સુપ્રીમ કોર્ટની નોટિસ બાદ ‘ભ્રામક જાહેરાત’ મામલે રામદેવની પતંજલિએ બિનશરતી માફી માગી
પતંજલિ આયુર્વેદે સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાત મામલે કોર્ટ સમક્ષ આપેલા વચનના ભંગ બાદ બિનશરતી માફી માગી હતી.
કોર્ટે પૂછ્યું હતું કે પતંજલિ આયુર્વેદ જણાવે કે તેમની સામે અદાલતની અવમાનના બદલ કાર્યવાહી કેમ ન કરાય?
નોંધનીય છે કે ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઇએમએ)એ કંપની સામે ઍલૉપથીની ટીકા કરતાં નિવેદનો બદલ અને ડ્રગ્સ ઍન્ડ મૅજિક રેમેડિઝ (ઑબ્જેક્શનેબલ ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ) ઍક્ટ, 1954ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
21 નવેમ્બર, 2023ના રોજ પતંજલિએ સુપ્રીમ કોર્ટ સમક્ષ બાંયધરી આપી હતી કે, “તેઓ ઔષધીય અસરોનો દાવો કરવા કે ચિકિત્સાની કોઈ પણ શાખા વિરુદ્ધ કોઈ અનૌપચારિક નિવેદનો નહીં કરે.”
જોકે, અદાલતને ધ્યાને આવ્યું હતું કે 4 ડિસેમ્બરના રોજ ફરીથી કંપની દ્વારા આ પ્રકારની જાહેરાત બહાર પડાઈ હતી.
જેના કારણે સુપ્રીમ કોર્ટે આની ગંભીર નોંધ લેતા કંપનીના મૅનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ અને રામદેવને 19 માર્ચના રોજ હાજર રહેવા જણાવ્યું હતું. બાદમાં આચાર્ય બાલકૃષ્ણે પોતાના સોગંદનામામાં બિનશરતી માફી માગવાની સાથે કહ્યું હતું કે, “તેમને આ પ્રકારની જાહેરાત છપાઈ તેનું દુ:ખ છે, તેમાં માત્ર સામાન્ય નિવેદનો જ જવાનાં હતાં, પરંતુ પ્રામાણિકપણે થયેલી ભૂલને કારણે તેમાં આ પ્રકારનાં નિવેદનો જાહેરાતમાં ગયાં છે.”