શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 22 સપ્ટેમ્બર 2014 (16:53 IST)

જાહેર નવરાત્રિ મહોત્સવમાં પ્રવેશ મેળવવા આઇડી પ્રુફ સાથે રાખવું પડશે

ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવમાં ગણતરીના દિવસો બાકી હોવાથી રાસગરબા રમવા થનગનતા યુવાનો નવરાત્રિની તૈયારીમાં લાગી ગયા છે. બીજી તરફ નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વર્ષે ગરબાના આયોજકોને ગરબાના પ્રવેશ પાસ અનુક્રમ મુજબ નામ અને સરનામા ધરાવતા હોય તેવા લોકોને પાસનું વિતરણ કરીને તેનો રેકોર્ડ રાખવા પોલીસતંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

પોલીસતંત્ર દ્વારા નવરાત્રિમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખેલૈયા અને ગરબા આયોજકોને સતર્ક રહેવા આદેશ કરવામાં આવ્યા છે.

ગરબા સ્થળો પર આયોજકોને પ્રવેશદ્વાર પર ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર તથા સિક્યોરિટી સ્ટાફ રાખવા તથા શંકાસ્પદ વ્યક્તિની શારીરિક ચકાસણી કરવાની રહેશે. આકસ્મિક શોર્ટ સર્કિટનો બનાવ બને તો તે સંબંધે અગ્નિશામક સાધનો રાખવાના રહેશે.

આ ઉપરાંત મોટા સ્ટેજની નીચે શંકાસ્પદ વસ્તુઓ અંગે અવારનવાર ચેકીંગ કરવાનું રહેશે. ગરબા સ્થળો પર ફોટો ઓળખકાર્ડ ધરાવતી વ્યક્તિને સ્ટાફમાં રાખવાનો રહેશે. એટલું જ નહીં ગરબાના સ્થળની અંદર કોઈપણ વસ્તુ લઈ જવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત સામાન્ય નાગરિકો અને રોડ ટ્રાન્સપોર્ટના કંડક્ટર અને ડ્રાઈવરને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા નવરાત્રિ મહોત્સવને લઈને જાહેર કરાયેલા જાહેરનામા અનુસાર ગરબાના પ્રવેશ પાસ અનુક્રમ મુજબ નામ, સરનામા ધરાવતા હોય તે પ્રમાણે વિતરણ કરીને આયોજકોને તેનું યોગ્ય રેકર્ડ રાખવાનું રહેશે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ સાથેના ગુનાઓમાં વધારો થયો છે. આ ઉપરાંત નવરાત્રિમાં ગરબા સ્થળો ઉપર યુવતીઓની છેડતીના બનાવો બને છે. જેથી આવા બનાવો અટકાવવા માટે એન્ડી રોમિયો સ્કવોડની મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે. તેમ છતાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ગરબા આયોજકોને મહિલા સુરક્ષા કર્મચારીને તૈનાત રાખવા આદેશ કરાયો છે.
-