શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 23 ઑગસ્ટ 2014 (11:30 IST)

પુરાતત્વીય સ્મારકની કચેરીમાં એક કર્મચારી અને તે જ ચોકીદાર

કચ્છમાં પ્રવાસન પ્રવૃતિને વિકસાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની વાતો લાંબો સમયથી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને ગુજરાતના પ્રવાસનને પણ વેગ આપવા મહાનાયક અમિતાભ બચ્ચનને કરારબદ્ધ કરીને ‘ખુશ્બૂ ગુજરાત કી’ નામની પ્રવાસનને લગતી એક પ્રોમો ફિલ્મ પણ બનાવાઈ હતી જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે કચ્છમાં પણ ‘કચ્છ ઉત્સવ’ની સાથે સાથે ભુજ કાર્નિવલનો જલસો પણ છેલ્લાં કેટલાક વર્ષોથી ગોઠવવામાં આવે છે. આ બધા વચ્ચે ઇતિહાસની ધરોહર સમા પ્રાચીન સ્મારકોની કિંમત કેટલી?

કમસેકમ રાજ્ય સરકાર માટે આ કિંમત કોડીની છે તેવું લાગી રહ્યું છે. ભુજમાં આવેલી પુરાતત્ત્વવિદની કચેરી જોતાં રાજ્ય સરકાર હકીકતમાં ઇતિહાસની મૂક સાક્ષી સમા પુરાતત્વીય સ્મારકોની જાળવણીનું કામ જેમને હવાલે છે તે કચેરી છેલ્લા લાંબા સમયથી ચોથા વર્ગના એક અપંગ કર્મચારી હસ્તક મૂકી દેવાઈ છે. માતા ખીમજી હધુ નામના કર્મચારીને અહીં ચોકીદાર તરીકે મુકાયા છે. કચેરીના બે સિવાયના તમામ ખંડોને તાળાં મરાયાં છે. કચેરીમાં રખાયેલા પુસ્તકોના કબાટો પણ બંધ છે. ચોકીદાર માતા ખીમજી વધુના જણાવ્યા પ્રમાણે હાલે આ કચેરીનો હવાલો, ગાંધીનગર કચેરીના એક એન્જિનિયરને સોંપાયો છે. આ એન્જિનિયર પાસે ભુજ ઉપરાંત રાજકોટનો હવાલો પણ છે.

કચ્છમાં એકવીસ જેટલા મહત્ત્વના રક્ષિત સ્મારકો આવેલા છે, જે પૈકી માત્ર ભુજના રામકુંડ અને ભુજ નખત્રાણા માર્ગ પરના પુંઅરેશ્ર્વર ખાતે ચોકીદાર મુકાયા છે. અન્ય સ્મારકો ધણીધોરી વગરના છે. આ અન્ય સ્મારકોમાં લખપતની ગુરુદ્વારા, લખપતનો કિલ્લો, સિયોત ખાતેની જૂના પાંચ સેલ ગુફા, કંથકોટ ખાતેનું સૂર્ય મંદિર, અંજાર તાલુકાના ભુવડ ગામના ભરેશ્ર્વર મહાદેવ, સુવઈ ખાતેની બાપુ મઠનો ટીંબો, ચિત્રોડ ખાતેના ‘આઈનો ડેરો શિવમંદિર’ અને કેશના શિવમંદિર જેવા મહત્ત્વના સ્મારકોનો સમાવેશ થાય છે.

ભુજની પુરાતત્વ કચેરીમાં લાંબા સમયથી ટેલિફોન પણ કપાઈ જવા પામ્યો છે. તો ચોકીદાર માતા ખીમજી હધુને નિયમ પ્રમાણે મળવા જોઈતા ગણવેશ પણ અપાયા નથી. કચેરીનું વાહન કંડમ હાલતમાં ધૂળ ખાય છે અને તેની હરાજીની પ્રક્રિયા કરી શકાતી નથી.

ભુજની પુરાતત્ત્વીય કચેરીમાં આવતા સ્થાનિક તેમજ વિદેશોના મુલાકાતીઓ આ કચેરીને ખાલી ખાલી જોઈને આશ્ર્ચર્યમાં મુકાઈ જાય છે.

આ સંદર્ભે રાજ્ય સરકારના પુરાતત્ત્વના નિયામક વાય. એસ. રાવતનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે હકીકતમાં ભુજની પુરાતત્ત્વીય કચેરીમાં, પુરાતત્ત્વીયવિદ, પુરાતત્ત્વ અધિક્ષક, પુરાતત્ત્વ રક્ષણસહાયક, ફોટોગ્રાફર, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જૂનિયર ક્લાર્ક, પટ્ટાવાળા અને ડ્રાઈવરનું મહેકમ હોવું જોઈએ, પણ હાલે આ મહત્ત્વની કચેરી માત્ર ચોથા વર્ગના એક કર્મચારીને આશરે ચલાવવી પડે છે.

રાજ્ય સરકાર દ્વારા વ્યાપક રીતે ખાલી જગ્યાઓ પર ભરતીની કામગીરી પૂરી કરાશે ત્યારે આ સમસ્યામાંથી છુટકારો મળવાની આશા તેમણે વ્યક્ત કરી હતી.