શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ઓબામાના પૂર્વ સલાહકાર સોનલ શાહ પોતાના વતનની મુલાકાતે

: અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના પૂર્વ સલાહકાર સોનલ શાહે તેમના સાબરકાંઠામાં આવેલા માદરે વતન ગાબટ ગામની ગલીઓમાં ફરીને તેમના બાળપણના સંસ્મરણો તાજાં કર્યા હતા. વતનની માટીને મહેંકથી હું રોમાંચિત થઇ છે, કોઇ પણ વ્યક્તિ તેના વતનમાં જઇને કેટલો ખુશ થાય છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેવું નથી એવું સોનલ શાહે જણાવ્યું હતું.

ઓબામાના પૂર્વ કેબિનેટ સલાહકાર સોનલ શાહે ગામના લોકો સાથે સરળ ગુજરાતીમાં વાત કરી હતી. તેમણે ગામ લોકોને એવી શીખ પણ આપી હતી કે, દીકરીને ભણાવશો તો આપોઆપ ગરીબીમાંથી મુક્તિ મળશે.

મારા મા-બાપે મને ભણાવી ન હોત તો આજે મને કોઇ ઓળખતું પણ ન હોત. મોટાઇ અને આડબંરમાંથી આપણે સૌએ બહાર આવીને નાના માણસને મોટો કરીને સાથે કામ કરીશું તો માત્ર ગુજરાત જ નહીં સમગ્ર વિશ્ર્વમાંથી ગરીબી હટાવી શકીશું.

સોનલ શાહે તેમના મમ્મી-પપ્પા સાથે ગાબટ ગામના બાલમંદિર, પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલની મૂલાકાત લઇને બાળ સંસ્મરણો તાજાં કર્યાં હતા. ગત 23 મી એપ્રિલે માદરે વતન આવેલા સોનલ શાહનું ગામલોકો અને કાકા મકુંદભાઇ શાહે ભાવભીનું સામૈયું અને સન્માન પણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઓબામા સહિત અગાઉના અમેરિકી પ્રમુખના શાસનમાં અનેક ગુજરાતીઓનું યોગદાન રહ્યું છે