શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 17 જુલાઈ 2014 (14:53 IST)

જીએસપીસીનો રુ. 300 કરોડનો 'પરચૂરણ ખર્ચ', કોંગ્રેસને ગોટાળાની ગંધ

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ બુધવારે ગૃહમાં ગુજરાત સરકારની વિવાદાસ્પદ કંપની-ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ-જીએસપીસીને ટારગેટ બનાવી તેમાં ભારે નાણાકીય ગેરશિસ્ત અને કૌભાંડો ચાલતા હોવાના ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, જીએસપીસીના વાર્ષિક રિપોર્ટમાં માત્ર છેલ્લા બે વર્ષમાં ૨૦૧૧-૧૨માં અને ૨૦૧૨-૧૩માં કુલ રૃા. ૩૦૦ કરોડનો જંગી ખર્ચ પરચુરણ ખર્ચ તરીકે દર્શાવાયો છે, આ નાણા આ સરકારે ચૂંટણી ખર્ચ કર્યા હોઈ મોટા કૌભાંડની બૂ આવે છે, માટે આ કૌભાંડની તપાસ ધારાસભ્યોની સમિતિ રચીને થવી જોઈએ, જીએસપીસી એ કોઈ વ્યક્તિની માલિકીની પેઢી નથી કે એમાં આવા જાલિમ ખર્ચા પડે, આ તો બહુ મોટું કૌભાંડ છે, એમ શંકરસિંહે રોષપૂર્વક જણાવ્યું હતું.

ઊર્જા-પેટ્રોકેમિકલ્સ વિભાગની બજેટની માગણીઓ ઉપરની ચર્ચા વખતે શંકરસિંહે જણાવ્યું હતું કે જીએસપીસીના વાર્ષિક હિસાબોના અહેવાલમાં પરચુરણ ખર્ચા ડોલરમાં જણાવાયા છે, અગાઉના વર્ષોમાં આ ખર્ચો ૧ કે ૨ કરોડ રૃપિયા રહેતો હતો, અચાનક આ પરચુરણ ખર્ચ ૨૦૧૧-૧૨માં રૃ. ૨૧૪.૯૭ કરોડ અને ૨૦૧૨-૧૩માં રૃ. ૮૦.૬૧ કરોડ બતાવવામાં આવ્યો છે. બે વર્ષમાં પરચુરણ ખર્ચ અચાનક રૃા. ૩૦૦ કરોડ કેવી રીતે થઈ ગયો ? આ પૈસા ક્યાં વાપર્યા ? આ વર્ષો ચૂંટણીના હતા એટલે આ સરકારે જે રીતે ચૂંટણીમાં ખર્ચા કર્યા છે તે જોતાં આ બધા નાણા ચૂંટણીમાં જ ખર્ચાયાની અને કૌભાંડની બૂ આવે છે, માટે તેની તપાસ થવી જ જોઈએ.

શંકરસિંહે એમ જણાવ્યું હતું કે, આ સરકારે ૨૦૧૪-૧૫માં જીએસપીસીને તેના મુન્દ્રા ખાતેના એલએનજી ટર્મિનલ પ્રોજેક્ટ માટે શેરમૂડી પેટે રૃા. ૧૦૦ કરોડ આપવાની દરખાસ્ત કરી છે, એક બાજુ સરકાર ગૃહમાં અવારનવાર કહેતી રહી છે કે, જીએસપીસીના પાર્ટનરશિપ પ્રોજેક્ટો સાથે આ સરકારને કોઈ લેવાદેવા નથી, ત્યારે એવું તે શું થયું કે જીએસપીસીમાં હસ્તક્ષેપ કરીને સરકારને રૃા. ૧૦૦ કરોડ આપવાની ફરજ પડી છે ? આમાં પણ મોટા કૌભાંડની બૂ આવે છે.
શંકરસિંહે સરકારને આડે હાથે લેતાં કહ્યું કે, ૨૦૦૩-૦૪ના અરસામાં આ સરકારે ૨૦ ટ્રિલિયન ગેસ જીએસપીસીના કે.જી. બેઝિન બ્લોકમાંથી મળ્યો હોવાના તમાશા કર્યા હતા, આજે આ વિશે પણ સરકાર કેમ કશું બોલતી નથી ? ટેકનિકલ જાણકારી વગરના અને એક રૃપિયાની મૂડી વગરના લેભાગુ પ્રમોટરની જીઓ ગ્લોબલ રિસોર્સીસ કંપનીને કઈ રીતે કોણે જીએસપીસીના કે.જી. બેઝિન પ્રોજેક્ટમાં ૧૦ ટકા ભાગીદાર બનાવી ? જીઓ ગ્લોબલ પાસેથી રૃા. ૧૩૫૦ કરોડ લેવાના હતા એ ગયા ક્યાં ? આ બધો મોટો ભ્રષ્ટાચાર છે. શંકરસિંહે એમ પણ કહ્યું કે, કે.જી. બેઝિનમાં રિલાયન્સે કરેલા દબાણ અંગે 'કેગ'દ્વારા તેના રિપોર્ટમાં પ્રશ્નો ઉઠાવાયા છે ત્યારે આ બાબત અંગે કોઈ નિર્ણય શા માટે થતો નથી તે શંકા ઉપજાવે છે.

વિપક્ષી નેતા શંકરસિંહે જીએસપીસીના રૃ. ૩૦૦ કરોડના જંગી ખર્ચા ભાજપનું ચૂંટણી કૌભાંડ ગણાવી તેની તપાસ માગી છે, તે બાબતમાં ઊર્જા-પેટ્રોકેમિકલ્સ પ્રધાન સૌરભ પટેલે એવો લેખિત ખુલાસો કર્યો છે કે, વિપક્ષી નેતાએ જીએસપીસીની બેલેન્સ શીટનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો નથી, વાસ્તવમાં આ નાણા, જીએસપીસીએ લોનની પરત ચૂકવણી કરી છે, તે અંગેના છે અને એ લોનનું રિપેમેન્ટ રિઝર્વ બેન્કની માર્ગદર્શિકા પ્રમાણે કરવામાં આવ્યું છે.
નોંધ ઃ અત્રે ઉલ્લેખનીય છે કે એકાઉન્ટ ઓડિટિંગના સિદ્ધાંતો પ્રમાણે સામાન્ય રીતે લોનની ચૂકવણી સરવૈયામાં નફા-નુકસાનમાં ખર્ચા તરીકે બતાવવાની હોતી નથી.