શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ન્યુઝ|
Last Updated : ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (14:19 IST)

સુરતમાં નેશનલ હાઇવે પર ખાડાઓને કારણે મોત નીપજતા હાઇવે ઑથોરિટી સામે કેસ

સુરત જિલ્લાના કરણ ગામ નજીક નેશનલ હાઇવે નંબર-48 પર રસ્તો ખરાબ હોવાથી બાઇક સ્લીપ થતા નીચે પટકાયેલ બાઇક ચાલકના માથા પરથી પાછળથી આવતી ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હતું. આ અકસ્માતને લઈ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ રસ્તા પર ઉતરી આવી નેશનલ હાઇવે જામ કાર દીધો હતો. લગભગ સાડા ત્રણ કલાક સુધી હાઇવે જામ કર્યા બાદ પોલીસ અને હાઇવે ઑથોરિટીના અધિકારીઓની રોડ રિપેરિંગ કરવાની ખાતરી બાદ મામલો થાળે પડ્યો હતો. પોલીસે આ મામલે ટ્રક ચાલકની સાથે સાથે હાઇવે ઑથોરિટીના જવાબદાર અધિકારી અને એજન્સી સામે પણ બેદરકારીપૂર્વક મોત નિપજાવવા બદલ ગુનો નોંધતા ચકચાર મચી ગઇ છે. ગ્રામજનોનો ગુસ્સો આસમાને પહોંચતા પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચી ગ્રામજનો સાથે વાટાઘાટો શરૂ કરી હતી પંરતુ જ્યાં સુધી રોડનું સમારકામ ન થાય અને જવાબદારો સામે પગલાં ન લેવાય ત્યાં સુધી રસ્તો ખુલ્લો ન કરવાની જીદ પકડી હતી. આખરે હાઇવે ઑથોરિટીના અધિકારીઓએ 24 કલાકમાં રસ્તાનું સમારકામ કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. બીજી તરફ વિકાસસિંગ સુભાષસિંગ રાજપૂતની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક ઉપરાંત ખરાબ રોડ માટે જવાબદાર નેશનલ હાઇવે ઑથોરિટીના અધિકારીઓ, કર્મચારીઓ, રોડ બનાવનાર એજન્સી અને રોડનું સમારકામ કરતી એજન્સી સામે ગુનો નોંધ્યો હતો.