શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 25 મે 2015 (17:11 IST)

ગુજરાતમાં વધુ સાત શહેરોનો ટ્વિન સિટી તરીકે વિકાસ કરાશે

રાજ્યમાં શહેરો અને નગરોના થઇ રહેલા વિસ્તાર અને વિકાસને ધ્યાનમાં રાખી સરકારે આગામી સમયમાં નજીક નજીક વસેલા શહેરોનો ટ્વિન સિટી (જોડિયા શહેરો) તરીકે વિક્સાવવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. આ માટે અમદાવાદ અને ગાંધીનગરને ટ્વિન સિટી તરીકે વિકસાવવા માટેનું મોડેલ તૈયાર કર્યું છે જ્યારે બીજા સાત શહેરોને પણ ટ્વિન સિટી તરીકે વિકસિત કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ પ્રકારના જોડિયો શહેરોની વ્યાપક અને વિસ્તૃત યોજનાઓ અમેરિકા જેવા વિક્સિત રાષ્ટ્રોમાં ખૂબ સફળ નીવડી છે.
 
આણંદ - કરમસદ - વિદ્યાનગર, મોરબી- વાંકાનેર, ભરૂચ- અંકલેશ્ર્વર, સુરેન્દ્રનગર- વઢવાણ, અલંગ- સોસિયો, ઉદયવાડા અને તેની આજુબાજના ગામડા તેમજ હિંમતનગર પાસેના વિસ્તારને જોડિયા શહેર તરીકે વિકસાવવાની વિચારણા થઈ છે.
 
આણંદ - કમરસદ- વિદ્યાનગર ટ્વિન સિટી માટેની પ્રક્રિયા માટે સત્તામંડળની રચના કરવામાં આવી છે. આ માટેની યોજનાઓ અને નકશાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં વિદ્યાનગર અને મોગરી સહિતના આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. આવતા વર્ષે ડેવલોપમેન્ટનો પ્લાન તૈયાર કરવામાં આવશે. જેનાથી આડેધડ થતા વિકાસ અને બાંધકામ કે અન્ય નિર્માણ પર રોક લાગશે અને યોજનાબદ્ધ રીતે આ વિસ્તારનો વિકાસ કરી શકાશે.
 
ઉદ્યોગ, રહેણાંક અને કોમર્શિયલ સ્થળો માટે જુદાજુદા સ્થળો ફાળવવામાં આવશે. સાથે-સાથે પ્રાથમિક સુવિધા જેવી કે ગટર પાણી રસ્તાઓનું પણ વ્યવસ્થિત આયોજન કરવામાં આવશે. ટ્વિન સિટી યોજનાના સંકલનનું કામ મુખ્ય નગર નિયોજક કાર્યાલય કરશે. આ પ્રકારની યોજના કાર્યાન્વિત થવાથી બંને શહેરોનો ઝડપી 
 
અને આયોજનબદ્ધ વિકાસ થશે. સાથે સાથે આજુબાજુના ગામોમાં રહેતા લોકોને પણ શહેરો જેવી સુવિધા પ્રાપ્ત થશે.