બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (11:38 IST)

નવા વર્ષની શરૂઆતમાં જ અમદાવાદની સિવિલમાં 5 દિવસમાં 14 બાળકોનાં મોત

રાજ્યમાં નવજાત બાળકોના મોતનો સિલિસિલો યથાવત્ત છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના રેકર્ડ મુજબ આ વર્ષની શરૂઆતમાં જ 5 દિવસમાં 14 બાળકોનાં મોત થયા છે. આ બાળકોમાંથી 7નાં જન્મ સિવિલમાં થયા હતા જ્યારે 7 બાળકો અમદાવાદ શહેરની જુદી જુદી હૉસ્પિટલમાં સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજ્યમાં અમદાવાદ અને રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં બાળકોના મોત થવાનો સિલસિલો ડિસેમ્બરથી શરૂ થયો છે.
 
એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 30 દિવસમાં 85 નવજાતશિશુઓ જીવ ગુમાવ્યા છે. છેલ્લાં ત્રણ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં 253 માસુમોના મોત નિપજ્યાં છે.મુખ્યમંત્રીના મતવિસ્તાર રાજકોટમાં પણ એક જ મહિનામાં 134 નવજાત શિશુઓના મોત થયાં છે. જોકે, સત્તાધીશો કહે છે કે અધૂરા માસે જન્મેલા અને ઓછું વજન ધરાવતા શિશુઓનાં મોત પણ થઈ જાય છે.
 
સત્તાવાર આંકડા કહે છેકે, વર્ષ 2019માં ડિસેમ્બરમાં 85 નવજાત શિશુઓના મોત નિપજ્યા હતાં. નવેમ્બરમાં 74 અને ઓકટોબરમાં 94 બાળકોના મૃત્યુ થયા હતાં. ટૂંકમાં છેલ્લા ત્રણ મહિનામાં સિવિલમાં 253 બાળકોએ જીવ ગુમાવ્યાં હતાં. દર મહિને સરેરાશ 84 બાળકો મોતને ભેટી રહ્યાં છે જયારે રોજ ત્રણ બાળકો જીવ ગુમાવે છે. ગુજરાતમાં હજારો બાળકો કુપોષણનો શિકાર છે. 
 
યુનિસેફના વર્ષ 2017ના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 10.1 ટકા બાળકો ઓછા વજન સાથે જન્મે છે. ગર્ભાવસૃથા દરમિયાન માતાને ઓછા પ્રોટિન સાથેનો ખોરાક મળતાં બાળકને ય પ્રોટિનની ઉણપ હોય છે. બાળકોના મૃત્યુ માટે નિયોનેટલ કેર યુનિટમાં ડૉક્ટરોની અપુરતી કાળજી પણ મહત્વનુ કારણ છે. 
 
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આરોગ્ય તંત્રની બેદરકારી અને ગુજરાત સરકારની લોકોની સુખાકારી અને આરોગ્ય અંગે સરકારે દુર્લક્ષ સેવ્યું છે અને માત્ર પોતાની પાર્ટીનો પ્રચાર અને ચુંટણીઓ સિવાય ક્યાય ધ્યાન આપ્યું નથી. ભારત સરકારના તાજેતર માં જ પ્રસિદ્ધ થયેલ નીતિ આયોગના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં 1 લાખ કરતા વધુ તબીબોની જરૂરિયાતની સામે ગુજરાતમાં માત્ર 66944 ડોકટર છે, તબીબી સેવાઓમાં અને આરોગ્યની સુવિધાઓમાં ગુજરાતનો દેશમાં 7મો ક્રમઃ આવે છે જે ગુજરાત મોડેલની પોલ ખોલે છે.