શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 25 માર્ચ 2015 (11:22 IST)

આને દારૂબંધી કહેવાય?, ગુજરાતમાં ૨૦૬ કરોડ રૂપિયાનો દારૂ નાશ કરાયો - કૉન્ગ્રેસ

ગુજરાતમાં દારૂની રેલમછેલ હોય એમ પાંચ વર્ષમાં દેશી-વિદેશી દારૂ તેમ જ બિયરની લાખ્ખો બૉટલોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે જેની કિંમત ૨૫–૫૦ કરોડ નહીં, ૨૦૬ કરોડ રૂપિયા હોવાનો એકરાર ખુદ ગુજરાત સરકારે કર્યો હતો.

ગુજરાતમાં ૨૦૧૪ની ૩૦ નવેમ્બરની સ્થિતિએ છેલ્લાં પાંચ વર્ષમાં જિલ્લાવાર દેશી-ઇંગ્લિશ (વિદેશી) દારૂ અને બિયરની કેટલી બૉટલોનો નાશ કરવામાં આવ્યો અને એ નાશ કરવામાં આવેલા જથ્થાની કિંમત કેટલી હતી એવો પ્રશ્ન કૉન્ગ્રેસના વિધાનસભ્ય ગુજરાત વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોત્તરીમાં પૂછ્યો હતો જેનો ગુજરાત સરકારે જવાબ આપ્યો છે કે પાંચ વર્ષમાં ૨૦,૪૫,૦૦૪ લીટર દેશી દારૂ, ૧,૩૫,૬૬,૧૬૪ ઇંગ્લિશ દારૂની બૉટલો તથા ૨૧,૫૮,૧૪૭ બિયરની બૉટલોનો નાશ કરવામાં આવ્યો હતો. પાંચ વર્ષમાં પકડાયેલી દારૂ-બિયરની બૉટલોનો કુલ ૨૦૬ કરોડ રૂપિયાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

વિધાનસભ્ય કહ્યું હતું કે ‘ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં દારૂ પકડાયો અને આટલી મોટી સંખ્યામાં દારૂનો નાશ કરવામાં આવ્યો ત્યારે પ્રશ્ન એ થાય છે કે જો આટલોબધો દારૂ પકડાયો અને નાશ કરવામાં આવ્યો તો દારૂ કેટલો પીવાઈ ગયો હશે?’

દેશી દારૂ તો કદાચ ગુજરાતમાં બને છે, પરંતુ વિદેશી દારૂ અને બિયર તો ગુજરાતમાં બનતો નથી એમ જણાવી આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકાર અને પોલીસતંત્રની મહેરબાનીથી કે રહેમનજર હેઠળ અને બૂટલેગરો સાથેની તેમની મિલીભગતથી જ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ગુજરાતમાં પ્રવેશે છે.

ગુજરાતમાં સૌથી વધુ દેશી દારૂનો જથ્થો ક્યાંથી નાશ કરાયો?

સૌથી વધુ સુરતમાંથી ૩,૦૯,૩૫૨ લીટર, અમદાવાદમાંથી ૨,૧૪,૧૮૮ લીટર અને વડોદરા શહેરમાંથી ૧,૫૦,૮૧૨ લીટર દેશી દારૂનો જથ્થો નાશ કરાયો હતો.

સૌથી વધુ વિદેશી દારૂની બૉટલ ક્યાં નાશ કરાઈ?

સૌથી વધુ મહિસાગર જિલ્લામાંથી ૩૫,૫૩,૫૫૩ ઇંગ્લિશ દારૂની બૉટલ, વલસાડ જિલ્લામાંથી ૧૬,૯૬,૧૨૬ બૉટલ અને દાહોદ જિલ્લામાંથી ૮,૪૮,૯૯૩ ઇંગ્લિશ દારૂની બૉટલનો નાશ કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં સૌથી વધુ બિયરની બૉટલો ક્યાં નાશ કરવામાં આવી?

સૌથી વધુ વલસાડ જિલ્લામાંથી ૩,૬૦,૩૩૯ બિયરની બૉટલો, દાહોદ જિલ્લામાંથી ૧,૮૫,૧૩૯ અને અરવલ્લી જિલ્લામાંથી ૧,૪૫,૫૮૩ બિયરની બૉટલનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.