રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા 2024 વિશેષ
Written By
Last Modified: સોમવાર, 11 માર્ચ 2024 (09:18 IST)

યુસુફ પઠાણ : ગુજરાતના ક્રિકેટરને બંગાળથી લોકસભા ચૂંટણીમાં કેમ ઉતારાયા?

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સભ્ય યુસુફ પઠાણને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીએ બહરમપુર લોકસભા બેઠકથી લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે.
 
મૂળ વડોદરાના યુસુફ પઠાણ અને તેમના ભાઈ ઇરફાન પઠાણ બંને ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી ચૂક્યા છે અને બંને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જોકે યુસુફ પઠાણ હવે લોકસભામાં ચૂંટણી લડીને રાજકારણમાં પદાર્પણ કરવા જઈ રહ્યા છે.
 
સ્વભાવે શર્માળ માનવામાં આવતા યુસુફ પઠાણના નાના ભાઈ ઇરફાન પઠાણે તેમને ટિકિટ મળતા ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, "તમારું ધૈર્ય, દયાળુતા અને કોઈ પણ પદ વગર જરૂરિયાતમંદ લોકોની મદદ અને સેવા સરળતાથી જોઈ શકાય છે. મને વિશ્વાસ છે કે તમે રાજકીય ભૂમિકામાં આવશો તો તે લોકોના રોજિંદા જીવનમાં અંતર લાવી શકશો."
 
યુસુફ પઠાણે ટ્વીટ કરીને મમતા બેનરજીનો આભાર વ્યક્ત કરતાં લખ્યું છે કે, "જનતાના પ્રતિનિધિ તરીકે ગરીબો અને વંચિતોના જીવનને બહેતર બનાવવું, હું આ જ કરવાની આશા રાખું છું."
 
તૃણમૂલ કૉંગ્રેસે રવિવારે પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે, તેમાં યુસુફ પઠાણનું પણ નામ છે. તેમને બહરમપુર બેઠકથી ટિકિટ આપવામાં આવી છે.
 
આ બેઠક લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનો ગઢ માનવામાં આવે છે. જોકે કૉંગ્રેસે હજુ આ બેઠક પરથી અધીર રંજન ચૌધરીની ઉમેદવારી વિશે કંઈ જાહેરાત કરી નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે તેમને ફરીથી આ બેઠક પરથી ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવશે.
 
અધીર રંજન ચૌધરીએ આરોપ લગાવ્યો કે "યુસુફ પઠાણને ટિકિટ આપીને મમતા બેનરજી ભાજપની મદદ કરવા માગે છે."
 
વડોદરાના યુસુફ પઠાણને કેમ બનાવવામાં આવ્યા ઉમેદવાર?
 
બહરમપુર લોકસભા બેઠક, પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લામાં આવે છે, આ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક છે. અહીં લગભગ 52 ટકા વસ્તી મુસ્લિમોની છે.
 
લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી 1999થી જ અહીંથી લોકસભા ચૂંટણી જીતતા આવ્યા છે.
 
અધીર રંજન ચૌધરી અને મમતા બેનરજીમાં અણબનાવ જગજાહેર છે. માનવામાં આવે છે કે બંગાળમાં કૉંગ્રેસ ને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન ન થવાનું કારણ અધીર રંજન ચૌધરી જ છે.
 
હાલમાં જ અધીર રંજન ચૌધરીએ તૃણમૂલ કૉંગ્રેસ અને મમતા બેનરજી વિરુદ્ધ કેટલાક ઉશ્કેરણીજનક ભાષણ કર્યાં છે. તેઓ રાજ્યની કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠાવતા રહ્યા છે.
 
માનવામાં આવે છે કે અધીર રંજન ચૌધરીને હરાવવા માટે મમતા બેનરજીએ યુસુફ પઠાણ પર દાવ રમ્યો છે. યુસુફ પઠાણ ગુજરાતના રહેવાસી છે.
 
તેઓ લાંબા સમય સુધી ભારતની રાષ્ટ્રીય ટીમ માટે રમ્યા છે. તેઓ આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમી ચૂક્યા છે. તેમના ભાઈ ઇરફાન પઠાણ પણ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી છે.
 
ભારતીય ક્રિકેટમાં વડોદરાના પઠાણ ભાઈઓ
 
યુસુફ પઠાણ અને તેમના ભાઈ ઇરફાન પઠાણ ભારત માટે ક્રિકેટ રમી ચૂક્યા છે. તેઓ પઠાણ બંધુઓની જોડી તરીકે ઓળખાય છે.
 
આની પહેલાં અમરનાથ બંધુઓ તરીકે મોહિન્દર અમરનાથ અને સુરેન્દ્ર અમરનાશ ભારત માટે રમ્યા તો વડોદરાના જ પંડ્યા ભાઈઓ એટલે કે હાર્દિક પંડ્યા અને રાહુલ પંડ્યા પણ ભારત માટે રમી ચૂક્યા છે.
 
એક તરફ જ્યાં ઇરફાન પઠાણ સ્ટાઇલિશ ક્રિકેટર રહ્યા છે તો યુસુફ પઠાણ શર્માળ સ્વભાવના છે. તેઓ ખૂબ જ સંતુલિત જવાબ આપતા હોય છે.
 
આમ તો યુસુફ પઠાણ ક્યારેય કોઈ વિવાદમાં નથી પડ્યા અને પોતાની શાનદારી ઇનિંગ્સ કે પછી ટીમના વિજય પર તેઓ જોરદાર રીતે ખુશી વ્યક્ત કરતા જોવા નથી મળ્યા.
 
યુસુફ પઠાણ એ ખેલાડીઓમાં સામેલ છે જેમણે 2011માં વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટ જીત્યા પછી સચીન તેંડુલકરને પોતાના ખભા પર ઉપાડી લીધા હતા અને તે સમયને તેઓ પોતાના જીવનની સૌથી ભાવુક પળ માને છે.
 
તેમણે 2021માં ક્રિકેટનાં બધાં જ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારત માટે 57 નવ ડે અને 22 ટી20 આંતરરાષ્ટ્રીય મૅચ રમનાર યુસુફ પઠાણ ટી20 વિશ્વકપ અને વન ડે વિશ્વકપમાં વિજય મેળવનાર ટીમનો ભાગ હતા.
 
હાર્ડ હિટિંગ બૅટ્સમૅન તરીકે ઓળખાતા યુસુફ પઠાણે 1999-2000માં વિજય મરચન્ટ ટ્રૉફીમાં બરોડા અંડર 16 ટીમમાં રમવાની શરૂઆત કરી હતી. પ્રભાવશાળી પ્રદર્શન બાદ તેઓ બરોડા અંડર-19 અને વેસ્ટ ઝોન અંડર-19 ટીમમાં પણ રમ્યા હતા.
 
તેઓ 2001-2002માં સૌરાષ્ટ્ર સામે રણજી ટ્રૉફીમાં રમ્યા પણ 2004-05ની સીઝન સુધી તેઓ બરોડાની ટીમમાં સ્થાયી રીતે જગ્યા નહોતા બનાવી શક્યા. એ દરમિયાન તેમના નાના ભાઈ ઇરફાન પઠાણ રાષ્ટ્રીય સ્તરે રમવા લાગ્યા હતા.
 
ઝડપથી રન બનાવવાની ક્ષમતાને કારણે તેમણે 2006-07 રણજી ટ્રૉફીમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા અને દેઓધર ટ્રૉફી તથા ઘરેલુ ટી-20 ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનને પગલે તેમના માટે ભારતીય ટીમના દરવાજા ખૂલી ગયા હતા.
 
તેમણે 2007માં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત રમાઈ રહેલી વર્લ્ડ ટી20માં પહેલી વાર ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું.
 
2008 આઈપીએલમાં રાજસ્થાન રૉયલ્સ માટે ચાર અર્ધસદી સાથે 179ના સ્ટ્રાઇક રેટ સાથે 435 રન બનાવનાર યુસુફ પઠાણને ભારતીય ટીમમાં બાંગ્લાદેશમાં વનડે સિરીઝમાં રમવાનો મોકો મળ્યો. ત્યાંથી ભારતીય ટીમ માટે તેમની વનડે કૅરિયરની શરૂઆત થઈ હતી.
 
તેમની વનડે કૅરિયરમાં 2010માં ન્યૂઝીલૅન્ડ સામેની મૅચ યાદગાર બની ગઈ હતી જેમાં તેમણે ભારતીય ટીમને 316 રનનું લક્ષ્ય હાંસલ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
 
યુસુફે વર્ષ 2012માં ભારત માટે અંતિમ મૅચ રમી હતી.
 
જ્યારે યુસુફ પઠાણ પર લાગ્યો પ્રતિબંધ
 
યુસુફ પઠાણને 2017માં ડોપિંગના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ડોપિંગના ટેસ્ટમાં ફેઇલ થવાને કારણે 2018માં બીસીસીઆઈએ તેમના પર પાંચ મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો.
 
જોકે યુસુફ પઠાણે પોતાના બચાવમાં કહ્યું હતું કે તેમણે પ્રતિબંધિત દવાઓ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (યુઆરટીઆઈ)ની સારવાર માટે લીધી હતી અને તેમનો ઉપયોગ પ્રદર્શનને ઉત્કૃષ્ટ બનાવવા માટે નહોતો કર્યો.
 
ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ તેમણે આપેલા નિવેદન પર સંતુષ્ટિ વ્યક્ત કરી હતી અને બીસીસીઆઈના નિયમો અનુસાર તેમના પર લાગેલા પ્રતિબંધની સમય મર્યાદા ગત વર્ષ (15 ઑગસ્ટ 2017)થી ગણી હતી અને જાન્યુઆરી 2018માં આપેલા પોતાના નિર્ણય અનુસાર તેમના પર 14 જાન્યુઆરી 2018 સુધી જ આ પ્રતિબંધ લાગુ રાખ્યો હતો.
 
બીસીસીઆઈએ કહ્યું હતું કે યુસુફ પઠાણે ગેરઇરાદાપૂર્વક પ્રતિબંધિત પદાર્થ લીધા જે સામાન્ય રીતે કફ સિપરમાં મળી આવે છે.
 
યુસુફ પઠાણની ઉમેદવારી પર શું બોલ્યા અધીર રંજન ચૌધરી
 
અધીર રંજન ચૌધરીએ મમતા બેનરજીના આ નિર્ણય પર પ્રશ્ન કર્યો કે તેઓ બહારની કોઈ વ્યક્તિને ચૂંટણીમાં ઉતારી રહ્યાં છે.
 
તેમણે કહ્યું કે, "જો ટીએમસી યુસુફ પઠાણને સન્માનિત કરવા માગે છે તો તેમને રાજ્યસભામાં સભ્ય બનાવી શક્યાં હોત. તેમાં પણ બહારના લોકોને રાજ્યસભા સાંસદ બનાવાયા હતા."
 
"જો મમતા બેનરજીના યુસુફ પઠાણ વિશે કોઈ સારા વિચાર હોત તો ગુજરાતમાં ગઠબંધનની એક બેઠક માગી લેત."
 
"પરંતુ તેમને અહીં એટલે મોકલવામાં આવ્યાં કારણ કે આમ લોકોમાં ધ્રવીકરણ થાય, ભાજપને મદદ મળે અને કૉંગ્રેસ પાર્ટી હારે."
 
તેમણે મમતા બેનરજીની મંશા પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું, "તેઓ પોતે ઇન્ડિયા ગઠબંધનનાં એક પ્રવક્તાના રૂપમાં થોડી દિવસ પહેલાં ઓળખાતાં હતાં. મમતા બેનરજીને ભય છે કે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થવાથી મોદીજી સામે પડકારનો સામનો કરવો પડશે, કારણ કે મોદીજી ઈડી સીબીઆઈને ઘરે મોકલી દેશે. માદીજીના આદેશ પર ઈડી અને સીબીઆઈ ટીએમસી સભ્યોના ઘર-ઘરે જવા લાગે તો ટીએમસી પાર્ટી ખતરામાં પડી જશે."
 
તેમણે આરોપ લગાવ્યો કે, "મોદીને નારાજ ન કરવા માટે તેઓ ગઠબંધનથી પોતાને અલગ કરવા માગે છે."