1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 30 જાન્યુઆરી 2015 (11:54 IST)

બેડોળ-કદરુપુ ઝરખનાં અતિશકિતશાળી જડબાં હાડકા પણ ચાવી જાય છે

આગલા પગ લાંબા, મોટું માથું અને એવું બેડોળ પ્રાણી એટલે ઝરખ. આપણે ત્યાં પટ્ટાવાળું ઝરખ વસે છે. જમ્મુ-કાશ્મીર અને હિમાલયના કેટલાક ભાગ સિવાય ભારતભરમાં વસવાટ છે. તે સિવાય ઈરાન, ઈરાક, ઉત્તરીય આફ્રિકા વગેરેમાં આ જાત વસે છે. કથ્થાઈ ઝરખ અને ટપકાવાળું ઝરખ કેનીયા, ટાંઝાનિયા અને આફ્રિકાના કેટલાક દેશોમાં વસે છે. રૂપરંગ સિવાય બધા ઝરખનું બંધારણ, રીતભાત સરખાં છે. નીશાચર છે. દિવસે પહાડોની બખોલ, શાહુડીનાં દર વગેરેમાં ગાળે છે. રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે. જડબુ અને દાંત મજબૂત હોય છે. તેથી હાડકાં પણ ચાવી જાય છે. ગામને પાદરે પડેલાં મરેલાં ઢોર ને સમડી, ગીધ વગેરે સફાચટ કરી નાંખ્યા પછી હાડકાં અને માંસના વધ્યા-ઘટયા ટુકડાઓને ઝરખ ખાય છે. ઘણી વાર આખા હાડકાં ચાવી જાય છે. તેથી વિષ્ટા સફેદ હોય છે. તેમાં હાડકાંના ટુકડા પણ હોય છે. દેખાવમાં ઝરખ કૂતરાનાં કદનું હોય છે. આગલા પગ લાંબા હોવાથી અને ખૂંધ પછી શરીર નીચે તરફ ઢળતું હોવાથી કઢંગુ લાગે છે. પીઠ ઉપર વચ્ચે ઊભી કેશવાળી હોય છે. હવે આપણે આપણે ત્યાં જોવા મળતા પટ્ટાવાળા ઝરખ વિષે જાણીએ.

અંગ્રેજીમાં સ્ટ્રાઈપ્ડ હાઈના તરીકે ઓળખાય છે. મરાઠી, હિંદીમાં તરસ નામ છે. ૧૧૫ થી ૧૫૦ સે. મીટર લાંબા આ પ્રાણીનું વજન ૩૦ થી ૪૦ કિલોગ્રામ હોય છે. માદાનું વજન ૨૫ થી ૩૫ કિ.ગ્રા. હોય છે. ચાલ કઢંગી હોય છે. કાન અણીદાર અને ઊભા હોય છે. ગરદન અને પીઠ ઉપર કેશવાળી હોય છે. ગામને સીમાડે બકરાં, ઘેટાં, કૂતરાં, સુવર, સસલાંના શિકાર કરે છે. ગામને સીમાડે ફેંકેલા મરેલાં ઢોર પણ ખાઈ જાય છે. જંગલમાં મોટા પ્રાણીઓએ શિકાર કરેલાં, વધેલાં ઘટેલાં પ્રાણીઓનાં શરીરને ખાઈ જાય છે. કીટકો, ગરોળી, કાચંડા, ઉંદર, ઉધઈ, ફળો પણ ખાય છે.

જમ્મુ-કાશ્મીર સિવાય ભારતના બધા ભાગોમાં વ્યાપક છે. ગુજરાતમાં પણ વસવાટ છે. રાખોડી કે આછા બદામી રંગની રૂંવાટી ધરાવે છે. પગ તથા પીઠનાં ભાગ ઉપર કાળા રંગના ઊભા પટ્ટા હોય છે. મોઢાનો આંખો સુધીનો ભાગ કાળો હોય છે. નીચેની તરફ ગળા અને પેટનો ભાગ પણ કાળો હોય છે.

ઝરખને ડાંગ, વાંસદા વગેરે વિસ્તારમાં ‘કૂતર ખડિયું’ પણ કહે છે. કૂતર એટલે કૂતરો અને ખડિયો એટલે વાઘ. આનો અર્થ થાય છે કૂતરા જેવો વાઘ. વાઘ દીપડા જેવા શિકારી પ્રાણીઓથી દૂર રહે છે. પરંતુ સમય આવતાં સામનો પણ કરે છે. હાડકાં, માંસના ટુકડા ખાડામાં દાટી ફરીથી ખાઈ જાય છે. પાણી વગર લાંબા સમય સુધી ટકી શકે છે. ઝરખને ૩-૪ બચ્ચાં થાય છે. બચ્ચાં એક વર્ષ સુધી સ્તનપાન કરે છે.

ઝરખની જીભનું માંસ અને ચરબીનો દવા તરીકે ઉપયોગ થતો હતો. એક જમાનામાં ગુજરાતમાં ઝરખ મોટી સંખ્યામાં હતા ત્યારે આ દવા મશહૂર હતી. એક જમાનામાં ઉત્તર ગુજરાતના ડીસામાં અંગ્રેજ લશ્કરની છાવણી હતી ત્યારે ડીસાની આજુબાજુ વાઘ, સિંહ અને બીજા અન્ય વન્ય પશુઓનો વાસ હતો. ઝરખ પણ ઘણાં હતાં.