શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 21 નવેમ્બર 2014 (17:10 IST)

સવારે અમદાવાદમાં લૂંટારુઓ ફાયરિંગ કરી રોકડા 75 લાખ લુંટી ફરાર

અમદાવાદ શહેરમાં થોડા મહિનાઓ અગાઉ જ એક સોની વેપારીને રસ્તા વચ્ચે આંતરી ધોળા દિવસે ગોળી મારી લુંટ થઇ હતી, જેમાં વેપારીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ફરી એકવાર અમદાવાદના ચાંદલોડિયા બ્રિજ પાસે આજે સવારે આંગડિયા પેઢીના કર્મચારીઓ પર 5 લુંટારુઓએ ફાયરિંગ કરીને 75 લાખની દિલધડક લૂંટ ચલાવી હતી. આ 5 જેટલા લૂંટારુઓએ આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ પર ફાયરિંગ કરી પૈસા લઈને ફરાર થઈ ગયા હતા.

આ ઘટનામાં આંગડિયા પેઢીનો એક કર્મચારી ઘાયલ થતા તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. આ સનસનીખેજ ઘટનાની જાણ થતા સોલા પોલીસ, ક્રાઈમબ્રાંચની ટીમ સહિતના અમદાવાદ પોલીસદળના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. લૂંટનો ભોગ બનનારા કર્મચારીઓ ગાંધી રોડ પર ઝવેરીવાડમાં આવેલ ગણેશ કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ છે, જેના માલિક ડી.સી. પટેલ છે.

ધોળા દિવસે બનેલી લૂંટની આ ઘટના ચાંદલોડિયામાં સોપાન શરણ ફ્લેટના ગેટ પાસે બની હતી, જેમાં લૂંટ માટે આવેલા 5 લૂંટારુઓમાં એક લુંટારાએ હેલ્મેટ પહેરી રાખ્યું હતુ. હાલ આ સમગ્ર ઘટના અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને લૂંટારુઓને ઝડપી લેવા માટે અધિકારીઓએ ચક્રો ગતિમાન કર્યા છે.