શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , શુક્રવાર, 28 ઑગસ્ટ 2015 (15:52 IST)

શાળા-કોલેજો ચાલુ પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી

પાટીદાર અનામત આંદોલન બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ડહોળાયેલી શાંતિના પગલે સરકાર દ્વારા બુધવારથી શૈક્ષણિક સત્ર બંધ રાખવા જાહેરાત કરવામાં આવી હતી, જે પછી ગુરુવારના રોજ પણ અજંપાભરી શાંતિના કારણે શહેરના શૈક્ષણિક સત્ર બંધનું એલાન અપાયું હતું. અમદાવાદની હાલની થાળે પડેલી સ્થિત‌િ જોતાં શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવાની જાહેરાત કરાઇ છે, પરંતુ આવતી કાલે રક્ષાબંધનનું પર્વ હોઇ આજે મોટા ભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓની ગેરહાજરીના કારણે રજા જેવો જ માહોલ સર્જાયો છે અને સવારની પાળીમાં મોટા ભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી નોંધાઇ હતી. આમ હવે સોમવારથી જ શૈક્ષણિક સત્ર રાબેતા મુજબ શરૂ થશે.

અમદાવાદમાં યોજાયેલી મહારેલીના સંદર્ભે વિદ્યાર્થીઓની સલામતી માટે બે દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ બુધવાર અને ગુરુવારના રોજ તમામ શાળાઓએ રજા જાહેર કરી હતી, જોકે ગુરુવારે શહેરમાં શાંતિનો માહોલ સર્જાતાં સરકારે જિલ્લા શિક્ષણ અધિકારીઓને પરિસ્થિત‌િ જોઇ શાળાઓ ફરી ચાલુ રાખવા જાહેરાત કરી હતી, જે બાદ આજે સવારની પાળીમાં મોટા ભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી નોંધાઇ હતી. શનિવારના રોજ રક્ષાબંધનની જાહેર રજા હોઇ અનેક વાલીઓએ પોતાનાં સંતાનોને આજે એક દિવસ મિની વેકેશનનો માહોલ મળી જાય તે માટે શાળાએ મોકલ્યાં ન હતાં.

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નિકોલ, વસ્ત્રાલ, ઠક્કરબાપાનગર, બાપુનગર, ઘાટલોડ‌િયા અને ગોતા જેવા સંવેદનશીલ વિસ્તારમાં આજે પણ શાળાઓ બંધ રાખવાનું શાળાના સંચાલકોને જણાવાયું છે. બીજી તરફ સ્કૂલરિક્ષા અને વાન એસોસિયેશનની હડતાળ હાલ પણ યથાવત્ હોઇ વાલીઓએ આજે પોતાના સંતાનોને શાળાએ મોકલ્યાં ન હતાં.