શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શનિવાર, 27 ઑગસ્ટ 2016 (17:03 IST)

ગુજરાતમાં લાંબા ગાળા બાદ પીએમ મોદી સભા સંબોધશે, સૌરાષ્ટ્રમાં સૌની યોજના લોન્ચ કરશે

ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ગેરહાજરી દરમિયાન પાટીદાર આંદોલન અને દલિત આંદોલન સહિત અનેક વિવાદો સર્જાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ભાજપને ભારે ફટકો પડ્યો હતો. ત્યારે આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ધોવાણને અટકાવવા નરેન્દ્ર મોદીની આ જાહેરસભા સમગ્ર ગુજરાત ભાજપ માટે એક દિશા આપનારી બનશે. નરેન્દ્ર મોદીએ ગત તારીખ 26 મે, 2014ના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા, ત્યાર બાદ તેઓ ગુજરાત આવ્યા હતા પરંતુ ગુજરાતની જનતાને સંબોધન કર્યું નહોતું. અગાઉ નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે અમદાવાદના ત્રિમૂર્તિ મંદિર ખાતે યોજાયેલા ભાજપના એક સંમેલનમાં આવ્યા હતા ત્યાર બાદ ભૂજમાં ડીજી કોન્ફ્રન્સમાં આવ્યા હતા. તાજેતરમાં જ પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા માટે સાળંગપુર આવ્યા હતા.  ગુજરાતમાં નરેન્દ્ર મોદી ગયા પણ પછી બે વર્ષ સુધી આનંદીબેન પટેલનું શાસન રહ્યું હતું. આનંદીબેન પટેલે એકાએક રાજીનામું આપ્યા બાદ ગુજરાતમાં ભાજપે સૌપ્રથમ વખત નવા મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી પણ બનાવવા પડ્યાં હતાં. છેલ્લા સવા બે વર્ષમાં ગુજરાતમાં ભાજપે અનેક વિવાદો, આંદોલનો અને રાજકીય ખટપટો સાથે શાસન ચલાવવું પડ્યું હતું. ગુજરાત ભાજપમાં માર્ગદર્શક તરીકે આનંદીબેન પટેલ અને અમિત શાહ રહ્યાં હતાં. પરંતુ તેમની આંતરિક લડાઇના કારણે ગુજરાત ભાજપમાં જૂથબંધી ચાલી રહી છે. તે સંજોગોમાં નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન અને સવા બે વર્ષ બાદ જાહેરસભાને સંબોધન ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે પણ દિશાસૂચક બની રહેશે.