શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

આતંકવાદી હુમલા પાછળ 13 અને 26નો સંબંધ

દેવાંગ મેવાડા

હવે પછી હુમલો 13 જાન્યુઆરી 2009 ?
છેલ્લાં કેટલાંક સમયથી દેશમાં થઈ રહેલાં આતંકવાદી હુમલાઓ દિવસેને દિવસે ઘાતક બની રહ્યાં છે. જાણે કે આતંકવાદીઓ આખા દેશમાં વિખરાયેલા હોય અને, ગમે ત્યારે તેઓ પોતાનું ધાર્યુ નિશાન પાર પાડી શકે છે. પણ જો દરેક આતંકવાદી હુમલાની તારીખ જોવામાં આવે તો જરૂર કંઈક દાળમાં કાળુ હોવાનું માલુમ પડે છે. કારણ કે દરેક મોટા હુમલાઓ 13 અને 26 તારીખનાં રોજ થયા છે. તેને ધ્યાનમાં લેતાં કેટલાંક લોકોનું માનવું છે કે હવે પછીનો આતંકવાદી હુમલો 13 જાન્યુઆરી 2009નાં રોજ થશે.

2008 ધમાકાઓનું વર્ષ
વર્ષ 2008નું વર્ષ દેશ માટે બોમ્બ બ્લાસ્ટથી છવાયેલું રહ્યું. જયપુર, બેંગ્લોર, અમદાવાદ, દિલ્હી, મોડાસા, માલેગાંવ, ગુવાહાટી, અગરતલા અને છેલ્લે મુંબઈમાં પણ આતંકવાદી હુમલો થયો છે. મુંબઈમાં થયેલો આતંકવાદી હુમલો દેશનાં ઈતિહાસમાં થયેલો સૌથી મોટો અને ખુંખાર હુમલો હતો.

આ વર્ષમાં શરૂઆતમાં ચાર મહિના આતંકવાદી હુમલાઓ અટકી ગયા હતાં. કાશ્મીર અને નોર્થ ઈસ્ટમાં આતંકવાદી ઘટનાઓને બાદ કરતાં દેશમાં સરેરાશ શાંતિ હતી. ત્યારે 13 મે 2008નાં રોજ જયપુરમાં એક પછી એક 7 ધડાકાઓમાં 63નાં મોત થયા હતાં. ત્યારબાદ એક મહિનાની શાંતિ બાદ ફરીથી 25 જુલાઈ, 2008 : બેંગલોરમાં 7 ધડાકાઓમાં એકનું મોત, 15 ઘાયલ થયા હતાં. દેશભરમાં હાઈએલર્ટની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. તેમછતાં એક દિવસ બાદ 26 જુલાઈ 2008નાં રોજ અમદાવાદમાં 70 મિનિટની અંદર 26 ધડાકાઓમાં 56 લોકોનાં મોત અને 200 ઘાયલ થયા હતા. તો સુરતમાં 20 બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતો. જો કે ત્યાં એક પણ બોમ્બ ફુટ્યો નહતો.

આમ ઓગસ્ટ મહિનામાં ફરીથી શાંતિ છવાઈ ગઈ હતી. ત્યાં એક મહિના બાદ 13 સપ્ટેમ્બરનાં 2008નાં રોજ રાજધાની દિલ્હીનાં મહત્વપુર્ણ બજારોની અંદર ક્રમબદ્ધ ધડાકાઓની અંદર 26નાં મોત થયા હતાં. તો ગુવાહાટી અને અગરતલામાં પણ બ્લાસ્ટ થયા હતા. પણ આ બે શહેર આતંકવાદગ્રસ્ત હોવાથી તે હુમલો સ્થાનિક આતંકવાદી સંગઠને કર્યો હોવાની વાત બહાર આવી હતી. તો હવે પાછી 26 નવેમ્બરનાં રોજ મુંબઈમાં દેશમાં થયેલો સૌથી મોટો આતંકવાદી હુમલો કરીને આતંકવાદીઓએ દેશનાં નાગરિકોને ચેતવણી આપી છે કે અમે કોઈ પણ સમયે, કોઈપણ સ્થળે ત્રાટકી શકીએ છીએ.

હવે પછી હુમલો ક્યાર
પણ સવાલ એ ઉપસ્થિત થાય છે કે 13 મે, 26 જુલાઈ, 13 સપ્ટેમ્બર અને 26 નવેમ્બર બાદ શું હવે પછીનો આતંકવાદી હુમલો 13 જાન્યુઆરી 2009નાં રોજ થશે. સુરક્ષા નિષ્ણાંતો પણ આ અંગે વિચારવાનું શરૂ કર્યું છે. તો કેટલાંક લોકોને તે ફક્ત એક સંયોગ લાગી રહ્યું છે. કારણ કે આ અગાઉ દેશમાં થયેલા આતંકવાદી હુમલાઓની તારીખ અલગ અલગ હતી.

પણ 2008નાં આંકડાઓ પર નજર નાખતાં ખબર પડે છે કે 13 અને 26 તારીખનાં રોજ થયેલા આતંકવાદી હુમલાઓ પાછળ જરૂરથી કોઈ રાઝ છે.