ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ડિસેમ્બર 2022 (18:15 IST)

યુવકે ફેક આઈડીથી રાજકોટની મહિલા ડોકટરને સરકારી નોકરી આપવાની લાલચ આપી રૂ.23.50 લાખ ખંખેર્યા

A young man extorted Rs 23.50 lakh by luring a woman doctor of Rajkot with a fake ID to give her a government job.
ઇન્સ્ટાગ્રામ પર ડો. રાજીવ નામથી ફેક એકાઉન્ટ બનાવી બાદમાં રાજકોટની લેડી ડોકટર સાથે મિત્રતા કેળવી બગસરાના હાર્દિકે ગાંધીનગરમાં સારી ઓળખાણ હોવાનું કહી આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી અપાવી દેવાના બહાને 23.50 લાખ રૂપિયા મેળવી લીધા હોવાની ફરિયાદ નોંધાતા રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે આરોપી હાર્દિક અહાલપરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટ શહેરની એક લેડી ડોકટર સાથે બગસરાના ગઠીયાએ ઇન્‍સ્‍ટાગ્રામ મારફત ફ્રેન્‍ડ રિક્‍વેસ્‍ટ મોકલી પોતે હાર્ટ સ્‍પેશિયાલિસ્‍ટ ડોક્‍ટર છે તેવી ખોટી ઓળખ ઉભી કરી મિત્રતા કેળવી બાદમાં તેણીને સરકારી નોકરી અપાવવાની તેમજ પારૂલ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાના નામે અને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં મેડિકલ ઓફિસરની નોકરી અપાવી દેવાના બહાને તેમજ છેલ્લે રાજકોટમાં પોતે 400 બેડની હાર્ટ હોસ્‍પિટલ શરૂ કરી રહ્યો છે તેમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી કટકે-કટકે કુલ રૂ. 23.50 લાખ મેળવી લઇ ઠગાઇ કરતાં રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી આરોપી હાર્દિક અહલાપરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાદમાં આરોપી હકિકતે ડોક્‍ટર નહિ પણ ભાડાની દુકાનમાં મોબાઇલ શોપ લે વેચ તથા રીપેરીંગનો ધંધો કરતો હોવાનું ખુલ્‍યું હતું. ભોગ બનનાર યુવતીએ જણાવ્‍યું હતું કે હું તબિબ છું અને હાલમાં નોકરી કરતી નથી. સોશિયલ મિડીયા ઇન્‍સ્‍ટાગ્રામમાં મારું એકાઉન્‍ટ છે. તા. 26.06.2022 ના રોજ મારા ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર ડો.રાજીવ2021 નામથી રિક્‍વેસ્‍ટ આવી હતી. જે મેં સ્‍વીકારી હતી. એ પછી તેની સાથે વાતચીત શરૂ થઇ હતી. જે તે વખતે તેણે પોતાની ઓળખ ડો. રાજીવ મહેતા તરીકે આપી હતી. વાતચીત આગળ વધતાં એકબીજાના મોબાઇલ ફોન નંબરની આપ-લે થઇ હતી. તે વખતે રાજીવે પોતે હાર્ટસર્જન છે અને સુરતમાં પોતાની હોસ્‍પિટલ છે તેમજ હોસ્‍પિટલનું નામ મહેતા હાર્ટ ઇન્‍સ્‍ટીટયુટ છે તેવું કહ્યું હતું. એટલુ જ નહિ આ હોસ્‍પિટલ 700 બેડની હોવાનું પણ કહ્યું હતું.ત્‍યારબાદ ડો. રાજીવે મને કહેલું કે તમારે સરકારી નોકરી જોઇતી હોય તો મારા ફઇનો દિકરો રાહુલ ગાંધીનગર સરકારી અધિકારી છે તેના મારફત તમને સરકારી ડોક્‍ટર તરીકે નોકરી અપાવી દઇશ. પણ આ માટે તમારે રૂ. 2.50 લાખ ભરવા પડશે. તેની આ વાતમાં મને વિશ્વાસ બેસતાં અને તેણે મને નોકરી અપાવી જ દેશે તેવું વચન આપતાં મેં તેને આ રકમ આપી હતી. એ પછી થોડા દિવસ બાદ પારૂલ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોઇ તેમાં માર્ક ઓછા પડતાં હોઇ મેં ડો. રાજીવ મહેતાને વાત કરતાં તેણે કહેલું કે પારૂલમાં પણ મારા ઓળખીતા મેડમ છે જે તારું એડમિશન કરાવી આપશે. પરંતુ આ માટે મેનેજમેન્‍ટ ફી તમારે ભરવી પડશે અને એ ફીની રકમ 9,75,000 જેવી થાય છે.આથી મેં એડમિશન માટે રાજીવને કટકે કટકે ગૂગલ પેથી તથા બેંક એકાઉન્‍ટમાં રકમ મોકલી હતી. એ પછી મેં મારા કુટુંબીને ડો. રાજીવ અંગે વાત કરી હતી અને તેણે મારા ભાઇ સાથે વાત કરી હતી. ડો. રાજીવે ત્‍યારે કહેલુ કે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં મેડિકલ ઓફિસરની જગ્‍યા ખાલી છે તેમાં તમારે જોબ મેળવવી હોય તો મારા ફઇનો દિકરો ગાંધીનગર સરકારી અધિકારી છે તે તમને રાજકોટ સિવિલમાં મેડિકલ ઓફિસરની નોકરી અપાવી દેશે તેમ કહી તેના માટે રૂ. 2 લાખ ભરવા પડશે તેમ કહેતા મારા ભાઇએ ગૂગલ પેથી તથા બેંક એકાઉન્‍ટ મારફત ડો. રાજીવને આ રકમ મોકલી દીધી હતી.આ ઉપરાંત રાજીવે બાદમાં કહેલું કે હવે હું રાજકોટમાં એરપોર્ટ રોડ પર 400 બેડની મહેતા હાર્ટ હોસ્‍પિટલ ચાલુ કરવાનો છું, તેમાં તમારે ભાગીદારીમાં રહેવું હોય તો મને જણાવો. જેથી મેં ઘરે વાત કરતાં મને ના પાડવામાં આવી હતી. પણ મારા ભાઇને વાત કરતાં તેણે ડો. રાજીવ સાથે વાત કરતાં તેણે વચન-વિશ્વાસ આપતાં અમે રૂ. 7.95 લાખ ભાગીદારી પેટે ડો. રાજીવ મહેતા તરીકે પોતાને ઓળખાવનારને આપી દીધા હતાં. આ ઉપરાંત બીજા 1,15,000 પણ કટકે કટકે મેં તેને આપ્‍યા હતાં. આમ કુલ રૂ. 23.50 લાખ ડો. રાજીવ મહેતાને મેં આપ્‍યા હતાં. પરંતુ બાદમાં ખબર પડી હતી કે આ કોઇ ડોક્‍ટર નથી અને બગસરામાં રહેતો હાર્દિક જયેશભાઇ અહાલપરા નામનો 37 વર્ષનો શખ્‍સ છે. તેણે મારી સાથે ખોટા નામે ઇન્‍સ્‍ટાગ્રામ પર સંપર્ક કરી મિત્રતા વધારી નોકરી, એડમિશન અને રાજકોટની સિવિલમાં નિમણુંક અપાવવા ઉપરાંત રાજકોટમાં શરૂ થનારી હોસ્‍પિટલમાં ભાગીદારીના બહાને કટકે કટકે લાખો રૂપિયા લઇ લીધા હોઇ મેં સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.પોલીસનું માનવું છે કે આરોપી અન્ય લોકો સાથે પણ આ જ પ્રકારે છેતરપિંડી કરી રૂપિયા મેળવી લીધા હોઈ શકે છે જે દિશામાં પણ પોલીસે તેની વિશેષ તપાસ પુછપરછ હાથ ધરી આવી ઘટનામાં કોઈ ભોગ બન્યા હોય તો સાયબર ક્રાઇમ પોલીસ રાજકોટનો સંપર્ક કરવા અપીલ કરી છે.