શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 22 સપ્ટેમ્બર 2014 (17:05 IST)

જામનગર-કચ્છ વચ્ચે ડિસેમ્બરથી ફેરી સર્વિસ શરૂ થશે

દ્વારકા-ઓખાથી જમીન માર્ગે કચ્છ જવા માટે ૧૦ કલાકની મુસાફરી કરવી પડે છે પણ દરિયાઈ માર્ગે કચ્છ અને ઓખા વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોવાથી હવે ફેરી સર્વિસ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. જો કચ્છ અને ઓખા વચ્ચે દરિયાઈ માર્ગે ફેરી સર્વિસ શરૂ કરવામાં આવે તો એકથી દોઢ કલાકમાં જ એકથી બીજા સ્થળે પહોંચી શકાય તેમ છે. એક ખાનગી કંપની અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના સહયોગથી ફેરી સર્વિસ આગામી મહિનામાં જ શરૂ કરી દેવામાં આવશે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨૦૦ કિ.મી.ના દરિયા કિનારાને ટુરિઝમ અને ઔદ્યોગિક દૃષ્ટિએ વિકસાવવા મહત્ત્વાકાંક્ષી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે ઓખાથી કચ્છના માંડવી અને જામનગરથી મુંદ્રા બંદર વચ્ચે આગામી ડિસેમ્બર મહિનાથી ફેરી સર્વિસ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. આ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો એ થશે કે ઓખાથી કોઈ વ્યક્તિને કચ્છમાં જવું હશે તો રોડ રસ્તે ૧૦ કલાકની મુસાફરી કરવી પડે તેના બદલે ઓખાથી કચ્છના માંડવી ખાતે ફેરી બોટ માત્ર સવા કલાકમાં પહોંચાડી દેશે. આથી સમય અને નાણાનો બચાવ થશે. ઉપરાંત પ્રવાસન અને વેપાર ઉદ્યોગને કરોડો રૂપિયાનો ફાયદો થશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી ડિસેમ્બરથી ઓખા-માંડવી વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટને કચ્છ સાગર સેતુ નામ આપવામાં આવ્યું છે. સરકારી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એક ખાનગી કંપની દ્વારા હાઈસ્પીડ બોટ ખરીદવાની પ્રક્રિયા પણ આરંભી દેવામાં આવી છે. ઓખા-માંડવી વચ્ચે દોઢસો મુસાફરોની કેપેસીટીવાળી વાતાનુકૂલિત હાઈસ્પીડ બોટ દોડશે, જે સવારથી સાંજ સુધીમાં બંને બાજુ ત્રણ-ત્રણ ટ્રીપ કરશે. ઓખાથી દરિયાઈ માર્ગે કચ્છના માંડવી ખાતે એકથી દોઢ કલાકમાં પહોંચી શકાશે. જ્યારે માંડવીથી ભુજ જમીન રસ્તે એક કલાકમાં પહોંચી શકાય છે. આમ ઓખાથી ભૂજ પહોંચવામાં માત્ર બેથી અઢી કલાકનો સમય લાગશે. આ ઉપરાંત જામનગર-મુન્દ્રા વચ્ચે પણ ફેરી સર્વિસ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. દરિયાઈ માર્ગે જામનગરથી મુન્દ્રા પહોંચવામાં સવા કલાકનો સમય લાગશે. આ બંને ફેરી સર્વિસથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. હાલમાં ફેરી સર્વિસનું ભાડું મુસાફરદીઠ રૂ. ૭૦૦ નક્કી કરવામાં આવ્યું છે.