ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 30 નવેમ્બર 2021 (15:53 IST)

ઓમિક્રૉન: કેન્દ્રનો માસ્ટર પ્લાન : કોરોનાની ત્રીજી લહેર માટે ભારત કેટલું તૈયાર અને શું કરવાની જરૂર છે?

ઓમિક્રૉન વૅરિયન્ટના આવ્યા બાદ ફરી ચર્ચા થઈ રહી છે કે કોરાનાની ત્રીજી લહેર આવે તો એ માટે ભારત કેટલું તૈયાર છે? અને એના માટે કયાં-કયાં પગલાં લેવાની જરૂર છે? આ અંગે મહામારીનિષ્ણાત ચંદ્રકાન્ત લહરિયા જાણકારી આપે છે.
 
'મહામારી સમાપ્ત થઈ ગઈ છે', એવું વિચારવા બદલ ઉત્તર ભારતનાં રાજ્યોનો પ્રવાસ ખેડી રહેલી કોઈ પણ વ્યક્તિને માફ કરી શકાય.
 
નાનાં શહેરોના કેટલાક લોકો માસ્ક પહેરે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે તથા એમની સામાન્ય વાતચીતમાં કોવિડ-19નો મુદ્દો ભાગ્યે જ વિષય હોય છે.
 
અહીં કોરોના વાઇરસ માટેની ચેતવણી માત્ર પોસ્ટર્સ અને બિલબોર્ડ્સમાં જ જોવા મળે છે, જેમાં વાઇરસ સામે લડવા માટે રાજનેતાઓનો આભાર માનવામાં આવ્યો છે.
 
દેશની રાજધાની દિલ્હીમાં મોટા ભાગે માસ્ક પહેરીને બહાર નીકળતા લોકો જોવા મળશે, કેમ કે અહીં નિયમ બનાવી દેવાયા છે; પરંતુ ફરી શહેરોનાં બજારોમાં ભીડ થવા માંડી છે, રેસ્ટૉરાં ભરેલાં છે.
 
કોરોનાના સતત ઘટી રહેલા કેસ (ભારતમાં દરરોજના લગભગ 10,000ની આસપાસ નવા કોવિડ કેસ નોંધાઈ રહ્યા છે.) અને રસીકરણની દેખાતી ઝડપને કારણે (પુખ્તવયની 94 કરોડની વસતીમાંથી 80% લોકોએ ઓછામાં ઓછો વૅક્સિનનો એક ડોઝ લીધો છે) એવું લાગે છે કે આ વર્ષના એપ્રિલ અને મે મહિનામાં આવેલી બીજી લહેરની ભયાનક યાદો ધૂંધળી થઈ રહી છે.
 
સચ્ચાઈ તો એ છે કે મહામારી હજુ પૂરી નથી થઈ. યુરોપમાં ફરી કેસ વધી રહ્યા છે, જેના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું કે 'આ ચિંતાજનક છે'.
 
નવા વૅરિયન્ટ B.1.1.529ને WHOએ 'ઓમિક્રૉન' નામ આપ્યું છે, એ ચિંતાનું બીજું કારણ છે. જોકે, આ વૅરિયન્ટ કેટલો ખતરનાક છે એ વિષયક સંશોધનની જરૂર છે.
 
તો હવે એ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો બની જાય છે કે શું કોવિડ-19ની ત્રીજી લહેર આવવાની છે? જો એવું થાય તો ભારત કેટલું તૈયાર છે?
 
સંક્રમણના કેસની બાબતે ભારતમાં કદાચ વધુ ઝડપ જોવા ન મળે, કેમ કે સંશોધનો જણાવે છે કે વર્તમાન સમયે હાવી થયેલા ડેલ્ટા વૅરિયન્ટ સામે લડવા માટે જરૂરી ઍન્ટિબૉડીઝ મોટા ભાગના ભારતીયોમાં મોજૂદ છે અને દરેક ચોથા-પાંચમા પુખ્તવયના વ્યક્તિનું આંશિકરૂપે રસીકરણ થયું છે.
 
પણ, ખુશ થવા માટે આટલું કાફી નથી.
 
તાજેતરમાં જ કેટલાંક રાજ્યોમાં ડેન્ગ્યુ વાઇરસ ફેલાવાના લીધે ભારતીય આરોગ્યવ્યવસ્થાની પોલ ખૂલી ગઈ હતી. એણે દર્શાવી દીધું કે સતત ઊભરતી જતી બીમારીઓ સામે લડવા માટે સિસ્ટમ પૂરતી તૈયાર નથી.
 
અને એ જ સમસ્યા છે. 2020ની શરૂઆતમાં જ્યારે મહામારી ભારતમાં પ્રવેશી ત્યારે આશા વ્યક્ત કરાઈ કે કડક રીતે અમલ કરાયેલું લૉકડાઉન સરકારને ઓછા સ્ટાફવાળી સાર્વજનિક આરોગ્યવ્યવસ્થાને મજબૂત કરવાની તક પૂરી પાડશે.
 
સરકારી નીતિ
એક વર્ષ વીતી ગયું, કોવિડની બીજી લહેરે ભારતને બરબાદ કરી નાખ્યું. એ દરમિયાન હૉસ્પિટલોમાં બેડ, દવાઓ અને ઑક્સિજનની અછતને દુનિયા આખીએ જોઈ.
 
અસમાન ઇન્સ્યૉરન્સ કવરેજ સાથેનાં મેડિકલ બિલ પણ જોવા મળ્યાં અને એને ચૂકવવા માટે લોકોએ પૈસા પણ ઉધાર લેવા પડ્યા અથવા પોતાની સંપત્તિ વેચવી પડી.
 
એ પછી જુલાઈ 2021માં સરકારે કોવિડ-19ના બીજા પૅકેજની જાહેરાત કરી, જેથી આરોગ્યવ્યવસ્થાના માળખાને મજબૂત કરી શકાય; પણ કેટલાક લોકો એમ કહેતા હતા કે આ રકમ ઘણી ઓછી છે અને સરકારી પ્રતિક્રિયામાં કોઈ ઝડપ જોવા નથી મળતી.
 
ભારતની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિની જાહેરાત 2017માં કરવામાં આવી હતી. જેમાં 2025 સુધી સરકારનો આરોગ્ય સુવિધા માટેનો ખર્ચ કુલ જીડીપીના 2.5% સુધી વધારવાનો પ્રસ્તાવ કરાયો હતો, પરંતુ એ પછી એમાં ઘણો ઓછો વધારો જોવા મળ્યો છે.
 
2022ના નાણાકીય વર્ષના અંત સુધીમાં જીડીપીના 1.3% જ ખર્ચ કરવાનું સરકારનું લક્ષ્ય રખાયું અને એ સ્પષ્ટરૂપે લક્ષ્ય પૂર્ણ કરતું નથી દેખાતું.
 
સરકાર અવારનવાર દાવા કરતી રહી છે કે એમની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના દુનિયાની સૌથી મોટી જાહેર સ્વાસ્થ્ય વીમાયોજનાઓમાંથી એક છે, પણ ઘણા ન્યૂઝ રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે એ યોજના એવા બહુ ઓછા લોકોની મદદ કરી રહી છે, જેમને એની અત્યંત જરૂર છે.
 
પડકાર આના કરતાં ઘણો મોટો છે અને એ મહામારી પછી પણ ઊભો રહેશે.
 
જ્યારે સૌથી વધારે આરોગ્યકેન્દ્રો કોવિડ-19 સામે લડવા માટે સક્રિય અને કેન્દ્રિત હતાં ત્યારે બીજી સેવાઓ પર અસર પડી. આ કારણોમાંનું એક કારણ એ છે કે ભારતનાં રાજ્યોને ડેન્ગ્યુના કેસ સામે લડવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો.
 
WHOએ ઑક્ટોબરમાં કહેલું કે મહામારીએ 'ટીબી વિરુદ્ધની લડાઈની વૈશ્વિક પ્રગતિને વર્ષો પાછળ ધકેલી દીધી', કેમ કે સારવાર માટે લોકોએ સંઘર્ષ કરવો પડ્યો છે.
 
WHO એમ કહેતું હતું કે 2019-2020 દરમિયાન વિશ્વભરના કુલ કેસમાં જે ઘટાડો જોવા મળ્યો એમાંના 41% તો એકલા ભારતમાં જ હતા.
 
બિનચેપી રોગ સામે લડી રહેલા લોકોને પણ સારવાર મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
 
 
હવે ભારતે શું કરવું જોઈએ?
સરકારે પહેલું કામ તો નિષ્ણાતોના આયોગની રચના કરવાનું કરવું જોઈએ, જે મહામારીનો સામનો કરવા કરાયેલાં કામોનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરે.
 
બીજું કામ એ છે કે ભારતને બીજી વાર એવો વાયદો કરવો જોઈએ કે એણે પોતાની આરોગ્ય-વ્યવસ્થાને મજબૂત કરવાની જરૂર છે, આવનારાં પાંચ વર્ષ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારો જો આ વાયદા અનુસાર કામ કરે તો દેશ આરોગ્ય-વ્યવસ્થાની બાબતમાં ખૂબ જ મજબૂત બનશે.
 
સરકારે ત્રીજું કામ એ કરવું જોઈએ કે બધા નીતિનિર્માતા, આરોગ્ય અને તકનીકી નિષ્ણાતોને વિજ્ઞાન પ્રસારણમાં એવા પ્રશિક્ષિત કરવા જોઈએ, જેથી ખોટી માહિતીઓ અને ડરને ફેલાતાં રોકી શકાય. ચોથા કામમાં, ભારતની પ્રાથમિક આરોગ્ય સેવાઓને મહામારીના નિવારણ માટે તૈયાર કરવી જોઈએ.
 
પાંચમા કામમાં, ભારતનાં સ્વાસ્થ્ય કાર્યાલયોમાં બધા સ્તરે ખાલી પડેલાં પદો પર તરત જ ભરતી કરવાની જરૂર છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જરૂરિયાતના આધારે એક વિસ્તૃત યોજના ઘડી કાઢવાની પણ જરૂર છે તથા એ સ્થળોને મહત્ત્વ આપવામાં આવે જ્યાં આરોગ્યકર્મીઓની સૌથી વધુ જરૂર છે.