શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 15 ઑક્ટોબર 2014 (14:41 IST)

કૌભાંડ રૂ. ૩૦૦ કરોડનું અને દંડમાત્ર ૪૮૦૦૦ ?

અમદાવાદ મહાનગરપાલિકા નગરજનો પર જાતજાતના કર વધારી નાણાકીય આવક મેળવવાની પેરવી કરે છે. પણ મનપાના જ અધિકારી દ્વારા રૂ. ૩૦૦ કરોડના કૌભાંડ સામે માત્ર રૂ. ૪૮,૦૦૦નો દંડ વસૂલવાની તજવીજ હાથ ધરાઈ છે.

અમદાવાદ મનપામાં કોંગ્રેસ પક્ષે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુ. કોર્પો.ના ઓક્ટ્રોય અને વહીવટી વિભાગમાં અગાઉ ડેપ્યુ. મ્યુ. કમિશનર તરીકે ફરજ બજાવતા ટી.જી. ઝાલાવાડિયા પર મનપાના ઓક્ટ્રોય વિભાગ દ્વારા ઓક્ટ્રોય વિભાગ દ્વારા ઓક્ટ્રોય આઈટમોમાં ૧૯૯૯થી ૨૦૦૫ સુધી મિક્ષ ઇલેક્ટ્રોનિક ગુડ્ઝના નામે કોડિંગ સિસ્ટમનો દુરપયોગ કરીને કોસ્મેટિક, કેમેરા, મોબાઈલ વગેરે આઈટમોમાં કિલોદીઠ રૂ. ૩૦૦થી ૫૦૦ના વહન પર ઓક્ટ્રોય વસૂલતા મનપાની આવકમાં ૮૦ ટકા જેટલું નુકસાન થયું હતું. આ રકમ રૂ. ૩૦૦ કરોડ જેટલી હતી. આ અંગે ૨૦૦૩માં એ વખતના વેચાણવેરા કમિશનર ડી. કે. સિક્રી એ મનપાને પત્ર લખી ઓક્ટ્રોય ખાતાએ કેટલાક વેપારીઓને કોડ આપેલ છે તેના કારણે આ વેપારીઓ પોતાનું નામ જણાવ્યા વગર ઓક્ટ્રોય ભરે છે જેને કારણે વેચાણવેરા ખાતાને ખૂબ મોટી આવક ખોવી પડતી હોવાથી આ પ્રથા બંધ કરવી તેવું સુચન કર્યું હતું. તેમ છતાં કોડ સિસ્ટમ ચાલુ રખાતા મનપાને કરોડો રૂ. નું નાણાકીય નુકસાન થયું હતું. આ બાબતની તપાસમાં દસથી વધુ વર્ષો નીકળી ગયા જે અધિકારી કથિત રીતે દોષિત હતા એ રીટાયર્ડ પણ થઈ જાય એટલી લાંબી તપાસ ચાલી અને તમામ કવાયતે બાદ અધિકારીને મળતા પેન્સમાંથી દર મહિને માત્ર રૂ. ૨૦૦૦ જેટલો દંડ કાપવામાં આવશે એ પણ બે વર્ષ સુધી જ એટલે કે રૂ. ૩૦૦ કરોડ સામે માત્ર રૂ. ૪૮૦૦૦ જેટલો સામાન્ય દંડ વસૂલવામાં આવશે.

આ અંગે વિરોધ પક્ષના નેતાએ પ્રશ્ર્નો ઉછાળ્યા હતા કે કૌભાંડ રૂ. ૩૦૦ કરોડનું અને દંડમાત્ર ૪૮૦૦૦ ? આ તો દંડ છે કે મજાક ? જ્યારે ગુનો પુરવાર થયો છે તો આવી નજીવી સજા શું કામ ?