શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 1 સપ્ટેમ્બર 2014 (14:52 IST)

ખરુ કે'વાય!, સરહદી જિલ્લો કચ્છમાં બીએસએફ પાસે પેટ્રોલીંગ માટે પોતાની બોટ જ નથી

તા. ૩૧ એક તરફ ૧પ પાકિસ્તાની આતંકી ઘૂસ્યાના અહેવાલો વચ્ચે સમગ્ર કચ્છ જિલ્લામાં રેડએલર્ટ જાહેર થયું છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ ટાંચા સાધનો વડે કામગીરી બજાવી રહ્યા છે. માંડવી બંદરની દરિયાઈ સુરક્ષા માટે પોલીસતંત્ર દ્વારા મરીન પોલીસ મથક તો બનાવી દેવાયું પરંતુ તેમની હાલત કારતુસ વગરની રાયફલ જેવી છે. કેમ કે કોસ્ટલ પેટ્રોલીંગ કરવા માટે તેમની પાસે બોટ જ ઉપલબ્ધ નથી. તો બંદર નજીકના સલાયા ગામે બીએસએફનો કેમ્પ તૈનાત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આજ સુધી તેમને પણ પેટ્રોલીંગ કરવું હોય તો માછીમારોની બોટ ઉછીની લેવી પડે અથવા તો જખૌથી બોટ આવે તેમાં પેટ્રોલિંગ કરવું પડે છે. માંડવી બંદરની દરિયાઈ સુરક્ષા માટે મરીન પોલીસ મથકની સ્થાપના ઉપરાંત બી.એસ.એફ.ના જવાનોની ફાળવણી પણ કરવામાં આવી છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, પેટ્રોલિંગ કરવામાં માટે આજ સુધી બોટની વ્યવસ્થા કરવામાં આવી નથી, પરિણામે ૬૦ કિ.મીની દરિયાઈ પટ્ટી રેઢા પડ જેવી છે. સરહદી જિલ્લો કચ્છ જયાં જમીની, સરહદ તથા દરિયાઈ વિસ્તાર પાકિસ્તાનની અડોઅડ કહી શકાય તેવી રીતે છે. અત્યારે માંડવીમાં મરીન પોલીસ મથક કાર્યરત છે. પરંતુ મરીન સિકયુરીટી માટે કરવું જોઈતું કોસ્ટલ પેટ્રોલીંગ તેઓ કરી શકતા નથી. તેમને કાંતો મુન્દ્રા પર આધાર રાખવો પડે છે અથવા તો ફિશરીઝ બોર્ડના અધિકારીઓનો સંપર્ક કરી માછીમારોની બોટ લેવી પડે છે. જે ઘણું જ અઘરૃ પડે છે, પોલીસ સ્ટેશનથી સ્થાપનાથી લઈ આજદીન સુધી બોટ ઉપલબ્ધ જ નથી એટલે કાંઠે કાંઠે જીપ જેવા વાહનમાં પેટ્રોલીંગ કરી ફરજ પુરી કરવી પડે છે. કચ્છમાં દરિયાઈ માર્ગે આરડીએકસ અને એકે ૪૬ રાઈફલો, ડીટોનેટર, ટાઈમર વગેરે ઘાતક શસ્ત્રો લેન્ડીંગ થયાની ઘટના સામે આવતા દરિયાઈ સુરક્ષા વધારી દેવા માટે બી.એસ.એફની ચોકીઓ તૈનાત કરવામાં આવી છે જેના અનુસંધાને માંડવી બંદર નજીકના સલાયા પાસે તેમનો કેમ્પ શરૃ કર્યાને ખાસ્સો સમય થઈ ગયો છે તેમની હાલત પણ સારી નથી. કોઈ ઈમરજન્સી આવે તો જખૌ જાણ કરવી પડે છે. તે દરમ્યાન જો નસીબ હોય અને મછવારાની બોટ મળી જાય તો દરિયાઈની અંદર જઈ શકે છે. બી.એસ.એફ માટે પણ ત્રણ બોટ મંજુર કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ઉપલબ્ધ થઈ નથી. માંડવીના ૬૦ કિમી દરિયા કિનારો ધરાવે છે. વહાણવટા ઉદ્યોગ તરીકે પણ પ્રખ્યાત છે. વિદેશની વાહણોની અવરજવર પણ કાર્યરત છે. આવામાં દરિયા સુરક્ષા કરતા જવાનો પાસે સાધનો ન હોય તો પછી દરિયાઈ સુરક્ષા કેવી રીતે રાખતા હશે એ પણ દરેકને સમજાય તેવી વાત છે. માંડવી મરીન પોલીસ મથકના પીએસઆઈ જે.એમ. જાડેજાને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, અત્યારે કોઈ પેટ્રોલિંગ માટેના સાધનો નથી, જરૃર પડે તો મછવારાની બોટનો ઉપયોગ કરવો પડે છે તેમજ અહીંની ભૌગોલિક પરિસ્થિતિ પણ એવી છે કે બંદર પર રેતી ભરાયેલી રહે છે. તાજેતરમાં જ ઉચ્ચ અધિકારીઓ સ્થળનું નિરીક્ષણ પણ કરી ગયા છે. હાલ તો દરિયાના કાંઠે કાંઠે જીપ દ્વારા પેટ્રોલિંગ થઈ રહ્યું છે.