શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (14:29 IST)

મહેસાણાથી પાટીદાર આંદોલનનો દોરી સંચાર

અમદાવાદ: સમગ્ર રાજ્યને ધ્રુજાવી દેનારા પાટીદાર અનામત આંદોલનની વાત આવે ત્યારે નજર સામે બે મુખ્ય ચહેરા આવે. એક છે તેજાબી યુવા પાટીદાર અગ્રણી હાર્દિક પટેલ અને બીજા શાંત સ્વભાવના સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી)ના અધ્યક્ષ લાલજી પટેલ વીટીવીના ‘ઓફ ધ રેકોર્ડ’ કાર્યક્રમમાં લાલજી પટેલે પાટીદાર અનામત આંદોલન હાર્દિક પટેલ સાથેના કથિત મતભેદો, આગામી રણનીતિ અને એસપીજીની માગણીઓ અંગે નિખાલસ ચર્ચા કરી હતી.

તેમના કહેવા અનુસાર પાટીદાર સમાજે દરેક કામમાં સરકાર અને સમાજમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો. પરંતુ આ સમાજ પાસે પોતાની રક્ષા માટે કઈ ન હોવાની અને પાટીદારોની મહિલાઓ તેમજ બાળકો અને સમાજ રક્ષણ માટે એક સંસ્થાની રચના કરવામાં આવી જેનું નામ રાખવામાં આવ્યું ‘સરદાર પટેલ ગ્રૂપ’ હાલ આ ગ્રૂપમાં અંદાજે વીસ લાખ જેટલા સક્રિય સભ્યો છે.

પાટીદાર અનામત આંદોલન માટે ઉશ્કેર્યા કોણે તેવા સીધા પ્રશ્નના જવાબમાં લાલજી પટેલે કહ્યું હતું કે, મહેસાણાના વિમલના ચંદુભાઇ, અનિલભાઇ, કાંતિભાઇ સહિત લગભગ બઘા જ ઉદ્યોગપતિઓ અને તમામે તમામ આગેવાનો સાથે રેગ્યુલર મિટિંગો થતી હતી.

‘ઓફ ધ રેકોર્ડ’માં ધારદાર સવાલોના જવાબો આપતાં તેમણે કહ્યું હતું કે, અનામત આંદોલન શરૂ થયું ત્યારથી આજ સુધી અમારો સમાજ જે લેઉવા અને કડવા પાટીદાર તરીકે ઓળખાતો હતો તે હવે પાટીદાર તરીકે પોતાની ઓળખ આપે છે અને સમાજમાં એકતા વધી છે.
હાર્દિક પટેલ સાથે છુટા પડવાની જે વાત બહાર આવી છે તે તમામ વાત પાયા વિહોણી છે. હાર્દિક પહેલેથી જ સરદાર પટેલ ગ્રૂપનો લાઈફ ટાઇમ મેમ્બર છે અને રહેશે તેવું કહીને લાલજી પટેલે બંને વચ્ચે મતભેદ અંગેના વારંવાર થતાં આક્ષેપનો સીધો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે પાટીદાર સમાજ વર્ષોથી સમૃદ્ધ છે પરંતુ સમાજમાં ઘણા બધા લોકો એવા પણ છે જેઓ રોજ કમાઈને રોજ ખાનાર છે,તેવા ગરીબ ભાઈઓ માટે આ અનામત જરૂરી છે.
લાલજી પટેલે જણાવ્યું કે અમે કોઈ દિવસ ૪૯ ટકા અનામતમાંથી માગ નથી કરી, થોડો સમય અમુક જાતિના લોકોને એવી ભ્રમણા હતી પરંતુ અમને સરકાર આપે તો પણ તેમાંથી એક ટકો પણ અનામત ના જોઈએ. બીજા રાજયોમાં જે રીતે ૪૯ ટકા સિવાય વધુ અનામતની જોગવાઈ સરકારે કરી છે તેવી જ જોગવાઈ ગુજરાતના ગરીબ ભાઈઓ માટે કેમ નથી કરતા તે નથી સમજાતું.
સરકાર કોઈની પણ હોય પરંતુ સરકારમાં અને અમારા સમાજમાં અમુક લોકો એવા છે કે તેઓ નથી ઇચ્છતા કે અનામત આંદોલન સમેટાય. અમે સરકાર પાસે જે મુખ્ય ચાર માગો મૂકેલી છે તે માગોને લઈને કોઈ પણ આગેવાન સરકાર પાસે જાય અને જો સરકાર પાસે તેઓ આ માગો પૂરી કરાવી લાવે તો લાલજી પટેલ કે હાર્દિક પટેલને સમાધાન માટે સરકાર પાસે પણ જવું નથી તેવું પણ લાલજી પટેલે જણાવ્યું હતું. આઠ મહિના દરમિયાન પાટીદારોએ ઘણું ગુમાવ્યું છે પરંતુ મને મારા સમાજ પ્રત્યે પૂરો વિશ્વાસ છે મને તેમની એકતામાં વિશ્વાસ છે અને તેને સાથે રાખીને અમે અમારા ગરીબ ભાઈઓ માટે મરતે દમ તક લડીશું અને લડતા રહીશું તેવી ગર્જના પણ લાલજી પટેલે કરી હતી.