સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (20:25 IST)

‘કૌશલ્યા’સ્કીલ યુનિવર્સીટી વિધેયક, ૨૦૨૧ વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર

શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે કે, હાલના સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોનું રાજયમાં વિશાળ પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે તેમજ આવનાર સમયમાં પણ પ્રગતિશીલ ગુજરાત  મૂડી રોકાણમાં દેશનું  કેન્દ્ર સ્થાન બનવા જઈ રહ્યું છે.  વૈશ્વિક ક્ષેત્રે વિવિધ સેક્ટરોમાં પણ સતત બદલાતી ટેકનોલોજી અનુરૂપ કુશળ માનવબળની જરૂરીયાત દિવસે દિવસે વધી રહી છે. આવા સંજોગોમાં કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં તાલીમની ગુણવત્તાને વેગ આપવા માટે તેમજ શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે માળખુ તૈયાર કરવા માટે  ‘કૌશલ્યા’સ્કીલ યુનિવર્સીટીની જરૂરીયાત ઉભી થઈ છે. 
 
આજે વિધાનસભા ખાતે ’કૌશલ્યા’સ્કીલ યુનિવર્સીટી વિધેયક, ૨૦૨૧ રજૂ કરતા મંત્રી, બ્રિજેશ મેરજાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી અમારી સરકારે કૌશલ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત તાલીમને વધુને વધુ વેગવંત બનાવવાનો નિર્ધાર કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર એ કૌશલ્ય વિકાસ ક્ષેત્રે જે નવા આયામો હાથ ધર્યા છે એને આગળ વધારવાના ઉદ્દેશ સાથે  રાજયની સ્કીલ ઈકોસિસ્ટમને વધુ સુદ્ઢ કરવાના પ્રયાસો અમે હાથ ધર્યા છે. એટલા માટે જ આ વિધેયક લઇને અમે આવ્યા છીએ.      
 
શ્રમ અને રોજગાર મંત્રી મેરજા એ બીલ ઉપરની ચર્ચામાં જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ, સ્કીલ ઇન્ડિયા મિશનના ભાગ રૂપે ભારતમાં ૪૦ કરોડથી વધુ લોકોને વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવાનું લક્ષ્ય નિર્ધારીત કરેલ છે. દેશના આમિશનના ઉદ્દેશને સાકારીત કરવા રાજયના યુવાધનને કૌશલ્ય બધ્ધ કરવા માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શનથી ગુજરાત રાજ્યના યુવાધનને “કૌશલ્ય સાથે શિક્ષણ” અને “દરેક યુવાનને કૌશલ્ય” મળી રહે તે હેતુ માટે અમદાવાદ ખાતે “કૌશલ્યા” સ્કીલ યુનિવર્સીટીની સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવશે જેનું સંપૂર્ણ સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. 
 
‘કૌશલ્યા’ સ્કીલ યુનિવર્સીટી વર્ટીકલ મોબીલીટીના માધ્યમથી સ્કીલ ડેવલપમેન્ટને ઉચ્ચ શિક્ષણ સાથે જોડાણ કરવામાં એક સેતુનું કામ કરશે. જેના થકી રાજયના યુવાધન માટે પ્રગતિના દ્વાર ઉઘાડશે તથા કારકિર્દીની નવી તકોનું સર્જન કરશે.  “કૌશલ્ય સાથે શિક્ષણ” ના અભિગમથી રાજયના યુવાનો કૌશલ્યક્ષમ થકી  રોજ્ગારક્ષમ બનશે.  રાજયમાં આવનાર સમયમાં ઉભી થનાર કુશળ માનવબળની જરૂરીયાતની સાપેક્ષે કુશળ માનવબળ ઉભું કરી શકાશે. પરીણામે ઉદ્યોગોની ઉત્પાદકતામાં વધારો થશે. 
 
શ્રમ અને રોજગાર મંત્રી, બ્રિજેશ મેરજાએ કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં તાલીમની ગુણવત્તાને વેગ આપવા માટે તેમજ શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે માળખુ તૈયાર થાય તે માટે ‘કૌશલ્યા’સ્કીલ યુનિવર્સીટી વિધેયકને રજુ કર્યં હતું. આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને સી ટુ ડી (સર્ટીફીકેટ ટુ ડિપ્લોમા) તેમજ ડી ટુ ડી (ડિપ્લોમા ટુ ડિગ્રી) થકી મહત્તમ વર્ટીકલ મોબીલીટીના ઉદ્દેશથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને આવરી લઈ સ્કીલ ઈન્ડિયા સાથે સ્કીલ ગુજરાત મિશનને સાકાર કરવાનો રાજ્ય સરકારનો અભિગમ વ્યક્ત કર્યો. 
 
શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું કે ઉદ્યોગોમાં નિરંતર બદલાતી ટેકનોલોજીને અનુરૂપ સ્કીલ ડેવલપમેન્ટના ઉત્પાદન તેમજ સર્વિસક્ષેત્રે નવીનત્તમ અભ્યાસક્રમો બનાવી ઉદ્યોગગૃહોની અગામી સમયમાં કુશળ માનવબળની જરૂરિયાતને પૂર્ણ કરશે અને જે માટે સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે જરૂરી રીસર્ચ કરી દેશના પ્રાથમિક, માધ્યમિક અને સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલ ઉદ્યોગના ઉભરતા વિસ્તારો ઓળખી આગામી સમયમાં સ્કીલની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરવામાં આવશે. જે અનુસંધાને ‘કૌશલ્યા’સ્કીલ યુનિવર્સીટી વિધેયક, ૨૦૨૧ વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર કરાયું હતું.