શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ: , સોમવાર, 27 એપ્રિલ 2015 (18:04 IST)

ઉત્તર ગુજરાત ડબ્બા ટ્રેડિંગના મુખ્ય મથકો માનવામા આવે છે

રોડો રૂપિયાના કાળા કારોબાર સમાન ડબ્બા ટ્રેડિંગનો સટ્ટો રાજ્યમાં મુખ્યત્વે કડી, વીસનગર, ઊંઝા અને મહેસાણામાં ખેલાતો હોવાથી આ ચાર શહેરો ડબ્બા ટ્રેડિંગના એપી સેન્ટર હોવાનું બહાર  આવ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા આઠેક વર્ષમાં મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગના માત્ર બે કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. મહેસાણામાં આવેલા જાણીતા શોપિંગ સેન્ટરોમાં મુંબઇ કે નેશનલ સ્ટોક એકસચેન્જમાં વણ નોંધાયેલા ૪૦થી વધુ શેરદલાલો શેરની લે વેચ કરી રહ્યા હોવાનું જાણકાર વર્તુળોએ જણાવ્યું છે.  લાઇન મેળવી ગેરકાયદે કમ્પ્યૂટર પર ભાવ લઇને રોજના કરોડોના સોદા કરનારા દલાલોના તમામ હિસાબ માત્ર કાગળ પર જ હોય છે. ડબ્બા ટ્રેડિંગમાં નફા નુકસાનનો તમામ વહેવાર ચેકના બદલે રોકડમાં જ કરાતો હોય છે.

મળતી માહિતી પ્રમાણે ડબ્બા ટ્રેડિંગમાં ઓનલાઇન લેવાતા શેરના લે વેચનો હિસાબ દરેક સપ્તાહના શુક્રવારે જ થાય છે અને શેર પેટે એડવાન્સમાં ડિપોઝિટ લેવાતી હોવાના કારણે સટોડિયાઓમાં ડબ્બો થવાનો ભય સતત રહેતો હોય છે. મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગના કાળા કારોબારનું દિવસનું ટર્નઓવર કરોડોને આંબી જાય છે. ડબ્બા ટ્રેડિંગમાં ટર્મિનલ પર જે ભાવ ચાલતા હોય તે ભાવથી ગ્રાહકોના સોદા કાગળ પર લખાય છે. ટર્મિનલ પર ભાવ જોઇને સોદા કરવામાં આવે છે. કાગળ પર થયેલા સોદાનો હિસાબ ‌શનિવારે થતો હોય છે જેમાં શેરના સોદા માટે એડવાન્સ રૂપિયા આપવાના રહેતા નથી તેમજ કોઇ સરકારી કર પણ ચૂકવવો પડતો નથી.

પોલીસથી બચવા દલાલો તમામ હિસાબો પેન ડ્રાઇવમાં રાખે છે. કમ્પ્યૂટર પર ઓનલાઇન શેરના ભાવ લેતા દલાલો કરોડોના હિસાબની તો માત્ર નાની ચબરખીમાં નોંધ રાખતા હોય છે તેથી તેઓ પોલીસની  નજરમાં આવતા નથી.