શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 28 જુલાઈ 2014 (14:06 IST)

વાણિજ્ય વેરા વિભાગનું વેપારીઓ પાસેથી રૂ. ૧૮૦૦૦ કરોડની લહેણું બાકી

રાજ્ય સરકાર માટે વેટ (વેલ્યૂએડેડ ટેક્સ)ની આવકનું ખૂબ જ મહત્ત્વ છે. પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધુ વેટ ગુજરાતમાં લેવામાં આવે છે. સરકારી ખર્ચાઓ અને વિકાસના કામોને પહોંચી વળવા રાજ્ય સરકાર વેટની વસૂલાત પર વિશેષ ધ્યાન આપે છે. ગુજરાત સરકારની કુલ આવકના ૭૩ ટકા આવક વેટમાંથી પ્રાપ્ત થાય છે પણ વાણિજ્ય વેરા વિભાગનું વેપારીઓ પાસે બાકી લહેણું રૂ. ૧૮૦૦૦ કરોડ જેટલું છે. વેટની આ બાકી રકમની વસૂલાત થઈ શકતી નથી. આ રકમ વેટની કુલ વાર્ષિક આવકના ૩૬ ટકા જેટલી છે.

કેગ દ્વારા તાજેતરમાં જ વિધાનસભામાં રજૂ કરાયેલા અહેવાલમાં વેટની વધતી જતી બાકી રકમ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વેટની વાર્ષિક આવક આશરે રૂ. ૫૦,૦૦૦ કરોડની છે. બાકી લેણામાંથી રૂ. ૧૨૦૦૦ કરોડ તો છેલ્લાં પાંચ વર્ષથી વસૂલાયા નથી. આ રકમ સરકારની તિજોરીમાં જમા થાય તો કેટલીક વસ્તુઓ પરના ટેક્સ ઘટાડી શકાય છે. કેગના રિપોર્ટમાં જણાવાયું છે કે વેટની કુલ બાકી ૧૮૧૧૭ કરોડમાંથી રૂ. ૭,૭૨૫.૨૭ કરોડની વસૂલાત અંગે હાઈ કોર્ટ અને અન્ય અદાલતોએ મનાઈ હુકમ આપેલો છે. જ્યારે રૂા. ૧૮૭૭ કરોડની રકમ પર વિભાગીય અપીલ અધિકારીઓએ મનાઈ હુકમ આપેલો છે. જોકે, આશરે રૂ. ૮૦૦૦ કરોડની રકમ અન્ય તબક્કે બાકી છે. આ સંદર્ભે વેટ વિભાગે પણ કોઈ વિગત આપી નથી કે આ રકમની વસૂલાત કેમ થઈ શકી નથી. આ ઉપરાંત રૂા. ૫૧૪ કરોડની વસૂલાત વેપારીઓએ ફડચા અને રિટ અરજી દાખલ કરવાના કારણે રોકાઈ ગઈ છે.

વેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, વેટની વસૂલાત જે એકમો પાસેથી બાકી છે તે એકમોએ વેટની રકમ લોકો પાસેથી વસૂલી છે પણ સરકારની તિજોરીમાં જમા કરાવી નથી.