શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 4 મે 2015 (18:21 IST)

ગુજરાતમાં 1133 લોકો સામે એક ડોક્ટર, ૨૧૩૪ લોકો માટે એક નર્સ

દેશભરમાં આર્થિક રીતે સદ્ધર મનાતા ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે હજુ ઘણું કરવાનું બાકી છે. ગુજરાત આરોગ્ય ક્ષેત્ર પાછળ વર્ષે ૫૬૦૦ કરોડ રૂપિયા ખર્ચે છે. છતાં સરકારી દવાખાના-હોસ્પિટલોમાં ખાલી સ્ટાફના કારણે આરોગ્ય સેવા અનેક લોકો સુધી પહોંચી શકતી નથી. શહેરોમાં તો મ્યુનિ. સંચાલિત દવાખાના, હોસ્પિટલો ઉપલબ્ધ છે. જેમાં સારી સારવાર છતાં ત્યાં માળખાકીય સુવિધાના અભાવને કારણે મોટા શહેરોમાં ખાનગી સારવાર લેવાનું વધુ પસંદ કરે છે.

જ્યારે ગ્રામીણ ક્ષેત્રે તો ગરીબ અને સામાન્ય વર્ગના લોકોના આરોગ્યની જાળવણી માટે પેટા કેન્દ્રો, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો જ મુખ્ય આધાર હોય છે પરંતુ ગુજરાતમાં પ્રાથમિક-સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રોમાં ડોક્ટર્સ સહિતના પેરા-મેડિકલ સ્ટાફની સંખ્યાબંધ જગ્યાઓ ખાલી છે. સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સ તો મળતા જ નથી. એવું નથી કે આ જગ્યાઓ ભરવા માટે સરકાર પ્રયત્ન કરતી નથી પણ વાસ્તવમાં સરકારી ખર્ચે ડોક્ટર થાય બાદ તેઓ ગ્રામીણ કેન્દ્રોમાં સેવા આપવા તૈયાર થતા નથી. જોકે, કેન્દ્ર સરકારના માર્ચ,૨૦૧૪ની સ્થિતિએ જાહેર થયેલા તાજા આંકડા મુજબ આરોગ્ય ક્ષેત્રે માત્ર ગુજરાતની જ નહીં પણ આખા દેશની હાલત સારી નથી.

ભારતમાં આરોગ્ય ક્ષેત્રે તમામ રાજ્યોની સરકારો દ્વારા વર્ષે કુલ ૧,૧૧,૫૫૨ કરોડનો ખર્ચ કરાય છે. ગુજરાતમાં વર્ષે રૂપિયા ૫૬૧૧ કરોડનો ખર્ચ કરાય છે.આ ૨૦૧૫-૧૬ના વર્ષમાં ગુજરાતમાં ૬૧૫૩ કરોડનો ખર્ચ કરાશે.જે સરકારના કુલ બજેટના ૪.૪૩ ટકા જેટલી છે. આમ છતાં રાજ્યના પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટર્સની ૬૧૫, હેલ્થ વર્કરની ૩૩૬, સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સની ૧૧૨૬, રેડિયોલોજિસ્ટની ૧૨૫, ફાર્માસિસ્ટની ૫૭૬, લેબોરેટરી ટેક્‌નિશિયનની ૧૫૫ અને નર્સોની ૧૩૫૩ જેટલી જગ્યાઓ ખાલી છે. ગુજરાતમાં સરકારી ૧૯ મેડિકલ કોલેજોમાં ૨૯૩૦ જેટલી જ બેઠકો છે.

એમાંથી ફાઈનલ વર્ષે માત્ર ૧૧૩૫ જેટલા ઉમેદવારો જ ડોક્ટર્સ થઈ શકે છે. ગુજરાતમાં ૮૧૨૧ પેટા કેન્દ્રો મંજૂર થયેલા છે. તેની સામે ૭૨૭૪ કાર્યરત છે. એવી જ રીતે ૧૩૦૩ જેટલા મંજૂર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સામે ૧૧૫૮ અને મંજૂર થયેલા ૩૫૮ સામુહિક આરોગ્ય કેન્દ્રોની સામે ૩૦૦ જેટલા જ કાર્યરત્‌ છે.

ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યની જાળવણી માટેના આ મુખ્ય કેન્દ્રોમાં આરોગ્ય વિષયક તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય અને ડોક્ટર્સ સહિતના પેરા-મેડિકલ સ્ટાફની ઉપલબ્ધિ થાય તે માટે રાજ્ય સરકારે દર વર્ષે કરોડો-અબજો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ આરોગ્ય ક્ષેત્રે ગુજરાતમાં સ્થિતિ સારી થઈ નથી, ગુજરાતમાં સરકારી ચોપડે કુલ ૫૩,૬૬૧ જેટલા ડોક્ટર્સ નોંધાયેલા છે અર્થાત રાજ્યમાં આશરે ૧૧૩૩ જેટલા લોકોની સારવાર માટે માત્ર એક જ ડોક્ટર ઉપલબ્ધ છે. એવી જ રીતે રાજ્યમાં એક ડેન્ટીસ્ટ દ્વારા ૧૦,૦૭૦ જણાની સારવાર અને ૨૧૩૪ લોકોની સેવા માટે માત્ર એક નર્સ ઉપલબ્ધ છે.