શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , શુક્રવાર, 24 જુલાઈ 2015 (18:07 IST)

ફાયર સેફ્ટીના મુદ્દે અમદાવાદના ૯૦૦ હાઈરાઇઝ બિલ્ડિંગને નોટિસ

આપણા અમદાવાદનો વિકાસ હરણફાળ ગતિએ થઇ રહ્યો છે. મેગા સિટી અમદાવાદ હવે સ્માર્ટ સિટી બનવા જઇ રહ્યું છે. જાહેરમાં ઠેરઠેર આકાશને ચૂમતી હાઇરાઇઝ બિલ્ડિંગ જોવા મળે છે, જોકે આ હાઇરાઇઝ બિલ્ડિંગના લાખો-કરોડો રૂપિયાના ફ્લેટમાં રહેતા નાગરિકોને જાનમાલ સામે હરહંમેશ જોખમ તોળાયેલું રહે છે, કેમ કે અમદાવાદની ૪૦ ટકા હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયરસેફ્ટી સિસ્ટમ જ નથી, જેના કારણે કોર્પોરેશને આ તમામ બિલ્ડિંગને નીતિ-નિયમોસરની ફાયરસેફ્ટી બેસાડવા માટે નોટિસ ફટકારી છે. અમદાવાદની હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયરસેફ્ટી સિસ્ટમનો મામલો કંઇ આજકાલનો નથી. શહેરમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહેતા નાગરિકોના માલની સલામતી માટે તંત્રના નીતિ-નિયમો મુજબની ફાયરસેફ્ટી સિસ્ટમ બેસાડવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ કોર્પોરેશનને તાકીદ કરી છે.

તાજેતરમાં કોર્પોરેશનના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા ૯૦૦ જેટલી હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયરસેફ્ટી સિસ્ટમ લગાવવા નોટિસ ફટકારાઇ છે. મ્યુનિ. કોર્પોરેશન અને ઔડાની લિમિટેડમાં એક અંદાજ પ્રમાણે કુલ ૨૧૦૦ હાઇરાઇઝ બિલ્ડિંગ છે. લોકોમાં છેલ્લા કેટલાક સમયથી ઊંચી ગગનચુંબી ઇમારતમાં રહેવાનો ક્રેઝ વધી ગયો હોઇ હાઇરાઇઝ બિલ્ડિંગની સંખ્યા સતત વધતી જતી હોવાનો પણ તંત્રનો અંદાજ છે, પરંતુ તંત્રના તાજેતરના સર્વે દરમિયાન ૧૨૦૦ જેટલી હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયરસેફ્ટી સિસ્ટમ બેસાડાઇ છે. કેટલીક હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયરસેફ્ટીના નામે ખાલી પાઇપ બેસાડાયેલી છે. કોર્પોરેશને આવી ૯૦૦ હાઇરાઇઝ બિલ્ડિંગ કે જ્યાં ફાયરસેફ્ટી સિસ્ટમનો અભાવ હોઇ સપાટો બોલાવ્યો છે. તંત્રના સપાટાના કારણે આ તમામ હાઇરાઇઝ બિલ્ડિંગના ચેરમેન અને સેક્રેટરીમાં ભારે ફફડાટ ફેલાયો છે.