શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 મે 2017 (13:28 IST)

Talent is everywhere - અમદાવાદના ”સિંગર વોચમેન”ની એક વીડિયોએ લાઈફ બદલી નાખી

અમદાવાદમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા રતન ગઢવીને કલ્પના પણ નહોતી કે તેના દોસ્તે ઉતારેલો તેનો એક વીડિયો તેને આટલો બધો ફેમસ બનાવી દેશે. ગાવાનો શોખ તો રતનને નાનપણથી જ હતો, પણ સંજોગોએ સાથ ન આપતા તે ક્યારેય પોતાની ટેલેન્ટને દુનિયા સામે લાવી નહોતો શક્યો. પોતાના ગામથી અમદાવાદ આવેલા રતને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી પણ ચાલુ કરી દીધી હતી, પરંતુ તેની અંદરનો ગાયક હજુ પણ જીવતો હતો, એટલું જ નહીં આ દુનિયાને પોતાની ટેલેન્ટ બતાવી દેવા માટે મથતો હતો.

ડ્યૂટી પર હોય ત્યારે પણ રતન ગીતો ગાતો રહેતો હતો. ગુજરાતી ગીત હોય કે પછી હિન્દી સોંગ્સ, રતન એટલી સફાઈથી ગીતો ગાતો કે તે જ્યાં નોકરી કરતો હતો ત્યાંના લોકો પણ તેનું ગાવાનું પસંદ કરતા હતા. એક દિવસ રતનનો વીડિયો તેના એક દોસ્તે બનાવીને સોશિયલ મીડિયામાં મૂકી દીધો. બસ, આ વીડિયોએ રતનની વર્ષો સુધી દબાઈ રહેલી ટેલેન્ટને આખી દુનિયા સામે લાવીને મૂકી દીધી. રતતને પહેલા તો અમદાવાદના રેડિયો સ્ટેશન રેડ એફએમ પર બોલાવાયો, અને આરજે દેવકીએ તેને ઈન્ટ્રોડ્યૂસ કરી તેની પાસે ગીતો ગવડાવ્યા.  . માત્ર 20 વર્ષનો રતન સંગીતની દુનિયામાં આગળ વધવા માટે ગમે તેટલી મહેતન કરવા માટે તૈયાર છે. રતન અત્યાર સુધી પોતાની જાતે જ સિંગિંગ શીખ્યો છે. તે જે પણ સોંગ તૈયાર કરવાનું હોય તેને ધ્યાનથી સાંભળે છે, અને જરુર પડે તો તેની લાઈન્સ પણ લખી નાખે છે. બસ, પછી તેની પ્રેક્ટિસ કરવા લાગે છે અને તેના પર એવી પકડ મેળવી લે છે કે તેના મોઢે તે સોંગ સાંભળો તો એવું જ લાગે કે આ સોંગનો મૂળ ગાયક રતન પોતે જ હશે.રતને એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, રિયાલિટી શોઝ જોઈને તેને પણ તેમાં ભાગ લેવાની ખૂબ જ ઈચ્છા થતી. પરંતુ, કોઈનો સપોર્ટ ન હોવાથી તેનું સપનું ક્યારેય પૂરું નહોતું થઈ શક્યું. નાનકડાં ગામમાં રહેતો રતન સ્કૂલમાં થતાં કાર્યક્રમોમાં ભાગ લેતો. તે કહે છે કે, નવરાત્રીમાં તે ગરબા ગાવામાં સૌથી આગળ રહેતો, અને ગામમાં આવતા ઓરકેસ્ટ્રાવાળા પણ તેના સિંગિંગના વખાણ કરતા, અને પોતાની સાથે કાર્યક્રમમાં આવવા પણ કહેતા. છેલ્લા એક સપ્તાહથી રતન વિવિધ ન્યૂઝ ચેનલ્સ તેમજ અન્ય લોકોને ઈન્ટર્વ્યુ આપી રહ્યો છે.

તે આજે પણ કોઈ પણ ચેનલમાં જાય ત્યારે પોતાની સિક્યોરિટી ગાર્ડની વરધી પહેરીને જ જાય છે. તેની હવે ટ્રેનિંગ પણ શરુ થઈ ચૂકી છે. જાણીતા સંગીતકાર સચીન-જિગરે રતનની સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી છે, તો ગુજરાતી ફિલ્મના અન્ય એક પ્રોડ્યુસરે પણ રતનને પ્રોમિસ આપ્યું છે કે તેની આગામી ફિલ્મમાં તેના કંઠે ગવાયેલું ગીત ચોક્કસ હશે.રતન કહે છે કે, નાનો હતો ત્યારે તેના ઓછું ભણેલા માતાપિતાને પણ તેની ટેલેન્ટ વિશે કોઈ ખ્યાલ નહોતો. મમ્મી તો ગાવા જવા નહોતી દેતી અને ભણવામાં ધ્યાન આપવાનું કહેતી તેમ પણ રતન જણાવે છે. તે કહે છે કે, આગળ જતાં ભલે ગમે તેટલી સફળતા મળે, પણ મારી પ્રાથમિકતા હંમેશા ગુજરાતી સોંગ્સ જ રહેશે. ગુજરાતીમાં ઓસ્માન મીર, કિર્તીદાન ગઢવી તેના માનિતા સિંગર છે. આ ઉપરાંત સોનુ નિગમ, રાહત ફતેહ અલી ખાનની ગાયકી પણ તેને પસંદ છે. પોતાની સફળતાનો શ્રેય તે તેનો પહેલી વાર વીડિયો બનાવી તેને વાયરલ કરનારા પોતાના દોસ્તને આપે છે.