શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 3 ફેબ્રુઆરી 2016 (17:04 IST)

હાર્દીકની આજે સુનાવણી

પાટીદાર અનામત આંદોલન દરમિયાન છેલ્લા ત્રણ મહીનાથી જેલમાં બંધ હાર્દિક પટેલ સામે અમદાવાદ અને સુરતમાં થયેલા રાજદ્રોહના કેસ કાઢી નાંખવા માટેની અરજી પર આજે સુપ્રીમ કૉર્ટમાં સુનાવણી થવાની છે. આ સિવાય હાર્દિક મામલે થયેલી હેબિયસ કોર્પસ પિટિશનમાં હાઈકૉર્ટે કરેલા વચગાળાના હુકમને પડકારતી અરજી પર પણ આજે સુપ્રીમ કૉર્ટમાં સુનાવણી થશે.

સુપ્રીમ કૉર્ટમાં રાજદ્રોહ કેસ કાઢી નાંખવાની અરજી પર સુનાવણી થવાની છે, ત્યારે હવે બધાની નજર સુપ્રીના ચુકાદા પર છે. જો સુપ્રીમ કૉર્ટ તેની સામેનો રાજદ્રોહને કેસ કાઢી નાંખે, તો હાર્દિકની જેલમાંથી મુક્તિનો માર્ગ મોકળો થઈ જશે. એ પછી તેની સામે ગુજરાતમાં અન્ય શહેરોમાં નોંધાયેલા નાના-નાના કેસ રહે. આ બધા કેસમાં જામીન મેળવવા સરળ હોવાથી તે બહુ જલ્દી કાનૂની પ્રક્રિયા પૂરી કરીને જેલમાંથી બહાર આવી શકે.

હાર્દિક પટેલે રાજદ્રોહની કલમ રદ કરવા કરેલી નવેમ્બર, 2215માં અરજીને સુપ્રીમ કૉર્ટે નકારી કાઢી હતી અને તેના બદલે ગુજરાત પોલીસને દોઢ મહિનામાં તપાસ પૂરી કરીને અહેવાલ સોંપવા કહ્યું હતું. સુપ્રીમ કૉર્ટે આ મામલાની સુનાવણી 5 જાન્યુઆરીએ રાખી હતી. ગુજરાત પોલીસ દ્વારા હાર્દિક સામેના ચાર્જશીટ તથા તેની સામેના પુરાવા ધરાવતી સીડી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાઈ હતી.
રાજદ્રોહની કલમ રદ કરવા માટે હાર્દિક દ્વારા કરવામાં આવેલ અરજીની 5 જાન્યુઆરીએ સુપ્રીમ કૉર્ટમાં સુનાવણી હાથ ધરાઇ ત્યારે હાર્દિક પટેલ વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી સિબ્બલે જસ્ટિસ જે.એસ. કેહર અને જસ્ટિસ રોહિન્ટન નરિમાનની બેન્ચ સમક્ષ હાર્દિક વતી દલીલો કરી હતી. હાર્દિક પટેલે સુપ્રીમ કૉર્ટ સમક્ષ એકરાર કર્યો હતો કે, પટેલો માટે અનામત આંદોલન દરમિયાન પોતે કરેલા કેટલાક વિવાદાસ્પદ નિવેદનો મૂર્ખામીભર્યા હતા, પણ હિંસા ફેલાવીને ગુજરાતમાં ચૂંટાયેલી સરકારને ઉથલાવી દેવાનો પોતાનો ક્યારેય કોઈ ઈરાદો નહોતો.

હાર્દિકના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, હાર્દિકનાં કેટલાંક નિવેદનો એવાં હતાં કે, જે મારા અભિપ્રાય મુજબ કરવા યોગ્ય નહોતા અને મૂર્ખામીભર્યા નિવેદનો હતાં. તેના લીધે અમુક કમનસીબ બનાવો બન્યા હતા, પણ ગુજરાતની સરકારને ગેરકાયદેસર રીતે ઉથલાવી દેવાનો હાર્દિકનો ક્યારેય ઈરાદો નહોતો અને હાર્દિક તો માત્ર ગુજરાત સરકારની અનામત નીતિનો વિરોધ જ કરતો હતો.

આ દલીલોના પગલે સુપ્રીમ કૉર્ટે 3 ફેબ્રુઆરીની મુદ્દત પાડી હતી અને હાર્દિક સામેના ચાર્જશીટની ટ્રાન્સલેટેડ કોપી 27મી જાન્યુઆરી સુધી રજૂ કરવા આદેશ કર્યો હતો. સાથે જ સીડીના પાસવર્ડ આપવા પણ જણાવાયું હતું અને ટકોર કરી હતી કે, દેશમાં આગ લગાડવાની અને નુકસાનની ઘટના રોજીંદી બની ગઈ છે. આ કારણે રાજદ્રોહને સગતા કાયદામાં ફેરફાર કરવાની આવશ્યકતા હોવાનો સુપ્રીમને મત દર્શાવ્યો છે.
હાર્દિક પટેલને કામરેજ ચક્કાજામ કેસમાં કૉર્ટે ગઈ કાલે શરતી જામીન આપ્યા હતા. સુરતની કઠોર કૉર્ટે હાર્દિક પટેલને 7.5 હજારના બૉંડ અને દેશ નહીં છોડવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. બીજી તરફ અમદાવાદ મેટ્રો કૉર્ટમાં તપાસ અધિકારી હાજર ન રહેતા સુનાવણી ટળી હતી અને હવે નવમી ફેબ્રુઆરીએ વધુ સુનાવણી યોજાશે. તો સુરત રાજદ્રોહ કેસમાં જામીન અરજી પરની સુનાવણી ગઈ કાલે ટળી હતી અને તેની સુનાવણી આઠમી ફેબ્રુઆરીએ યોજાશે.
ગત 18મી ઓક્ટોબરે સુરતના કામરેજ નેશનલ હાઈ-વે પર ચક્કાજામ કરવાના ગુનામાં હાર્દિક સહિત કેટલાય પાસના કાર્યકરો સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. જે કેસમાં આજે હાર્દિકને રાહત મળી છે. હાર્દિકને એક કેસમાં છૂટકારો મળતાં પાટીદારોને હાર્દિકના છૂટકારાની આશા બંધાઇ છે. ગઈ કાલે ગૃહ રાજ્યમંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલન પૂર્ણ કરવામાં સફળતા મળશે. તેમણે પાટીદારો સામેના કેસ પરત કરવા અંગે પણ વાતચીત કરી હતી. એટલું જ નહીં, તેમણે આંદોલનને સમટેવા માટે મધ્યસ્થીઓ પ્રયાસ કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.
પાટીદારો આંદોલન દરમિયાન ગુજરાતભરમાં પાટીદારો સામે થયેલા હળવા પ્રકારના કેસો પાછા ખેંચવાના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના આદેશ પછી ગઈ કાલે પાટણ જિલ્લામાં 17 કેસો પાછા ખેચવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલે 41માંથી 17 કેસો પાછા ખેંચવામાં આવ્યા હોવાનું જાણાવ્યું હતું. સરકારના આ નિર્ણયને પાટીદારોએ આવકાર્યો છે. પાસ કન્વીનરોએ પણ આ નિર્ણય અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.