શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2015 (16:49 IST)

ફરી વાર, ગુજરાત સરકારી કર્મચારીઓને સંઘમાં જોડાવાની ઓફર કરશે

ગુજરાત સરકાર ફરી એક વાર પોતાના કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)માં જોડાવાની પરવાનગી આપી શકે છે. આ પહેલા 1999માં કેશુભાઈ પટેલની સરકારે સરકારી કર્મચારીઓને સંઘ સાથે જોડાવાની પરવાનગી આપી હતી, પરંતુ કોંગ્રેસ અને અન્ય સંગઠનોના વિરોધ બાદ બે મહિનામાં આ પરવાનગી પાછી લઈ લેવાઈ હતી. હાલમાં જ છત્તીસગઢ સરકારે પોતાના કર્મચારીઓને સંઘમાં જોડાવા પર લાગેલી રોક હટાવી લીધી છે.

હાલની પરિસ્થિતિમાં ગુજરાત સિવિલ સર્વિસિસ (આચરણ) કાયદા અનુસાર સરકારી કર્મચારીઓને રાજકીય સંગઠનોમાં જોડાવાની પરવાનગી નથી. આ લિસ્ટમાં આરએસએસ પણ સામેલ નથી. જોકે, ગુજરાતમાં પોસ્ટેડ આઈએએસ, આઈપીએસ અને ભારતીય વન સેવા અધિકારીઓ પર કેન્દ્ર સરકારનો નિયમ લાગુ પડશે.

સામાન્ય વહીવટ વિભાગ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ પોતાનું નામ ન જાહેર કરવાની સરતે જણાવ્યું હતું કે, 'સરકાર એ વાત પર વિચાર કરી રહી છે કે સંઘને તે સંગઠનોની યાદીમાંથી હટાવી લેવાય, જેમાં સરકારી કર્મચારીઓ જોડાઈ નથી શકતા.' તેમણે કહ્યું હતું કે, 'સરકારી કર્મચારીઓ રાજકીય પક્ષ અને સાંપ્રદાયિક સંગઠનો સાથે નથી જોડાઈ શકતા, પરંતુ સંઘ સાંસ્કૃતિક અને સામાજીક સંસ્થાનની શ્રેણીમાં આવે છે.' તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર આ મામલાને અનૌપચારિક રીતે કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે ચર્ચી ચૂકી છે.

આ વખતે રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી નિતિન પટેલે કહ્યું હતું કે,'વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આ મુદ્દા પર કોઈ ઔપચારિક ચર્ચા નથી થઈ. અમે છત્તીસગઢ સરકારના નિર્દેશને જોયા બાદ જ કોઈ નિર્ણય કરી શકીએ.'