શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 4 મે 2015 (18:01 IST)

ગીરનાં સિંહોનો રહેઠાણ વિસ્તાર 12 હજાર સ્કે.કિ.મી. વધ્યો

અત્યાર સુધી સિંહો માટે ગીર સાસણ એ એક માત્ર રહેઠાણ ગણાતું હતું . છેલ્લી વસ્તી ગણતરી મુજબ સિંહોનો વિસ્તાર માત્ર ૧૦ હજાર સ્કે. કિ.મી. સુધી સિમિત હતો તે હવે વધીને ૨૨ હજાર સ્કે.કિ.મી.થયો છે. જાણકારોના મતે , છેલ્લા પાંચેક વર્ષમાં સિંહોનો વિસ્તાર ૧૨ હજાર સ્કે.કિ.મી. વધ્યો છે. ખોરાક મેળવવા સિંહો શેત્રુંજય નદીના કિનારે થઇને શહેરી વિસ્તારો તરફ વળ્યાં છે. જોકે , સિંહોનો વિસ્તાર વધતાં રિસર્ચરોને સંશોધન માટેનો એક નવો વિષય મળ્યો છે.

સૂત્રોના મતે, વર્ષ ૨૦૧૦માં જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સુધી સિંહોનો વિસ્તાર સિમિત હતો તે હવે વધીને આઠ જિલ્લા સુધી પહોંચ્યો છે જેમાં ગીર સોમનાથ , મોરબી , બોટાદ , રાજકોટનો સમાવેશ થાય છે. સિંહો શેત્રુંજય નદીના કાંઠે કાંઠે થઇને આગળ વધ્યાં છે. આ ઉપરાંત સિંહ તેના વિસ્તાર પર અધિપત્ય જમાવે છે. સિંહોની સંખ્યા વધી છે એટલે જ વિસ્તાર પણ વધ્યો છે. હાલમાં લિલિયા,અમરેલી અને રાજુલામાં સિંહોની સારી એવી સંખ્યા હોવાનો અંદાજ છે

ખોરાક મેળવવા માટે સિંહો ધીરે ધીરે આગળ વધી રહ્યાં છે એટલે જ આજે આઠ જિલ્લામાં સિંહો જોવા મળી રહ્યાં છે. પાંચ વર્ષમાં સિંહોની રહેણીકરણીમાં ઘણો જ તફાવત જોવા મળી રહ્યો છે પરિણામે રિસર્ચરો પણ સિંહો પરના બદલાવ પર અભ્યાસ કરવા તલપાપડ બન્યાં છે. દિલ્હી અને દહેરાદુન સ્થિત વાઇલ્ડલાઇફ સંસ્થાના નિષ્ણાતો આ કારણોસર સિંહોની ગણતરીમાં જોડાયાં છે. તેઓ એ જોવા આતુર છેકે , સિંહો કેમ શહેરી વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યાં છે. જંગલ તરફથી તેઓ કેમ આગળ વધી રહ્યાં છે. આ તમામ બાબતો પર સંશોધન થયા બાદ સાચા કારણો જાણવા મળશે.