શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 21 માર્ચ 2015 (12:44 IST)

ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ

આદ્ય શક્તિ માં અંબાની આરાધનાના વિશેષ પર્વ સમાન ચૈત્રી નવરાત્રીનો શનિવારથી પ્રારંભ થશે. નવરાત્રીના પ્રારંભ સાથે ચેટી ચાંદ, ગુડી પડવાની પણ ઉજવણી કરવામાં આવશે. આ વખતે ત્રીજનો ક્ષય હોવાથી બીજ અને ત્રીજ ભેગી ગણવામાં આવશે અને જેના કારણે ચૈત્રી નવરાત્રીમાં એક નોરતું ઓછું રહેશે. ચૈત્રી નવરાત્રી દરમિયાન ઘટસ્થાપન માટે સવારે ૮ઃ૧૫થી ૯ઃ૪૬, બપોરે ૧૨ઃ૪૭થી ૧ઃ૧૧ અને સાંજે ૬ઃ૫૦થી રાત્રે ૮ઃ૧૯ દરમિયાન શુભ મુહૂર્ત છે.  ચૈત્રી નવરાત્રી દરમિયાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પૂજનના વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. ચૈત્ર સુદ એકમ શનિવારે સવારે  અંબાજી ખાતે  ૯ઃ૦૦થી ૧૦ઃ૦૦ કલાકે ઘટ સ્થાપન કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી ખાતે સવારે ૭ઃ૩૦થી ૮ઃ૦૦ અને સાંજે ૭ઃ૦૦થી ૭ઃ૩૦ દરમિયાન આરતીનો સમય રહેશે. અંબાજી ઉપરાંત પાવાગઢ, બહુચરાજી, અમદાવાદમાં ભદ્રકાળી, કચ્છમાં આવેલા માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન વિશેષ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે અને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. શાક્ત સંપ્રદાય માટે સાધના-મંત્ર ઉપાસના માટે આ સમયને તેજોમય માનવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન આવતા રવિ યોગ, રાજયોગ, કુમાર યોગ જેવા શુભ યોગો આ સમય દરમિયાન ઊર્જા અને કાર્ય સિદ્ધિ માટે મહત્વના છે. દુર્ગા પૂજા માટે સાતમ, લક્ષ્મીની પ્રાપ્તિ માટે પાંચમને શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્વાસ્થ્ય શુદ્ધિ, લક્ષ્મીમાં વૃદ્ધિ, વ્યવસાયના વિકાસ માટે મંગળવારે આવતો લક્ષ્મી પાંચમનો દિવસ મહત્વનો છે. સામાન્ય રીતે નવરાત્રીમાં એક નોરતું ઓછું હોય તો તેને અશુભ માનવામાં આવે છે. પરંતુ આ વખતે નવરાત્રીના આઠ દિવસોમાં ૬ દિવસનો શુભ સંયોગ થવાનો છે.