શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 1 એપ્રિલ 2015 (12:51 IST)

માત્ર ચપટી વગાડવાથી સુગંધ ફેલાશે

જો તમને ચપટી વગાડતા આવડતી હશે તો આજે તમને સુગંધીદાર ફાયદો થવાનો છે. ગ્લોબલ વોર્મિંગની અસરમાં ઋતુચક્રમાં અવારનવાર અસંખ્ય બદલાવ આપણે જોઇએ છીએ ત્યારે ગુરૃવારે આ જ ગ્લોબલ વોર્મિંગની અસરથી એક અચરજ ઘટના બનવા જઇ રહી છે. ગુરૃવારે સૂર્યોદયનાં અર્ધો કલાક બાદથી વાતાવરણમાં 'સ્મેલ સેલ્ફ સેટ્રોકસાઇડ' વાયુ ફેલાશે. આ વાયુ કોઇપણ પ્રકારે નુકસાનકારક નથી, પણ નવાઇની વાત એ છે કે, આ વાયુમાં અંગુઠા અને આંગળીનાં ઘર્ષણથી એટલે કે ચપટી વગાડવાથી આ વાયુ સુગંધ છોડશે.

મૂળ ભારતીય અને હાલ અમેરિકામાં રહેતા વૈજ્ઞાનિક ડૉ. અલ્કેશ અધ્વર્યુના જણાવ્યા અનુસાર ગ્રહમંડળમાં મંગળગ્રહ અને પૃથ્વી આજે એકબીજાનાં ૯૦ અંશના ખૂણે હોવાથી આ ચમત્કારી ઘટના બની છે. મંગળગ્રહનો વાયુ અને પૃથ્વીના વાયુનું મિશ્રણ થતાં આ 'સ્મેલ સેલ્ફ સેટ્રોકસાઇડ' વાયુ ઉત્પન થયો છે. સૂર્ય ઉદયનાં અર્ધો કલાક બાદ આ વાયુ પૃથ્વી પર સંપૂર્ણપણે પથરાઇ જશે. અંગુઠા અને આંગળીના ઘર્ષણથી આ વાયુમાંથી સ્નિગ્ધ કણો છુટા પડશે જે સુગંધનાં રૃપમાં આસપાસનાં વાતાવરણમાં ફેલાશે અને વાતાવરણને ૩૦ થી ૩૫ સેકન્ડ માટે સુગંધથી ભરી દેશે. જો કે, આ સુગંધ ખૂબ લિમિટેડ એરીયાને કવર કરશે.
સંશોધન બાદ જાણવા મળ્યું છે કે, આ વાયુ સૂર્યાસ્ત સાથે સમાપ્ત થઇ જશે. સૂર્યાસ્ત બાદ ચપટી વગાડવાથી માત્ર અવાજ જ આવશે. સુગંધ માણવા નહીં મળે. ડૉ. અધ્વર્યુએ કહ્યું કે, આ સુગંધી ગુલાબ અને મોગરાના ફૂલને મળતી આવતી સુગંધ હશે તેમ છતાં એ બન્ને ફૂલની સુગંધ કરતા વધુ સુગંધ હશે. તમારી ચપટીના સ્ટોક સુધી આ સુગંધ તમે મેળવી શકો છો. એક ચપટી બાદ બીજી ચપટીમાં સુગંધ નહીં મળે તેવું નહીં થાય. આ વાયુ નુકસાનકારક તો નથી જ પણ શરદી અને તાવના દર્દીઓ માટે ફાયદાકારક હોવાનું ડૉકટરે જણાવ્યું છે. જો કે, સ્વાઇન ફ્લૂ પોઝિટીવ દર્દીઓએ આ સુગંધ ન લેવાની તબીબોએ સલાહ આપી છે. કારણ કે આ સુગંધ સ્વાઇન ફ્લૂ માટે ખોરાક સમાન છે. તેમ છતાં આનાથી મોટી કોઇ નુકસાની થતી નથી. અન્ય લોકો છૂટથી સૂર્યોદયનાં અર્ધો કલાક બાદ ચપટી વગાડી આ ઐતિહાસિક સુગંધને માણી શકશે. તો થઇ જાવ તૈયાર, ચપટી વગાડવા...

૧૩૦ વર્ષ અગાઉ બની હતી આવી ઘટના
અગાઉ આવી સુગંધદાર ઘટના વર્ષ ૧૮૮૫માં ૧૩૦ વર્ષ અગાઉ બની હતી. એ સમયે કોઇને આ વાતનો ખ્યાલ આવ્યો ન હતો. ૧૩૦ વર્ષ બાદ હવે ફરીવાર આ ચમત્કારિક ઐતિહાસિક ઘટના બની રહી છે. જેનાં અસંખ્ય લોકો સાક્ષી બનશે.

તાળી પાડવાથી નહીં આવે સુગંધ
માત્ર ચપટી વગાડવાથી જ આ સુગંધનો અહેસાસ થઇ શકશે. ડૉ. અધ્વર્યુએ કહ્યું કે, અંગુઠા-આંગળીના નોર્મલ ઘર્ષણથી વાયુનાં સ્નિગ્ધકણો સુગંધ રૃપે છુટા પડશે પરંતુ જો તાળી પાડવામાં આવે તો ઘર્ષણ અને અવાજથી માત્રા વધી જવાથી આ કણો નાશ પામે છે.

ગુજરાત - પ. બંગાળમાં વાયુની માત્રા વધુ
આમ તો સમગ્ર વાતાવરણમાં આ ચમત્કારિક વાયુ ફેલાશે પણ ભારતમાં ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં વાયુની માત્રા વધુ હશે.