1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 31 માર્ચ 2024 (13:32 IST)

અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં દિલ્હીમાં ‘લોકશાહી બચાવો’ રેલી,

india
તાનાશાહી’ અને ‘લોકશાહીનું ગળું દબાવવાની’ પ્રક્રિયાના વિરોધમાં એકજૂથ થઈને વિરોધ કરવા માટે ઈન્ડિયા ગઠબંધન આજે રવિવાર 31 માર્ચના દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં એક રેલીનું આયોજન કરી રહ્યું છે.
 
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે શનિવાર 30 માર્ચે જણાવ્યું હતું કે, રેલીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. (દિલ્હી દારૂ નીતિમાં કથિત કૌંભાડના આરોપમાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ વિરોધ પક્ષોની આ પ્રથમ રેલી છે.
 
આ રેલીમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ ઉપરાંત શિવસેના (યૂબીટી), સમાજવાદી પાર્ટી, એનસીપી (શરદ પવાર), તૃણમૂલ કૉંગ્રેસ, ઝારખંડ મુક્તિ મોરચા અને ડીએમકેના નેતાઓ સામેલ થશે.
 
જયરામ રમેશે જણાવ્યું હતું, "આ લોકશાહી બચાવો રેલી છે. આ રેલી દેશમાં મોંઘવારી, બેરોજગારી અને વધતા આર્થિક અસંતુલનના વિરોધમાં છે. આ રેલી વિરોધપક્ષોના નેતાઓને ધરપકડ કરીને નિશાન બનાવવાના મુદ્દે પણ સવાલ કરશે."
 
આ રેલી અગાઉ શનિવારે ઝારખંડ મુક્તિ મોરચા અને ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેને કેજરીવાલનાં પત્ની સાથે મુલાકાત કરી હતી.
 
તેમણે રવિવારની રેલીમાં ભાગ લેવાનું વચન આપીને કહ્યું કે, દિલ્હીમાં પણ ઝારખંડ જેવી જ સ્થિતિનું નિર્માણ થયું છે અને ઍજન્સીઓના દુરુપયોગ સામે લડાઈમાં સાથે હોવાની ખાતરી આપી હતી. 

 
ગત રવિવારે 23 માર્ચના રોજ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ યોજીને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડની નિંદા કરી હતી અને રેલીનું એલાન કર્યું હતું.
 
પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે કહ્યું હતું કે, “જે રીતે દેશના વડા પ્રધાન એક તાનાશાહની માફક વર્તી રહ્યા છે અને લોકશાહીનું હનન કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલની ધરપકડથી દેશમાં જે લોકો લોકશાહીને ચાહે છે એ બધા લોકો ગુસ્સામાં છે. માત્ર અરવિંદ કેજરીવાલની વાત નથી પણ જે રીતે દેશમાં વિપક્ષને કચડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ઍજન્સીઓના ઉપયોગથી લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં આ રેલી છે.”
 
દિલ્હી કૉંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પણ કહ્યું હતું કે, “અમારા નેતા રાહુલ ગાંધી પણ લોકશાહી બચાવવા માટે લડી રહ્યા છે અને જ્યારે લોકશાહી સામે આ પ્રકારનો પડકાર ઉભો થયો છે ત્યારે કૉંગ્રેસ પક્ષ વિરોધપ્રદર્શન કર્યા વગર બેસી રહે તેવું શક્ય નથી.”
 
તેમણે કહ્યું હતું કે, “આ ખૂબ મોટી રેલી હશે, આ માત્ર રાજકીય રેલી નથી પણ આ રેલીમાં દેશની લોકશાહી પર ઝળૂંબી રહેલા ખતરાની ચર્ચા થશે.”
 
અહીં ઉલ્લેખનીય છે કે આ રેલી માટે ચૂંટણીપંચ અને પોલીસની મંજૂરી પણ મળી ગઈ છે.
 
ક્યા મોટા નેતાઓ સામેલ થશે?
સમાચાર ઍજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના તમામ મોટા નેતાઓ આ રેલીમાં સામેલ થશે.
 
તેમના જણાવ્યા અનુસાર, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, ફારૂખ અબ્દુલ્લાહ, ભગવંત માન, ચંપઈ સોરેન, કલ્પના સોરેન, તેજસ્વી યાદવ, સીતારામ યેચુરી જેવા નેતાઓ આ રેલીમાં સામેલ થવાના છે.
 
તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મમતા બેનરજી આ રેલીમાં સામેલ નહીં થાય પરંતુ પક્ષના બે સાંસદો ડૅરેક ઓ’ બ્રાયન અને સાગરિકા ઘોષ આ રેલીમાં સામેલ થશે. તૃણમૂલ કૉંગ્રેસના નેતા શશિ પાંજાએ આ માહિતી આપી હતી.
 
આ રેલીનું નામ ‘તાનાશાહી હઠાવો, લોકતંત્ર બચાવો’ રાખવામાં આવ્યું છે.
 
આ રેલી વિશેની એક પત્રકાર પરિષદને સંબોધતા કૉંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે કૉંગ્રેસના અનેક સીનીયર નેતાઓ સાથે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ આ રેલીમાં સામેલ થશે.
 
જયરામ રમેશે આ ગઠબંધનને ઇન્ડિયા જનબંધન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ રેલીમાં 27-28 પક્ષોના નેતાઓ સામેલ થશે.