શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 23 સપ્ટેમ્બર 2014 (14:29 IST)

વિશ્વશાંતિ માટે ૪ કરોડ નવકાર મંત્ર જાપનું અનુષ્ઠાન

ગુજરાતમાં પ્રથમ વાર અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આવતા રવિવારે એકસાથે ૪૦ હજાર શ્રાવકો વિશ્વશાંતિ માટે ૪ કરોડ નવકાર મંત્ર જાપનું અનુષ્ઠાન કરશે.

આચાર્યભગવંત વિજયગુણરત્નસૂરીશ્વરજીની પ્રેરણાથી યોજાઈ રહેલા અને મુંબઈના શણગારીબાઈ શંકરલાલજી જૈન રિલિજિયસ ઍન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ, મોહનલાલ શંકરલાલજી જૈન અંબાગૌત્ર ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત આ નવકાર મહામંત્ર જાપ અનુષ્ઠાન વિશે આચાર્ય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘ગુજરાતમાં પહેલી વાર યોજાઈ રહેલા આ નવકાર મંત્ર જાપ અનુષ્ઠાનમાં પહેલાં ૨૦ હજાર શ્રાવક આવવાની ધારણા હતી અને બે કરોડ જાપ થવાના હતા, પરંતુ નવકાર મંત્રની માળા કરવા માટે શ્રાવકો વધી ગયા છે. અગામી ૨૮ સપ્ટેમ્બરે રવિવારે સવારે સાડાઆઠ વાગ્યાથી નવકાર મંત્રના જાપ થશે જેમાં એકસાથે ૪૦ હજાર જેટલા શ્રાવક અને શ્રાવિકા મૌન સાથે માળા ફેરવીને જાપ કરશે.

દરેક વ્યક્તિ ૧૦ માળા કરશે, એટલે ૪ કરોડ જાપ વિશ્વમાં શાંતિ સ્થપાય એવા શુભ આશયથી કરવામાં આવશે. અમદાવાદ ઉપરાંત સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટકમાંથી પણ શ્રાવકો જાપ માટે આવશે.

આસો મહિનો જાપ માટે શ્રેષ્ઠ ગણાય છે એટલે અમે નવકાર મંત્રના જાપ માટે આ મહિનો પસંદ કર્યો છે. નવકાર મંત્ર જાપ અનુષ્ઠાન ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં યોજાશે અને દીક્ષાદાનેશ્વરી આચાર્યભગવંત વિજય ગુણરત્નસૂરીશ્વરજીનું માર્ગદર્શન-સાંનિધ્ય મળશે. ૨૫ જેટલા આચાર્યભગવંત અને ૪૭૫ જેટલાં સાધુ-સાધ્વીજી આ અનુષ્ઠાનમાં પધારશે.

આગામી રવિવારે યોજાનારા આ નવકાર જાપ અનુષ્ઠાનમાં અમદાવાદના ૨૫૦ જેટલા સંઘ જોડાયા છે અને ૪૦ યુવા ગ્રુપના ૮૦૦ યુવાન કાર્યકરો આ કાર્યક્રમની વ્યવસ્થામાં લાગ્યા છે.