1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 23 ઑક્ટોબર 2013 (16:05 IST)

ભવનાથ મેળો હવે મીની કુંભ તરીકે ઓળખાશે

P.R
ભવનાથ મેળો હવે મીની કુંભ તરીકે ઓળખાશે. જૂનાગઢમાં દશનામ જૂના અખાડા ખાતે મહામંડલેશ્વર ભારતી બાપુની અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય સંતોની મળેલી બેઠકમાં જાહેર કરાયું છે. ત્યારે હવે દર વર્ષે શિવરાત્રીમાં યોજાતો ભવનાથ મેળાની રોનક ઓર વધશે.

ગરવા ગીરનારની ગોદમાં આવેલા ભવનાથ મંદિર ખાતે દર વર્ષે શિવરાત્રીએ મેળો ભરાય છે. આ મેળો ભવનાથના મેળા તરીકે દેશ અને વિશ્વમાં જાણીતો છે. ત્યારે હવે આ મેળો મીની કુંભ તરીકે ઓળખાશે. ગીરનારની તળેટીમાં આવેલા ભારતી આશ્રમના દશનામ જૂના અખાડા ખાતે સાધુ સંતોની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે ભવનાથ મેળાને મીની કુંભ મેળા તરીકે જાહેરાત કરી.

ભવનાથનો મેળો દેશમાં યોજાતા કુંભ મેળા જેવો જ માહોલ ઉભો કરે છે. આ મેળામાં અહીં દેશભરના નાગા સાધુઓ આવે છે, તે મેળાનું આકર્ષણ છે. એવી પણ માન્યતા છે કે, આ મેળામાં ભગવાન શીવ પણ કોઈના કોઈ રૂપે આવે છે. મેળામાં 10 લાખથી વધુ લોકો ઉમટી પડે છે. ત્યારે હવે આ મેળાને મીની કુંભ તરીકે જાહેર કરતાં સાધુસમાજ રાજ્ય સરકાર અને કેદ્ર સરકારના યોગદાન માટે ઠરાવ કરશે.

સામાન્ય રીતે યોજાતો મહાકુંભ મેળો દર બાર વર્ષે યોજાય છે. પરંતુ ગીરનારની ગોદમાં હવે દર વર્ષે શિવરાત્રીએ મીની કુંભના મેળો આકાર લેશે, જે અન્ય જગ્યાએ યોજાતા મહાકુંભ મેળાની યાદ સમાન બની રહેશે.