શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 15 નવેમ્બર 2014 (17:15 IST)

૪૯ વર્ષથી એક જ જગ્યાએ નોકરી, રજા પણ લીધી ફક્ત 65 જ !

ભારતિય સંસ્કૃતિના અભિન્ન અંગ સમા ર્ધાિમક ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્મના સિધ્ધાંતનું સુંદર વર્ણન કર્યું છે, જે દરેક માનવીને જીવનમાં કર્મ કરવાની અનુકરણીય શીખ આપે છે. ગીતાના આ કર્મના સિધ્ધાંતને આજના આધુનિક યુગમાં પણ એક કર્મના ભેખધારીએ સાર્થક કરી દેખાડયો છે. રાજકોટ જીલ્લા સહકારી બેંકમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતાં આ પ્રખર કર્મયોગી છેલ્લા ૪૯ વર્ષોથી અવિરતપણે કર્મના રાહ પર આગેકૂચ કરી રહ્યા છે. સી.એન. તારપરા નામના આ બેંક અધિકારી આજના યુવાનો માટે પણ જીવંત પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. સરકારી કે સહકારી કે કોઈ કંપનીમાં ૩૦ વર્ષથી વધુ સમય સેવારત નથી રહી શકાતું પણ રાજકોટની એક બેંકમાં એવા કર્મચારી છે જે ૪૯ વર્ષથી સેવારત છે અને આવતે વર્ષે તેમની ગોલ્ડન જ્યુબીલી ઉજવાશે. જિલ્લા સહકારી બેંકના આ કર્મચારીનું નામ છે સી.એન. તારપરા અને તે ૨૩મા વર્ષે નોકરીમાં જોડાયા બાદ આજે ૭૨ વર્ષે પણ નોકરીમાં ચાલુ છે.

બેંકની શરૃઆતના કાર્યકાળમાં જોડાયા બાદ અનેક લીલીસુકી જોઈ ચૂકેલા આ કર્મચારીને બેંકે જનરલ મેનેજર બનાવવા ઉપરાંત તેમની સેવાઓ ચાલુ રાખવા માટે હાઈકોર્ટ સુધી રીઝર્વબેંક સામે લડત ચલાવી હતી. હાઈકોર્ટે તેમની સેવાઓ ચાલુ રાખવા ચૂકાદો આપ્યો છે અને તેઓ ૨૦૦૧માં નિવૃત થયા પછી આજે પણ નોકરીમાં ચાલુ છે. કોઈ યુવાનને શરમાવે તે રીતે ૧૫થી ૧૮ કલાક કામ કરી શકે છે. ૧૯૬૫-૬૬માં કારકૂન તરીકે જિલ્લા બેંકમાં જોડાયાના ટૂંકા સમયમાં ઉઘરાણી ઈન્સપેકટર તરીકે કોટડાસાંગાણી મુકાયા હતા. આ સ્થળે સારી કામગીરીની છાપ ઉભી કરતા ત્વરીત ત્યાંથી જિલ્લાના સૌથી માથાભારે વિસ્તાર ગણાતા જામકંડોરણામાં તેમની બદલી કરી દેવામાં આવી. જામકંડોરણા વિસ્તારમાં ૧૯૬૭-૬૮ માં એક કિમી પણ ડામરરોડ ન હતો કે નદી નાળા ઉપર પુલ ન હતા. કોઈને સજા આપવાની હોય ત્યારે ત્યાં બદલી કરાતી હતી. કોઈ પણ ધિરાણ લેનાર નાણાં ભરપાઈ કરવાના હોય તેવું પણ સમજતા ન હતા. આખા વિસ્તારમાં ક્ષત્રિયોની હાક વાગતી અને ઉઘરાણી કરવા જવાનું તો ઠીક, એવા પણ ગામો હતા જ્યાં અમથા પણ કોઈ સરકારી કર્મચારી જવાની હિમ્મત ન કરે. આવા સંજોગો વચ્ચે સી.એન. તારપરાએ હિમ્મત દાખવીને માથાભારે ગણાતા ગામડામાં જઈ ચોરે રાતવાસો કરીને બાકીદારોને સમજાવી ફોસલાવીને વસૂલાત શરૃ કરી, ગામને ચોરે સુઈ રહેવાનું જે કોઈ રાતે વાળુ કરવા બોલાવે ત્યાં જઈ ખાઈ લેવાનું. આ સખ્ત પરિશ્રમને કારણે ઉઘરાણી થવા લાગી. ટૂંકા સમયમાં નવું ધિરાણ પણ પોતે જોખમ લઈને આ વિસ્તારના ક્ષત્રિયો, આહિરો અને પટેલોને અપાવ્યું. બેંકના કામ માટે ગામડાઓ ખુંદવા કોઈ વાહન ન હોવાથી પગપાળા ફરતા હતા. ધીમે ધીમે આખા વિસ્તારમાં તેમની સારા વ્યક્તિની છાપ ઉપસી આવી.

 નવેસરથી ધિરાણ અપાવવા ઉપરાંત અન્ય યોજનાના પણ લાભ સમજાવતા બાકીદારો ધીમે ધીમે નાણાં ભરતા થઈ જતા તારપરાનો ડંકો આખા વિસ્તારમાં અને જિલ્લા બેંકમાં વાગ્યો હતો. વલ્લભ પટેલ ઉપર તેમના જ ગામની મંડળીમાં અવિશ્વાસની દરખાસ્ત આવતા તેના સમાધાન માટે તારપરાને રાતોરાત બદલી જામકંડોરણાથી કોલીથળ કરવામાં આવી હતી. આ મામલો પણ તેમણે શિફ્ટથી ઉકેલી આપ્યો હતો. ૧૯૭૦ સુધીમાં જામકંડોરણા વિસ્તારમાં કુલ થાપણ ૪.૬૯ લાખની બેંકમાં માંડ જમા થઈ હતી. જેમાં તેમણે એક જ વર્ષમાં ૫.૨૩ લાખ ઉમેરી આપ્યા હતા. બાદમાં તેમને બેંકના મેનેજર અને ત્યારબાદ જનરલ મેનેજર બનાવાયા હતા. જ્યાં ૨૮-૨-૨૦૦૧માં નિવૃત થયા છતાં તેમને હજુ આ પોસ્ટ ઉપર ખાસ કિસ્સામાં ઓર્ડર મેળવીને છેલ્લા ૧૩મા વર્ષથી ચાલુ રખાયા છે. મુળ સુરેન્દ્રનગર જિલ્લાના ખારવાડા ગામના વતની એવા તારપરાએ ૪૯ વર્ષની નોકરીમાં તેમને મળેલી ૩૧૮૫ રજામાંથી માંડ ૬૫ રજા ભોગવી છે.