શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 26 ઑગસ્ટ 2015 (15:20 IST)

ન્યૂ રાણીપમાં ફાયરિંગઃ અમદાવાદ શહેરમાં ભારેલો અગ્નિ, નવ વિસ્તારમાં કરફ્યુ

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની ધરપકડ બાદ શહેરમાં ફાટી નીકળેલા તોફાનોને પગલે મોડી રાત્રે શહેર પોલીસ દ્વારા શહેરના નવ વિસ્તારોમાં કરફયુ લાદી દેવાયો હતો. આ ઉપરાંત રાજ્યના વિસનગર, ઊંઝા, મહેસાણા અને સુરતમાં પણ કરફયુ લાદી દેવામાં આવ્યો છે. શહેરના નવ વિસ્તારોમાં કરફયુનો માહોલ હોવા છતાં સવારથી ફરી એકવાર લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પોલીસે પરિસ્થિતિને કાબુ લેવા બળપ્રયોગ તેમજ ટીયરગેસના સેલ છોડ્યા હતા.


શહેરમાં ગત રાત્રે ફાટી નીકળેલા તોફાનોમાં બીઆરટીએસ બસસ્ટેન્ડ, પોલીસ ચોકી, વાહનો તેમજ મંત્રીઓના ઘરે પથ્થરમારો તેમજ આગના બનાવો બનવા પામ્યા હતા. જેના પગલે શહેર પોલીસ દ્વારા મોડી રાત્રે બે વાગ્યાથી અનિશ્ચિત સમય સુધી કરફયુ લગાવવામાં આવ્યો છે. કરફયુ લગાવવામાં આવતાં તમામ નવ જગ્યાએ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. શહેરમાં કરફયુનો માહોલ હોવા છતાં આ તમામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પાટીદારો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ઘાટલોડિયાના સત્તાધાર ચાર રસ્તા વિસ્તારમાં ૫૧થી ૧૦૦ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ બે જેટલાં ટીયરગેસના સેલ છોડ્યા હતા.

શહેરના પૂર્વ વિસ્તાર એવા નિકોલમાં પણ મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર આવ્યા હતા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના પગલે પોલીસે ટોળાંને કાબુમાં લેવા લાઠીચાર્જ પણ કર્યો હતો. અમરાઈવાડી વિસ્તારમાં જોગેશ્વરી ચાર રસ્તા ઉપર પણ ટોળું ધસી 

આવતા પોલીસે પણ પરિસ્થિતિને કાબુમાં લેવાનો માટે દસેક જેટલા ટીયરગેસના સેલ છોડી ટોળાને રોકવા પ્રયત્ન કર્યો હતો. પોલીસે શહેરના પૂર્વ વિસ્તાર એવા નિકોલ, બાપુનગર, સીટીએમ વિસ્તારોમાં પરિસ્થિતિ વણસતાં લાઠીચાર્જ શરૂ કરી ટોળાંને વિખેરવાનું શરૂ કર્યું હતું. પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે પૂર્વ વિસ્તારમાં વધારાની પોલીસ ફોર્સને મંગાવાઈ હતી. શહેરના મોટાભાગ વિસ્તારમાં ફરી એકવાર તંગદિલીનો માહોલ શરૂ થયો હતો અને લોકાના ટોળે ઉતરી આવ્યા હતા. આરએએફ તેમજ વધારાની ફોર્સ દ્વારા તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યો હતો.

શહેરમાં ગત રાત્રે ફાટી નીકળેલાં તોફાનોમાં અમુક વિસ્તારોમાં પોલીસ તેમજ ખાનગી ફાયરિંગના બનાવો બનવા પામ્યા હતા, જેમાં ગઇ કાલે રાત્રે ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલી ગંગોત્રી સોસાયટીમાં થયેલા એક ફાયરિંગના બનાવમાં હરીશ પટેલ (ઉં.વ. ૩૨) નામના યુવકને ગંભીર ઇજા થવા પામી હતી, જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગઇ કાલે મોડી રાત્રે રાણીપ સહિતના વિવિધ વિસ્તારોમાં પાટીદારો રોડ પર આવી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે પોલીસ તથા સરકારી વાહનોને નિશાન બનાવાયા હતા. આ ઘટનામાં ઠેરઠેર બીઆરટીએસ બસ્ટેન્ડ, બસો સળગાવવાનો પ્રયાસ થયો હતો, પોલીસ પર પણ હુમલા થયા હતા ત્યારે ઉશ્કેલાયેલાં ટોળાંને વેરવિખેર કરવા માટે પોલીસે બળપ્રયોગ અને શસ્ત્રપ્રયોગ કર્યો હતો. ન્યૂ રાણીપ વિસ્તારમાં ઉશ્કેરાયેલાં ટોળાંને વિખેરવા ટીયરગેસના સેલ તેમજ ફાયરિંગ પણ કરાયું હતું. આ ઘટનામાં ગંગોત્રી સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષીય હરીશ પટેલને ગોળી વાગતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાતભર અજંપાભરી શાંતિ બાદ ફરી એક વાર સવારના સમયે શહેરના પૂર્વ વિસ્તાર એવા નિકોલ, બાપુનગર, સીટીએમ તેમજ રામોલ જેવા વિસ્તારમાં પરિસ્થિતિ વધુ વણસી હતી. નિકોલમાં મોટી સંખ્યામાં પાટીદારો ઊમટી પડ્યા હતા. લોકોનાં ટોળા બેકાબૂ બનતાં પોલીસે અમુક સ્થળોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા. શહેરના આ વિસ્તારોમાં કરફ્યુ હોવા છતાં પણ લોકોનાં ટોળાંઓ ભેગા થઈ ગયા હતા. પોલીસે પરિસ્થિતિ બેકાબૂ બનતાં વધારાની ફોર્સ મંગાવી હતી.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા જીએસટી ફાટકના પાટા ઉખાડીને માલગાડીને રોકવાની કેટલાંક તોફાની તત્ત્વોએ કોશિશ કરતાં મામલો ગરમાયો છે ત્યારે માલગાડીને સળગાવવાનો પણ પ્રયત્ન થયો છે. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇ ઉશ્કેરાયેલા ટોળાંને વેરવિખેર કર્યાં છે.

આજે વહેલી સવારથી જ ગુજરાતમાં બંધનું એલાન આપી દેવાયું છે ત્યારે શહેરમાં રાણીપ સહિતના નવ વિસ્તારમાં કરફયુ પણ લાદી દેવામાં આવ્યો છે. તેમ છતાંય કેટલાક તોફાની તત્ત્વો કાયદો વ્યવસ્થાની ઐસીતૈસી કરીને રોડ પર ઊતરી આવ્યાં છે. ઠેરઠેર પોલીસ પર પથ્થરમારો અને આગચંપીના બનાવો શરૂ કરી દીધા છે ત્યારે હવે ટોળાંઓએ રેલવેટ્રેકને પણ નિશાન બનાવ્યા છે. ન્યૂ રાણીપ પાસે આવેલા જીએસટી ફાટક પરથી પસાર થતી માલગાડીને રોકી પાટા ઊખેડવાની કોશિશ તોફાની તત્ત્વોએ કરી છે ત્યારે આ ટ્રેન પર પથ્થરમારો કરી તેને આગ ચાંપવાના અહેવાલ મળ્યા છે. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ પર પણ પથ્થરમારો થયો હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.