શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (11:27 IST)

રાજ્યના નવા વરાયેલા મંત્રીમંડળનો યુવા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને તેમના મંત્રીમંડળે આજે કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે જ રાજ્યના યુવાધનને સરકારી નોકરી-ભરતીની વર્ગ-૩ની જગ્યાઓ પર વધુ વ્યાપક તક આપવા પ્રતિક્ષા યાદી નિયમોમાં ફેરફારની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્ય મંત્રીમંડળે કરેલા આ યુવા હિતલક્ષી જાહેરાત અનુસાર, રાજ્ય સરકારની વર્ગ-૩ની જગ્યાઓ પર સીધી ભરતીની પ્રતિક્ષા યાદીનું હાલનું ૧૦ ટકા પ્રમાણ ર૦ ટકા એટલે કે બેવડું કરવાનો નિર્ણય લીધો છે. આ મહત્વપૂર્ણ જાહેરાતની પરિપાટીએ હવેથી આવી જગ્યાએ સીધી ભરતીથી પસંદગી પામેલા કર્મચારી હાજર થયા બાદ એક વર્ષમાં અન્યત્ર નોકરી મળતાં આ નોકરી છોડીને જાય કે અન્ય કોઇપણ કારણોસર રાજીનામું આપે તેવા કિસ્સામાં ખાલી પડેલી જગ્યાઓ પ્રતિક્ષા યાદી પરના ઉમેદવારોમાંથી ભરી શકાશે. આવી જગ્યા જે કેટેગરીના ઉમેદવાર નોકરી છોડીને જાય તે જ કેટેગરીના પ્રતિક્ષા યાદીના ઉમેદવારથી ભરવાની રહેશે. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, રાજ્ય સરકારની વર્ગ-૩ની તમામ જગ્યાઓની ભરતી માટે ર૦ ટકા પ્રતિક્ષા યાદીનો લાભ મળવાપાત્ર થવાનો છે. પ્રતિક્ષા યાદીના નિયમોમાં ફેરફારના આ મહત્વપૂર્ણ નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી કરવા સાથે જ વર્ગ-૩ની જે જગ્યાઓ ભરતી માટેની જાહેરાત પ્રસિધ્ધ થઇ હોય પરંતુ પસંદગી યાદી પ્રસિધ્ધ ન થઇ હોય તેવી ભરતીમાં આ ર૦ ટકા પ્રતિક્ષા યાદીની જોગવાઇઓનો લાભ મળતો થશે. આ માટે જાહેરાતમાં તે મુજબના જરૂરી સુધારા પણ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.