શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 15 એપ્રિલ 2015 (14:31 IST)

સુપરડુપર ફ્લોપ નિવડેલી અમદાવાદની સાઇકલ શેરિંગ યોજના રાજકોટમાં પણ પરાણે લાગુ કરાશે

ધોળા ડગલાં ધારણ કરી પ્રજાની સેવા કરવાના પોકળ દાવાઓ કરતા રાજકારણીઓ ભાગ્યે જ પ્રજાની સેવા થાય તેવા કામો કરતા હોય છે. તેઓ મોટેભાગે પ્રજાના પૈસાનો વેડફાટ કેવી રીતે થાય અને પોતાના ખિસ્સાં કઇ રીતે વધુ ગરમ થયા તેની ફીરાકમાં જ ફરતા હોય છે. અમદાવાદમાં એકંદરે નિષ્ફળ ગયેલી અને ખોટના ખાડામાં ઊતરી ગયેલ બી.આર.ટી.એસ.ને રાજકોટમાં પણ લાગુ કરાઇ હવે ત્યાં નિષ્ફળ ગયેલી સાયકલ શેરિંગ યોજના પણ રંગીલા રાજકોટમાં લાગુ કરવાની તૈયારીઓ આરંભી છે. એક યોજના એક શહેરમાં નિષ્ફળ જાય તો તેનો વીટો વાળી દેવાના બદલે બીજા શહેરની પ્રજાને ભરમાવવા માટે ત્યાં તેનો અમલ કરવામાં આવે છે પરંતુ સરવાળે પ્રજાની પરસેવાની કમાણીનું જ આંધણ થતું હોય છે.

આંતરિક વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોશન દ્વારા રેસકોર્સ, ત્રિકોણબાગ, એસ.ટી. ડેપો અને ઈન્દિરા સર્કલ વિસ્તારમાં ચાર સાઈકલ સ્ટેન્ડ બનાવવામાં આવશે અને ૬૦ સાઈકલ ભાડે અપાશે. સાઈકલનું ભાડું પ્રતિ કલાકના રૂ. ૫ રાખવામાં આવશે.

રાજકોટ કોર્પો. દ્વારા કેન્દ્રની નેશનલ અર્બન ટ્રાન્સપોર્ટ પોલીસી અંતર્ગત હાલ રાજકોટના શહેરીજનોને બીઆરટીએસ બસ સેવા તથા સીટી બસ સેવા પૂરી પાડવામાં આવી રહેલ છે. તદુપરાંત સાઈકલ શેરિંગ માટેનો પાઈલોટ પ્રોજેકટ હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત પ્રાથમિક તબકકામાં ૬૦ સાઈકલો દ્વારા આ પ્રોજેકટ અમલમાં મૂકવાનું આયોજન છે.

આગામી વર્લ્ડ બાયસીકલ ડે તા.૧૯-૪-૨૦૧૫થી આ પ્રોજેકટ અમલમાં મુકાવાની શક્યતા છે. જે મુજબ પ્રથમ તબકકામાં રેસકોર્સ, કિશાનપરા ચોકમાં ૧૫ સાઈકલ, ત્રિકોણબાગમાં ૧૫ સાઈકલ, એસ.ટી. સ્ટેન્ડ ૧૫ સાઈકલ, ઈન્દિરા સર્કલ બ્રિજ નીચે-૧૫ સાઈકલ મૂકવામાં આવશે.

પ્રથમ એક મહિના માટે ફ્રીમાં સાઇકલ ચલાવવા અપાશે અને ત્યારબાદ પ્રતિકલાકના રૂ. ૫ વસૂલવામાં આવશે. કેટલાક મહિનાઓ પહેલા અમદાવાદમાં પણ આ યોજના લાગુ કરાઇ હતી પરંતુ તે સદંતર નિષ્ફળ નીવડતા તેનો વીટો વાળી દેવો પડે તેવી સ્થિતિ છે ત્યારે રાજકોટમાં તેનો અખતરો કેટલો સફળ રહેેશે તે સમય જ બતાવશે.