શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 23 એપ્રિલ 2014 (13:15 IST)

જો મોદી વડાપ્રધાન બનશે તો આનંદીબેન પટેલ-ગુજરાતના મુખ્‍યમંત્રી

અમિત શાહને પીએમઓમાં સ્‍થાન
 
લોકસભાની ચૂંટણી બાદ જો કેન્‍દ્રમાં નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વમાં એનડીએની સરકાર રચાય તો ગુજરાતના મુખ્‍યમંત્રી કોણ બનશે ? એક અહેવાલમાં જણાવ્‍યુ છે કે જો મોદી વડાપ્રધાન બનશે તો ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે આનંદીબેન પટેલની વરણી થશે અને અમિત શાહને પીએમઓમાં સ્‍થાન આપવામાં આવશે. આવો નિર્ણય લઇને મોદી ગુજરાતના આ બંને કદાવર નેતાઓને એક સમાન મહત્‍વ આપશે.
 
   ગુજરાતના મહેસુલ મંત્રી આનંદીબેન પટેલ અને રાજય પુર્વ ગૃહ રાજયમંત્રી અમિત શાહ મોદીના ખાસ વિશ્વાસુ ગણવામાં આવે છે. બંને મોદીના વિશ્વાસુ હોવા છતાં તેઓ બંને વચ્‍ચે બનતુ નથી અને તેથી મોદી તેમને ચૂંટણી પછી બેલેન્‍સમાં રહી મહત્‍વ આપશે.
 
   સુત્રો જણાવે છે કે, જો મોદી પીએમ બનશે તો ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે આનંદીબેન પટેલની વરણી કરવામાં આવશે. જો કે અમિત શાહ કે જેઓ હાલ ઉત્તરપ્રદેશમાં ભાજપને વિજય અપાવવા દિવસ-રાત એક કરી રહ્યા છે તેમને કયા સ્‍થાન આપવુ તે અંગે કોઇ નિર્ણય હજુ લેવાયો નથી પરંતુ એવી પણ શકયતા છે કે તેમને કદાચ પક્ષના રાષ્‍ટ્રીય પ્રમુખ બનાવવામાં આવે. જો કે અનેક નેતાઓ એવુ પણ કહે છે કે ભાજપમાં ટોપ પોસ્‍ટ પર અમિત શાહ હજુ જુનીયર કહી શકાય તેથી મોદી પોતાના આ વિશ્વાસુને પીએમઓમાં રાજયકક્ષાના મંત્રી બનાવે તેવી શકયતા છે.
 
   સુત્રોના જણાવ્‍યા પ્રમાણે જો નરેન્‍દ્ર મોદી વારાણસી અને વડોદરા એમ બંને બેઠકો ઉપર વિજય મેળવે તો તેઓ વારાણસીની બેઠક જાળવી રાખશે અને વડોદરાની બેઠક ખાલી કરશે. સુત્રો ઉમેરે છે કે, વડોદરામાં મોદીની જગ્‍યાએ અમિત શાહને લોકસભાનો ચૂંટણી જંગ લડવા જણાવાશે. અત્રે એ નોંધનીય છે કે અમિત શાહ હાલ અમદાવાદથી વિધાનસભામાં પ્રતિનિધિત્‍વ કરી રહ્યા છે.  એવી પણ ચર્ચા છે કે, વડોદરાથી હાલના ધારાસભ્‍ય ઉર્જામંત્રી સૌરભ પટેલ કે જેઓ હાલ મોદીના પ્રચારનું સુકાન સંભાળી રહ્યા છે તેમને પણ મોદી તેમની સાથે દિલ્‍હી લઇ જાય તેવી શકયતા છે. ગુજરાતમાં સૌરભ પટેલે ઉર્જામંત્રી તરીકે ઉત્‍કૃષ્‍ટ કામગીરી કરી હોવાનું મોદી માને છે.
 
   જો અરૂણ જેટલી અમૃતસરથી લોકસભાનો ચૂંટણી જંગ જીતી જાય તો આ બેમાંથી એકને રાજયસભાના રૂટથી દિલ્‍હી લઇ જવામાં આવે તેવી શકયતા છે. સુત્રો એવુ પણ માને છે કે, અમિત શાહને જયારે તક મળશે ત્‍યારે તેઓ ગુજરાતના મુખ્‍યમંત્રી બનવા માટે પોતાની વાત જણાવશે ત્‍યાં સુધી તેઓ દિલ્‍હીમાં જ રહેશે.
 
   જો મોદી વડાપ્રધાન બને તો તેમના બે વિશ્વાસુઓ આનંદીબેન પટેલ અને અમિત શાહ કે જેઓ એકબીજાના હરીફ છે તેમને મોદી એક સમાન મહત્‍વ આપી રાજી કરશે તેવુ માનવામાં આવે છે.