શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 2 સપ્ટેમ્બર 2014 (14:44 IST)

જૂનાગઢનું ઐતિહાસિક દરબાર હોલ મ્યુઝીયમ બંધ થયું

જૂનાગઢના દિવાન ચોકમાં આવેલા ઐતિહાસિક દરબાર હોલ મ્યુઝીયમના બિલ્ડીંગને રિપેરીંગ કરવાના બદલે સરદાર બાગમાં આવેલા જર્જરિત તાજમંજીલના બિલ્ડીંગમાં સ્થળાંતર કરવા માટે આજથી મુલાકાતીઓ માટે મ્યુઝીયમને બંધ કરી ત્યાં રહેલા સામાનને પેકિંગ કરવામાં આવી રહ્યું છે. વર્ષો જૂની વિરાસતના સ્થળાંતર સામે તમામ પક્ષના નેતાઓ તેમજ અન્ય આગેવાનો ચુપ છે. સામાન્ય લોકોના વિરોધ વચ્ચે થનાર સ્થળાંતર અંગે રોષ ફેલાયો છે.

જૂનાગઢના ધમધમતા દિવાન ચોક વિસ્તારમાં આવેલા દરબાર હોલ મ્યુઝીયમમાં જૂનાગઢના નવાબી કાળની પ્રાચીન વસ્તુઓ સચવાયેલી છે. આ અંગે ઇતિહાસવિદ્દ ડો. પ્રદ્યુમન ખાચરે જણાવ્યું હતું કે નવાબી શાસનમાં આ બિલ્ડીંગમાં દરબાર હોલ ભરાતો હતો. આ ઇમારત નવાબ મહાબત ખાનજી બીજાએ ઇ.સ. ૧૮૭૫થી ૮૦ના ગાળામાં ૬,૪૯,૧૦૭, ૧/૪ કોરીના ખર્ચે બનાવ્યુ હતું. આ કચેરીમાંથી જ સીધા રંગ મહેલમાં જઇ શકાય તે માટે બે મકાનો વચ્ચે ઉપર સીડી પણ હતી. નવાબી કાળમાં પણ આ હોલને સંગ્રહાલયની જેમ જાળવવામાં આવતો હતો અને તેમાં રહેલી વસ્તુઓની નોંધ રાખવામાં આવતી હતી.
દરબાર હોલ મ્યુઝીયમનો હોલ ૮૦ટ૪૦ ફુટ લાંબો અને પહોળો છે. આ કચેરી હોલની વર્ષો જૂની તસવીર જોઇને જે - તે વસ્તુ ગોઠવાઇ છે. મુખ્ય ખંડમાં રાજ સિંહાસન તથા નાના સિંહાસન, રાજછત્ર, ચામર તથા ખુરશીઓ ગોઠવાયેલી છે. વચ્ચે જમીન ઉપર ઉનનો રંગબેરંગી મુલ્યવાન ગાલીચો પાથરેલો છે તથા વચ્ચેના ભાગમાં ઇસ્તુંબુલ નામનુ કાચનું લાલ રંગનું ઝાડ તથા ચાંદીની ટીપાઇઓ તથા છતમાં રંગબેરંગી પરદેશમાં બનેલા ઝુંમર તથા બારીઓમાં ચમકતા ચિતારાવાળા મખમલના કલાત્મક પડદાઓ છે.

જયારે જમણી બાજુએ દિવાલમાં જૂની ઘડીયાળો, ચાંદીની પાનદાની, ચાંદીનો હુક્કો, ઝેરી નાળીયેરની અતરદાની, નવાબોને મળેલા ચાંદીના ચંદ્રકો, માનપત્રો, માછલીના દાંતમાંથી બનાવેલું રણશીંગુ તથા રાજવીઓ અને કુમારોના કેન્વાસ પેઇન્ટીંગ છે.
મુખ્ય ખંડ સિવાય દરબાર હોલમાં પિકચર ગેલેરી, હોદા પાલખી વિભાગ, ટેક્ષટાઇલ વિભાગ અને હથિયાર વિભાગ છે.
આઝાદી બાદ મેમાનદારી ખાતા પાસે પછી ઇ.સ. ૧૯૬૮ સુધી રેવન્યુ ખાતા પાસે અને પછીથી સંગ્રહાલય ખાતા હસ્તક છે. આ મ્યુઝીયમનું ગુજરાતના તત્કાલીન શિક્ષણ મંત્રી નવલ શાહે ૨૧-૧-૧૯૭૭ના ઉદ્દઘાટન કરી દરબાર હોલ મ્યુઝીયમ નામ આપ્યુ, પ્રજા માટે ખુલ્લુ મુકયુ હતું.

હાલ આ દરબાર હોલનું બિલ્ડીંગ રિપેરીંગના અભાવે જર્જરિત થવાથી તેને આજથી મુલાકાતીઓ માટે બંધ કરી સરદાર બાગમાં આવેલા જર્જરિત તાજ મંજીલમાં ખસેડવા કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. હાલ મ્યુઝીયમમાં રહેલી ૨૫૦૦થી વધુ વસ્તુઓને પેકિંગ કરવાની કામગીરી થઇ રહી છે જે તા. ૩૦-૯-૨૦૧૪ સુધી ચાલશે.

જો આ બિલ્ડીંગને રિપેરીંગ કરવામાં આવે તો વધુ એક સદી સુધી તેમાં કોઇ વાંધો આવે તેમ નથી પરંતુ તંત્ર તથા રાજકીય ઇચ્છા શકિતના અભાવે ઐતિહાસિક દરબાર હોલ મ્યુઝીયમનું તાજ મંજીલમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે છતાં સામાન્ય બાબતોમાં નિવેદનો ફટકારતા રાજકીય અગ્રણીઓ તથા અન્ય નેતાઓ ચુપ છે. અશોક શિલાલેખની છત અને દિવાલ ધરાશાયી થયાના દોઢ માસ બાદ પણ કંઇ થયું નથી ત્યાં દરબાર હોલને દિવાન ચોકમાંથી ખસેડવાની બાબતથી શહેરીજનોમાં રોષ ફેલાયો છે.



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.