શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (12:05 IST)

નર્મદા ડેમમાં એક વરસ ચાલે એટલા પાણીનો સંગ્રહ થયો

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધતા આ સીઝનમાં પ્રથમ વખત ૧૨૧.૧૨ મીટર પર સપાટી પહોંચી છે. જેના કારણે નર્મદા આધારીત વિસ્તારમાં આગામી એક વર્ષ સુધી પીવાનો પાણીનો અને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી આપવાનો પ્રશ્ન ઉકેલાઇ ગયો હોવાનું ડે. સીએમ અને નર્મદા મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા નર્મદા યોજનાના નહેર માળખાના બાકી કામ માટે ત્વરીત લાભ સિંચાઇ યોજના હેઠળ ૨૦૧૮-૧૯ માટે ૭૩૦.૯૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ અને સિંચાઇના મહત્વના પ્રોજેક્ટ માટે ૧૪૮૪ કરોડ રૂપિયાની લોન મંજૂર કરી છે. રાજય સરકાર નર્મદા કેનાલને લગતા તમામ કામ ૨૦૧૯માં પૂર્ણ કરશે. 
નર્મદા યોજનાને માતબર ગ્રાન્ટ ફાળવવા બદલ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનતા નીતિનભાઇએ જણાવ્યું હતું કે, નર્મદા યોજનાની કેન્દ્ર સરકાર દ્વારા અગ્રીમતાના ધોરણે પૂર્ણ કરવા પસંદગી પામેલી દેશની ૯૯ યોજનાઓમાં આ પ્રોજેક્ટની પસંદગી કરાઇ છે. તે ઉપરાંત કેન્દ્ર સરકારની લોંગ ટર્મ ઇરીગેશન ફંડ યોજનામાંથી રૂ.૧૪૮૪.૩૯૧ કરોડની લોન ૬ ટકાના ઓછા વ્યાજ દરથી મંજૂર કરી છે. જેથી નર્મદા યોજનાની કામગીરીમાં વધુ વેગ આવશે. 
આ સપાટી પછી જેટલું પાણી ભરાશે તે દરવાજાના કારણે વધારાનો સંગ્રહ થશે. નર્મદાના કુલ ૨૯ મિલિયન એકર ફૂટ કેચમેન્ટ એરિયાની ક્ષમતા સામે ગુજરાત અને મધ્યપ્રદેશના જળાશયોમાં ૧૩.૪૫ એમએએફ પાણીનો સંગ્રહ થયો છે. જે ગત વર્ષે ૧૫.૭૬ એમએએફ હતો. આ વર્ષે હજુ એક મહિનો વરસાદની સીઝન બાકી છે ત્યારે વધુ પાણીનો જથ્થો આવશે તેવી આશા છે. હાલ સિંચાઇ માટે ૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટપ્પર ડેમમાં ૫૦૦ એમસીએમએફ પાણી નખાયું છે. મચ્છુ ડેમમાં પાણી ભરવાનું કામ શરૂ કરાયું છે અને સુરેન્દ્રનગરમાં પણ ધોળી ધજા ડેમમાં નર્મદાનું પાણી નખાઇ રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.