શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 માર્ચ 2020 (12:43 IST)

ગુજરાતમાં એક વર્ષમાં 1166 બાળકોના ન્યૂમોનિયાથી મૃત્યુ : દેશમાં પાંચમાં સ્થાને

ગુજરાતમાંથી છેલ્લા 1 વર્ષમાં 1166 બાળકોના ન્યુમોનિયાથી મૃત્યુ થયા છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના સૌથી વધુ બાળકોના ન્યુમોનિયાથી મૃત્યુ થતા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પાંચમાં સ્થાને છે. આ ઉપરાંત છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાંથી કુલ 3023 બાળકો ન્યુમોનિયા સામે પોતાનું જીવન ગુમાવી ચૂક્યા છે.ગુજરાતમાંથી નાણાકીય વર્ષ 2016-17માં 520, 2017-18માં 1337 અને 2018-19માં 1166 બાળકોના ન્યુમોનિયાથી મૃત્યુ થયા છે. આમ, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 1 હજારથી વધુ બાળકોના ન્યુમોનિયાથી મૃત્યુ થયા છે. સમગ્ર દેશમાંથી પાંચ વર્ષથી ઓછી ઉંમરના કેટલા બાળકો ન્યુમોનિયાને કારણે પોતાનું જીવન ગુમાવે છે તેવો લોકસભામાં કરવામાં આવેલા સવાલના ઉત્તરમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ ખુલાસો કરાયો છે. વર્ષ 2010-2013ના સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ રિપોર્ટ અનુસાર ન્યુમોનિયા સામે ભારતમાં બાળ મૃત્યુદર 17.1% છે. વર્ષ 2015-16ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4 અનુસાર ભારતમાં શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં બાળકોને ન્યુમોનિયા થવાનું પ્રમાણ વધારે છે. ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રમાણ 2.9% જ્યારે શહેરી વિસ્તારમાં 2.3% છે.  વર્ષ 2018-19માં જે રાજ્યોમાં ન્યુમોનિયાથી બાળકોના સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મધ્ય પ્રદેશ 1977 સાથે મોખરે, પશ્ચિમ બંગાળ 1575 સાથે બીજા અને ઓડિશા 1262 સાથે ત્રીજા સ્થાને છે.છેલ્લા 3  વર્ષની સરેરાશને આધારે ગુજરાતમાંથી પ્રતિ વર્ષે 1007 બાળકોના ન્યુમોનિયાથી મૃત્યુ થયા છે. બીજી તરફ સમગ્ર દેશમાં વર્ષ 2016-17માં 10015, વર્ષ 2017-18માં 16282 અને વર્ષ 2018-19માં 14949 બાળકોએ ન્યુમોનિયા સામે જીવન ગુમાવ્યું છે.