શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 6 માર્ચ 2018 (12:57 IST)

Bhavnagar News - બોટાદમાં જાનૈયાઓની ટ્રક બ્રીજ નીચે ખાબકતાં 25થી વધુના મોત

બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈ જતી ટ્રક નદીના બ્રીજ નીચે ખાબકીને પલટી મારી જતાં  મોટી સંખ્યામાં જાનૈયા દબાઈ જતાં 25થી વધુના મોત થયા હોવાનું 108ના સૂત્રો દ્વારા જાણવા મળે છે. જ્યારે 60થી વધુ જાનૈયા ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનામાં મૃતકોનો આંક વધી શકે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુકીભઠ્ઠ રંઘોળા નદીના પટમાં ટ્રક ઊધી ખાબકતાં જાનૈયામાં સામેલ વરના માતાપિતા અને સગાસંબંધી સહિતના જાનૈયાઓ મોતને ભેટ્યા હતા. ટ્રક પલટવાની ઘટના બનતાં નીચે દબાયેલા અને ઘાયલ થયેલાઓની ચીચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અકસ્માતને પગલે આજુબાજુના લોકો દોડી ગયા હતા

અને બચાવ કામગીરી કરીને દબાયેલાઓને બહાર કાઢ્યા હતા. તો 20થી વધુ મોતને ભેટતા ચારેબાજુ લાશોના ઢગલા થયા હોય તેવી સ્થિતિ બનવા પામી હતી. ભાવનગર જિલ્લાની અને બોટાદ જિલ્લામાંથી 108ની 5 ટીમો ઘટનાસ્થળે પહોંચીને બનાવ કામગીરી કરીને ઘાયલોને સિહોર અને પાલિતાણાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સવારે ટ્રક નાળામાં ખાબકીને ટ્રક નીચે દબાયા હતા તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. જાન સિહોર તાલુકાના આંબલા ગામ નજીક આવેલા અનિડા ગામથી નીકળી હતી. લગ્ન પ્રસંગે ઢસા તરફ જતાં સમયે બનેલી કરુણાતિકાથી ભારે અરેરાટી વ્યાપી છે. જાન ઢસાના ટાકમ ગામે જતી હતી.

રાપ્ત વિગત મુજબ સિંહોર તાલુકાના અનિડા ગામે રહેતા પ્રવીણભાઇ વાઘેલાના પુત્ર વિજયના લગ્ન ટાટમ ગામે નિધાર્યા હોય આજે વહેલી સવારે જાન ટ્રકમાં જવા રવાના થઇ હતી. વરરાજા પણ ટ્રકમાં જ જવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ કાર મગાવી લીધી હતી. અકસ્માતમાં વરરાજાના પિતા પ્રવીણભાઇ અને તેના પત્નીનું મોત થયાનું જાણવા મળે છે.

અકસ્માત ગમખ્વાર હોવાથી અને જાનહાનિ મોટી હોવાથી ઢસા, દામનગર, વલભીપુર, શિહોરની 5થી વધુ એમ્બ્યુલન્સની મદદ લેવાઈ હતી. ઇજાગ્રસ્તોને ટીમબી અને શિહોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચીફ મિનિસ્ટર કાર્યાલય તરફથી ઘટનાની વિગતો મંગવાઈ રહી છે. સરકાર તરફથી કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ હેલ્થ વિભાગ અને હોસ્પિટલ સત્તાવાળાઓને પણ યથા યોગ્ય અને યુદ્ધના ધોરણે મદદ કરવા માટે આદેશ અપાયો છે.