ વિનાશકારી ઊર્જા કે જે ૭.૫થી ૮ના રીચર સ્કેલની તીવ્રતાવાળો ભૂકંપ લાવે તેની જાણકારી આપશે. કચ્છમાંથી ભૂકંપની તીવ્ર અસરો આંચકા અમદાવાદ પહોંચતા ૪૦ સેકન્ડ લાગે તે અગાઉની ૩૦ સેકન્ડે એટલેકે અડધી મિનિટ પહેલાં કચ્છના સાધનો સાથે વાયરલેસથી જોડાયેલા અને હાઇરાઇઝ બિલ્ડીંગ્સ, એરપોર્ટ વગેરે સ્થળોએ મૂકાનારા એલાર્મ આપમેળે ધણધણી ઉઠશે અને લોકોને તે સ્થળેથી સલામત સ્થળે દોડી જવા અડધી મિનિટનો સમય મળી જશે.

તેમણે કહ્યું કે, અડધી મિનિટમાં લોકો સલામત સ્થળે ખસી શકે છે અને આ એલાર્મ ભૂકંપ આવી રહ્યો હોવાનો છે તેનાથી લોકોને પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા માહિતગાર કરાશે જેમ કે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાથી આજે સૌ કોઈ પરિચિત છે તેમ આ ખાસ એલાર્મથી પણ સૌ કોઈને પરિચિત કરાશે જેથી ભૂકંપની ચેતવણી મળતાં જ સૌ કોઈ સજાગ થશે અને સલામત સ્થળે દોડી જશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ખાસ સોફ્ટવેરની કિંમત અંદાજે રૃા. ૨ કરોડ છે અને તે અમેરિકા- યુરોપમાં ઉપલબ્ધ હોવાથી તેને ખરીદવાની વાટાઘાટો ચાલે છે. સમગ્ર અર્લી વોર્નિંગ સિસ્ટમ કાર્યરત થતા એકથી દોઢ વર્ષનો સમય લાગે તેમ છે. તેમના કેન્દ્ર દ્વારા અર્લી વોર્નિંગ (વહેલી ચેતવણી)ની કામગીરી થશે અમદાવાદ શહેર અને અન્ય મહત્ત્વના સ્થળોમાં હાઇરાઇઝ બિલ્ડીંગ વગેરે સ્થળોએ ખાસ પ્રકારના એલાર્મ સિસ્ટમની કામગીરી ખાનગી એજન્સીને સોંપાશે તેમનું માનવું હતું કે હાલમાં ચક્રવાત કે વાવાઝોડું ત્રાટકવાન વહેલી જાણ અદ્યતન ટેકનોલોજી દ્વારા થાય છે તેમ ભૂકંપ આવી રહ્યો છે તેની વહેલી ચેતવણી આપવાનું પણ શક્ય બનશે અને હજારો નિર્દોષ નાગરિકોના જાનમાલ બચાવી શકાશે.

જાણીને નવાઈ લાગશે કે અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં દર મહિને ૪થી ૫ ૩ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકા આવે છે.ગાંધીનગર સ્થિત ભૂકંપ સંશોધન કેન્દ્રના ભૂકંપમાપક યંત્રો (રીચર સ્કેલ)માં વર્ષે ૪૦થી ૫૦ ભૂકંપના આંચકા નોંધાય છે એટલે પેટાળમાં હલચલ થાય છે પણ તેની તીવ્રતા ૩ની હોવાથી આપણને તેની અસર કે જાણ થતી નથી. સૌથી વધારે ભૂકંપના આંચકા કચ્છમાં આવે છે. સૌરાષ્ટ્રમાં તેનું પ્રમાણ વધુ હતું પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે એમ કેન્દ્રના ઉચ્ચ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.