1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: બુધવાર, 27 માર્ચ 2019 (12:32 IST)

લોકસભા ચૂંટણી 2019- ચૂંટણી ન લડી શકું તે માટે સરકાર મુદતો માગી રહી છે : હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલની લોકસભા ચૂંટણી લડવા માટેની રિટમાં આજની સુનાવણીમાં પણ સરકારે મુદ્દતની માગણી કરતા હાર્દિક તરફથી આક્ષેપ કરવામાં આવ્યો હતો તે ચૂંટણી ન લડી શકે તે માટે સરકાર મુદ્દતો માગી રહી છે. રાજ્ય સરકારને એક દિવસનો સમય આપી હાઇકોર્ટે વધુ સુનાવણી આવતીકાલ એટલે કે ૨૭મી માર્ચ પર મુકરર કરી છે. કેસની સમયસર સુનાવણી નહીં થાય તો તે ચૂંટણી લડવા માટે સુપ્રીમમાં અરજી કરશે તેવી રજૂઆત પણ આજે હાર્દિક દ્વારા કરવામાં આવી છે.
વિસનગર તોડફોડ અને હિંસા કેસમાં સેશન્સ કોર્ટે હાર્દિકને બે વર્ષની સજા ફરમાવી છે. ઉપરાંત હાઇકોર્ટે તેની સજા પર સ્ટે મૂક્યો છે પરંતુ તેને દોષિત ઠરાવતા ચુકાદા અંગે કોઇ નિર્ણય લીધો નથી. તેથી હાર્દિકની રજૂઆત છે કે તે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવા માગે છે, પરંતુ તેને દોષિત ઠરાવતા ચુકાદા પર સ્ટે ન હોવાથી તે લોકસભા ઉમેદવાર તરીકે ગેરલાયક ઠરે તેવી પરિસ્થિતિ છે. તેથી તે ચૂંટણી લડી શક તે માટે વિસનગર કોર્ટના આદેશ પર સ્ટે મૂકાવો જોઇએ.
રાજ્ય સરકાર તરફથી આજની સુનાવણીમાં રજૂઆત કરાઇ હતી કે હતી કે હાર્દિકની રિટમાં સરકાર પક્ષે રજૂઆત કરનારા મુખ્ય સરકારી વકીલ હાલ મહત્વના અન્ય કેસની સુનાવણીમાં વ્યસ્ત છે, તેથી હાઇકોર્ટે વધુ એક દિવસનો સમય આપવો જોઇએ. ઉપરાંત સરકારનો આક્ષેપ છે કે હાર્દિક વિરૃધ્ધ ૨૭ જેટલી એપ.આઇ.આર. નોંધાઇ છે ઉપરાંત તેની સામે રાજદ્રોહ સહિતના ૨૦થી પણ વધુ કેસ ચાલી રહ્યા છે. તેથી તેને લોકસભા ચૂંટણી લડવાની પરવાનગી મળે તે યોગ્ય નથી.
સુનાવણી દરમિયાન હાર્દિક તરફથી આક્ષેપ કરાયો હતો કે ૨૮મી તારીખથી લોકસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ થશે. છેલ્લાં ઘણાં સમયથી સરકાર આ કેસમાં દર વખતે મુદ્દતો માગી રહી છે. તે લોકસભા ચૂંટણી ન લડી શકે તે માટે સરકાર સુનાવણી પાછળ ઠેલી રહી છે. પોલીસ ફરિયાદ મુદ્દે હાર્દિકની રજૂઆત છે કે તેના વિરૃધ્ધની પોલીસ ફરિયાદો રાજકીય બદઇરાદાથી નોંધાઇ છે.
૨૩ જુલાઈ, ૨૦૧૫ના રોજ પાંચ હજારથી વધુ લોકોએ પાટીદાર અનામતની માગણી સાથે વિસનગરમાં રેલી કાઢી હતી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ કેટલાંક લોકોના ટોળાએ ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડી હતી અને સ્થાનિક પત્રકારને પણ નુકસાન કર્યું હતું. ગત ૨૫મી જુલાઈએ વિસનગર સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને બે વર્ષની સામાન્ય સજા અને રૃપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.