શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 25 માર્ચ 2015 (11:41 IST)

આ કેવું?...વન્ય જીવોને પાણી પીવડાવવું કે અન્ય કોઇ મદદ કરશો તો વન વિભાગવાળા પકડી જશે

ઉનાળાના ધોમ તડકામાં જો તમને ઘરની આસપાસ કે બહાર પ્રવાસ દરમિયાન તરસથી તરફડતા કે સંઘર્ષ કરી રહેલા વન્ય જીવો જોવા મળે તો તમે તેને પાણી પીવડાવશો કે તેની સારવાર કરી મદદ કરવાનો પ્રયાસ કરશો તો વન વિભાગ તમારી સામે પગલા લઇ શકે છે. વન વિભાગે એવો વિચિત્ર પરિપત્ર બહાર પાડયો છે કે જો કોઇને અસહાય હાલતમાં વન્ય જીવો જોવા મળે તો તેને કંઇ પણ કરતા પહેલા વન વિભાગનો સંપર્ક કરવો પડશે.આ પરિપત્રની સામે જીવદયાપ્રેમીઓ અને સંસ્થાઓમાં ભારે નારજગી અને રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષે અસહ્ય ગરમીને કારણે રાજ્યમાં ૨૦૦થી વધુ પક્ષીઓના મોત થાય છે. વન વિભાગના બહાર પાડેલા પરિપત્રને કારણે આ વર્ષે ગરમીથી મૃત્યુ પામનારા પક્ષીનો આંક વધી જાય તેવી પૂરી સંભાવના છે.
રાજ્યના વન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર સેક્શન-૧માં સમાવેશ થતા હોય તેવા કોઇ પણ પ્રાણી-પંખીની સારવાર માત્ર વન વિભાગની ટૂકડી જ કરી શકશે. મતલબ કે, માર્ગ ઉપર જતી વખતે કોઇ ઘાયલ કે બિમાર પ્રાણી-પક્ષી જોતાં જ તેની જાણ પહેલા વન વિભાગને કરવી પડશે. વન વિભાગની ટૂકડી આવે નહીં ત્યાં સુધી આ પ્રાણી-પક્ષીની સારવાર કે પ્રાથમિક ઉપચાર તો દૂરની વાત છે તેને હાથ પણ લગાવી શકાશે નહીં. આ પરિપત્ર છેલ્લા પાંચ મહિનાથી અમલમાં છે.

આ વિષે એક એનજીઓ સાથે સંકળાયેલા કાર્યકર્તાએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે 'ઉનાળા દરમિયાન સમડી, મોર, કબૂતરના શરીરમાંથી પાણી ઘટી જવાને કારણે તેમને ડિહાઇડ્રેશનની સમસ્યા નડતી હોય છે. સમયસર સારવાર મળે નહીં તે સ્થિતિમાં આ પક્ષીઓ અવારનવાર મૃત્યુ પણ પામે છે. હકિકતમાં વન-વિભાગે વિસ્તાર અનુસાર અમુક એનજીઓેને સારવાર માટે મંજૂરી આપવી જોઇએ. વન વિભાગની ટૂકડી દરેક સ્થળે પહોંચી શકે એ જરૃરી નથી. વન વિભાગ પાસે પૂરતી ટૂકડી પણ નથી. આ ઉપરાંત સામાન્ય વ્યક્તિ પાસે વન વિભાગની હેલ્પ લાઇનનો નંબર હોય તે પણ જરૃરી નથી. પાણી પીવડાવવું એ પણ પ્રાથમિક સારવારનો ભાગ જ છે. વન વિભાગના પરિપત્રનું શબ્દશઃ પાલન કરવામાં આવે તો તરફડીયા મારી રહેલા પક્ષીને પાણી પણ પીવડાવી શકાય નહીં.'

અન્ય એક એનજીઓ સાથે સંકળાયેલા અરવિંદ પરમારે જણાવ્યું હતું કે 'તાજેતરમાં જ સવારે ૭ઃ૩૦ કલાકે અમને એક સાપ મળી આવ્યો હતો. અમે વન વિભાગને જાણ કરી તો બપોરે ૧ઃ૩૦ કલાકે તેમની ટૂકડી સારવાર માટે આવી હતી. આ દરમિયાન અમે કોઇ સારવાર આપત તો કાયદાકીય પગલા લેવાઇ શકત. '

બીજી તરફ આ વિષે વન વિભાગનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે 'ઘણી વાર કોઇ અણઘડ વ્યક્તિ પક્ષી-પ્રાણીને સારવાર આપે તો પરિસ્થિતિ સુધરવાને બદલે બગડી શકે છે જેને ધ્યાનમાં રાખીને અમે પરિપત્ર લાવ્યા છીએ. પક્ષીની સારવાર માટે ફોન આવે તો અમારી ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી જાય છે.'

કયા વન્ય જીવ-પક્ષીઓનો શેડયૂલ-૧માં સમાવેશ?

વન વિભાગના પરિપત્ર અનુસાર શેડયૂલ-૧માં આવતા વન્ય જીવ-પક્ષીઓ જીવ બચાવવા તરફડીયા મારી રહ્યું હોય છતાં તેમને પ્રાથમિક સારવાર નહીં આપી શકાય અને વન વિભાગને આ વિષે જાણ કરવી પડશે. પરિપત્ર અનુસાર શેડયૂલ-૧માં અજગર, કોબ્રા, ખડચીતરો, કુરસો, વાંદરો, ગીધ, મોર, સમડી, ઘુવડનો સમાવેશ થાય છે.

દરરોજ સરેરાશ ૫૦થી વધુ પક્ષીને ડિહાઇડ્રેશનની સમસ્યા
પક્ષી માટે કાર્યરત્ એક એનજીઓના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે 'એપ્રિલ-મે દરમિયાન ગરમીનો પારો ૪૨ ડિગ્રીને વટાવી જાય ત્યારે અમદાવાદમાંથી પક્ષીના બિમાર થવા અંગે દરરોજ ૫૦થી વધુ ફોન આવતા હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં આ પક્ષીઓને ડિહાઇડ્રેશનની સમસ્યા હોય છે. ઉનાળામાં પૂરતું પાણી નહીં મળવાથી પક્ષીઓને આ સમસ્યા નડે છે.